૧પ૦ શ્રી પ્રવચન રત્નો-૧
બાપુ એવી વાતું છે ભાઈ! વીતરાગની વાણી કોઈ અલૌકિક હોય છે. અત્યારે તો રાગને નામે વીતરાગ મારગને ખતવી નાંખ્યો છે અજૈનને જૈન નામે ખતવી નાંખ્યું છે!
આહા...! એમ હોય ભાઈ..? શ્વેતાંબર અને સ્થાનકવાસીને મોક્ષમાર્ગ પ્રકાશકમાં અન્યમતિ અજૈન કહ્યા છે પણ આ સંપ્રદાયમાં રહેલા પણ રાગને નામે ખતવી નાખે છે તે પણ અજૈન છે.
આહા.. હા! પુદ્ગલપરિણામના જ્ઞાનને એટલે રાગના જ્ઞાનને અને પુદ્ગલને એટલે રાગને, ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકનો અભાવ છે. આહા..! રાગ વ્યાપક છે / રાગનું જ્ઞાન કીધું’ તું તેથી રાગ વ્યાપક છે-કર્તા છે અને જ્ઞાન તેનું કર્મ છે એમ નથી સમજાણું કાંઈ...?
આ તો આવી ગયું છે પરમ દિ’ ફરીને વધારે ફરીને આવ્યું. આહા... હા! બાપુ! વીતરાગની વાત એવી છે એ તે શું ચીજ છે! એ તે સાધારણ વાત છે! ‘વચનામૃત વીતરાગના પરમ શાંત રસમૂળ, ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ’
નપુંસકને વીર્ય ન હોય, પ્રજા ન હોય એની જેમ રાગની પર્યાયનો કર્તા થાય એને ધર્મની પ્રજા ન હોય! રાગને રચે તે વીર્ય નહીં બાપુ! (શ્રોતાઃ) ‘કલીબ’ કીધું છે (ઉત્તરઃ) ‘કલીબ’ બે ઠેકાણે લીધું છે ને.. પુણ્ય-પાપ (અધિકારમાં) છે ને અજીવ અધિકારમાં છે, ‘કલીબ’ -નપુંસક! પાવૈયા હીજડાઓ!!
પાવૈયા-હીજડાઓને વીર્ય ન હોય, પુત્ર ન થાય. એમ રાગના પરિણામમાં ધરમ માનનારા હીજડાઓ છે તેને ધરમ ન થાય! (શ્રોતાઃ) આકરું (ઉત્તરઃ) આકરું છે. ટીકામાં અમૃતચંદ્ર આચાર્યે કહ્યું છે એ જ નપુંસક (કલીબનું)
ભાઈ... તું મહા... વીર... છોને પ્રભુ! તારી વીતરતાની શી વાત કરવી! કે આહા..! વીર્ય ગુણ છે, ઈ વીર્યગુણનું પણ એકેએક ગુણમાં રૂપ છે. જ્ઞાનગુણ આદિમાં (વીર્યગુણનું) રૂપ છે. આવો વીર્ય ગુણ છે.
આહા...! એવો જે ‘વીર’ ભગવાન આત્મા! એની જ્યાં દ્રષ્ટિ-સમ્યગ્દર્શન થયું એવા અનંતગુણોનો સ્વીકાર અને સત્કાર થયો અને રાગનો સ્વીકાર ને સત્કાર ગયો! તેને રાગનું જ્ઞાન થયું તેમાં રાગ વ્યાપક છે ને જ્ઞાનના પરિણામ વ્યાપ્ય છે (તો કહે છે) ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપક ભાવનો અભાવ છે.
રાગના પરિણામને અને એના જ્ઞાન (પરિણામને) કુંભાર-ઘટની જેમ અભાવ છે રાગ વ્યાપક છે ને આંહી જ્ઞાનના પરિણામ એને લઈને થયા છે એમ નથી. સમજાણું કાંઈ..?
૧૭/૧૮ ગાથા-સમયસાર (ત્યાં કીધું) પહેલો આત્માને જાણવો, પહેલાં ઈ નવને જાણવોઅએમેય કીધું નથી. ભગવાન! પહેલો આત્માને જાણવો એમ પહેલી ભગવાનને જાણવાની પાધરી વાત કરી છે.
આહા.. હા! બાપુ! સમયસાર તો કોઈ અલૌકિક ચીજ છે! સમજાણું કાંઈ..? આહાહા! જગતના ભાગ્ય! એવી પળે રચાઈ ગયું ને એવી પળે રહી ગ્યું છે! ‘આ’ આહા.. હા! હેં? છે?
(કહે છે) ‘પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને’ એટલે કે પુદ્ગલપરિણામ એટલે રાગના જ્ઞાનને અને પુદ્ગલને એટલે રાગને, ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે’