Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 992 of 4199

 

૨૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

પ્રશ્નઃ– જ્ઞાનાવરણીયકર્મનો ઉદય જ્ઞાનને રોકે છે એમ શાસ્ત્રમાં આવે છે ને?

ઉત્તરઃ– હા, આવે છે; પણ એનો અર્થ શું? જ્ઞાનાવરણીય કર્મ જડ પુદ્ગલની પર્યાય

છે. તે જ્ઞાનની હીણી અવસ્થામાં નિમિત્ત છે. પરંતુ જ્ઞાનની હીણી અવસ્થા જડ કર્મને લઈને થઈ છે એમ નથી. શાસ્ત્રમાં તો નિમિત્તનું વ્યવહારનયથી કથન હોય છે. નિમિત્તથી કાર્ય થાય એવો ચિરકાળનો જીવોને અભ્યાસ છે એટલે આ વાત બેસવી કઠણ પડે છે. પણ ભાઈ! શાસ્ત્રમાં જે અપેક્ષાથી કથન હોય છે તે યથાર્થ સમજવું જોઈએ. જ્ઞાનની હીનાધિક અવસ્થા પોતાની પર્યાયની યોગ્યતાથી થાય છે; તેમાં જ્ઞાનાવરણીય કર્મનું કાંઈ કર્તવ્ય નથી, માત્ર નિમિત્તપણે હોય છે એ જ. એવી રીતે વીર્યાંતરાયનો ઉદય છે માટે આત્મામાં વીર્યની હીણી દશા થઇ છે એમ નથી. વીર્યાંતરાયનો ઉદય એમાં કાંઈ કરતો નથી.

આ વાત ચાલતી નથી એટલે લોકોને નવી લાગે છે. પણ ભાઈ! આ તો ભગવાનના શ્રીમુખેથી નીકળેલી સત્ય વાત છે. કર્મનો ઉદય જડની પર્યાય છે. તે આત્માની (હીણી) અવસ્થાને કેમ કરે? જીવની પર્યાય કર્મને અડતી નથી અને કર્મ જીવની પર્યાયને અડતું નથી. આ વસ્તુસ્થિતિ છે.

જ્ઞાનીને જે વિકલ્પ થાય તેનો તે જાણનાર છે. જ્ઞાની જાણવાની ક્રિયા કરે અને રાગની ક્રિયા પણ કરે-એમ નથી. તેવી રીતે અજ્ઞાની રાગની ક્રિયા કરે અને પરની પણ ક્રિયા કરે એમ નથી. આ ઘણી ગંભીર અને સૂક્ષ્મ વાત છે. આ જે સમજે નહિ તેને મૂળમાં જ ભૂલ છે. કહ્યું છે ને કે-‘योग्यता हि शरणम्’ પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય તેની યોગ્યતાથી થાય છે; પરથી નહિ. પરંતુ પરથી થાય એમ માને તો સ્વ-પરની ક્રિયાને અભિન્ન માનનાર તેના મતમાં સ્વ-પરનો વિભાગ નષ્ટ થઈ જાય છે, અર્થાત્ તેની માન્યતામાં સ્વ-પરનું એકપણું થઈ જાય છે. પોતાની પર્યાયને કરે અને પરની પર્યાયને પણકરે એવું માનનાર મિથ્યાદ્રષ્ટિ છે અને તે સર્વજ્ઞના મતની બહાર છે. કોઈને લાગે કે આ તો એકાંત છે. પણ ભાઈ! આ સમ્યક્ એકાંત છે. જીવ પોતાની પર્યાયનો કર્તા છે અને પરની પર્યાયનો કર્તા નથી એમ સમ્યક્ એકાંત થાય ત્યારે સાથે નિમિત્તનું જ્ઞાન થાય તેને સાચું અનેકાંત કહે છે. નિમિત્ત છે, બસ. પરંતુ નિમિત્તથી થાય છે એમ નથી.

ગોમ્મટસારમાં આવે છે કે- જ્ઞાનાવરણીયથી જ્ઞાન રોકાય, વીર્યાંતરાયના ઉદયથી વીર્ય રોકાય, દર્શનમોહના ઉદયથી મિથ્યાત્વ થાય, ચારિત્રમોહના ઉદયથી રાગદ્વેષ થાય, આયુના ઉદયે અમુક કાળ દેહમાં રહેવું પડે ઈત્યાદિ. ભાઈ! આ તો બધાં વ્યવહારનયનાં કથન છે. આત્મા પોતાની યોગ્યતાથી વિકારપણે પરિણમે છે, પરના કારણે તે તે પર્યાયો થાય છે એમ નથી.