Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 994 of 4199

 

૨૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

મૂળ સિદ્ધાંત છે અને તે છ એ દ્રવ્યોમાં લાગુ પડે છે. એક દ્રવ્યની પર્યાય અન્યદ્રવ્યની પર્યાયને કરે નહિ એ સિદ્ધાંત દ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં લાગુ પડે છે. એમ ન માને તે દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ છે. શ્રી કુંદકુંદાચાર્ય કહે છે કે તે ‘सो जिणावमदम्’ જિનઆજ્ઞાથી બહાર છે.

પરની દયાનો ભાવ જીવ કરે અને પરની દયા પણ પાળી શકે એમ માનનાર જિનવરના મતથી બહાર છે. આ વાત ન સમજાય એટલે એનો વિરોધ કરે પણ ખરેખર તો તે પોતાનો વિરોધ કરે છે. વળી પરની દયાનો જે શુભરાગ છે તે પણ હિંસા છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં (છંદ ૪૪માં) કહ્યું છે કે જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવ હિંસા છે, અપરાધ છે; કેમકે બંધન અપરાધથી થાય છે. નિરપરાધથી બંધન ન થાય. બંધન થાય તે ભાવ અપરાધ છે. અહીં તો વિશેષ કહે છે કે પરની દયા હું પાળી શકું એ માન્યતા મિથ્યાદર્શન છે. મહાઅપરાધ છે. ગજબ વાત છે!

સોલહકારણભાવનાથી તીર્થંકરગોત્ર બંધાય છે. તે સોળે પ્રકારના ભાવ રાગ છે, અપરાધ છે, ગુન્હો છે. અજ્ઞાનીને તીર્થંકર પ્રકૃતિના બંધના કારણરૂપ રાગ હોતો જ નથી. જ્ઞાનીને તે રાગ આવે છે તેને તે જાણે છે. જેને સ્વભાવ તરફ ઝુકાવ થયો છે. તે જ્ઞાનીને અલ્પ રાગ બાકી છે તો વિકલ્પ આવતાં તીર્થંકરગોત્ર બંધાય છે. પરંતુ તે વિકલ્પ તોડીને અલ્પકાળમાં મોક્ષ જાય છે. ત્યાં તીર્થંકરપ્રકૃતિ બાંધી, વા તેવો રાગ હતો તે કારણે મોક્ષ થાય છે એમ નથી. ભાઈ! અજ્ઞાનીના મતમાં વાતે વાતે ફેર છે. કહ્યું છે ને કે-

“આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર
એક લાખે તો ન મિલે એક ત્રાંબીઆકા તેર.”

ભગવાન સર્વજ્ઞદેવ અને સંતો કહે છે કે-ભાઈ! અમારી શ્રદ્ધામાં અને તારી (અજ્ઞાનીની) શ્રદ્ધામાં વાતે વાતે ફેર છે. અહીં ભગવાન કુંદકુંદાચાર્યદેવ ફરમાવે છે કે -કોઈ એમ માને કે જીવ પોતાના રાગની ક્રિયા પણ કરે અને પરની ક્રિયા પણ કરે તો એમ માનનાર સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. તેને જૈનમતની શ્રદ્ધા નથી. પરની દયા પાળી શકું, પરને જીવાડી શકું, પરને ઉપદેશ દઈ જ્ઞાન પમાડી શકું-એવું માનનાર જિનઆજ્ઞાથી બહાર છે. બંધ અધિકારમાં ત્યાં સુધી વાત કરી છે કે-હું બીજાને મોક્ષ પમાડી દઉં એમ તું માને છે તો શું તેની વીતરાગ પરિણતિ વિના તું એને મોક્ષ પમાડી દઈશ? અને તેને વીતરાગ પરિણતિ હોય તો તેનો મોક્ષ થશે એમાં શું તેં એની વીતરાગ પરિણતિ કરી છે? એમ નથી. ભાઈ! હું બીજાને બંધ કરાવું વા મોક્ષ પમાડી દઉં એમ તું માને તે બધાં મિથ્યાદ્રષ્ટિનાં લક્ષણ છે.

કોઈ એમ કહે કે જો ઉપદેશથી બીજાને જ્ઞાન પમાડી શકાતું નથી તો શા માટે