શ્રી પ્રવચન રત્નો-૧ ૧૧
આહા... હા! હજી પહેલી શું ચીજ છે, ઈ સમજવાને પણ વખત લ્યે નહીં! આહા.. હા! આવો જે અપાર સ્વભાવને પર્યાય, એનો પત્તો અંદર લાગે, જે જ્ઞાનને શ્રદ્ધા એનો પત્તો લ્યે, એને રાગમાં રસ ઊડી જાય. રાગ ઊડી જાય એમ નહીં, રાગ રહે. સમજાણું કાંઈ..?
આહા..! આવા જે અનંતા ગુણો અને અનંતી પર્યાયો, છેડા વિનાની, છેલ્લા વિનાની, અવી ‘દ્રવ્યની દ્રષ્ટિ’ જેને થાય, એના અસ્તિત્વનો સ્વીકાર થાય, એના રસ આડે એને રાગમાં રસ રહે નહીં.
રાગ તો એ અમુકગુણની પર્યાય છે અને આંહી તો અનંતા.. અનંતા.. છેડો નહીં જેનો (એટલા ગુણો) આહા.. હા! ઝીણું બહુ બાપુ!
વીતરાગ મારગની પ્રથમ સમ્યગ્દર્શન જ શું ચીજ છે ઈ.. ગજબ વાત છે. આહાહા! એના વિના રખડી મર્યો છે ચોરાશીના અવતારમાં! આહા.. હા.. એ અબજોપતિ, શેઠિયા કહેવાય! એ મરીને ગધેડાં થાય! કૂતરાં થાય! કેમકે ધર્મ શું ચીજ છે ઈ અંતરમાં ખબર નથી. અને માંસ આદિ ખાતા ન હોય તો ઈ નર્કમાં તો ન જાય. સિદ્ધાંતમાં ઈ લેખ છે અંદર કે બધાં જવાના ઢોર-તિર્યંચમાં! આહા...! જેવું સ્વરૂપ છે, એવું જેણે જાણ્યું નથી, માન્યું નથી, ઓળખ્યું નથી, એના વિરોધી ભાવો.. જે આડાં, વિકારીભાવો ને આડોડાઈ કરીને કર્યાં છે એ આડોડાઈ એટલે ટેઢાઈ થઈ ગઈ છે. એ મરીને આડોડાઈ, તીર્યંચના શરીરમાં જવાના.. કારણ કે તીર્યંચના શરીર આમ આડાં છે! મનુષ્યનાં આમ ઊભાં છે. ગાય, ભેંસ ખીસકોલી આદિના આમ આડા છે. આહા..! ઈ મોટી સંખ્યા ઈ છે!! એની સંખ્યા ત્યાં પૂરવાના છે.
આહા.. હા! આંહી બીજું કહેવું છે કે કર્મના પ્રદેશમાં સ્થિત છે તે બધા ગુણો તો વિકારી પર્યાયમાં સ્થિત નથી. એકવાત! અને કર્મ જે છે પરમાણુઓ, ઈ તો વિભાવરૂપે પરિણમેલ છે. એક પરમાણુ સ્વભાવરૂપે છે. અને આ તો વિભાવ રૂપે પરિણમેલ છે. વિભાવરૂપે પરિણમનમાં કર્મરૂપે બધા ગુણો (પરમાણુના) પરિણમ્યા છે એમ નથી. સમજાણું કાંઈ..?
જેમ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પર્યાયના પરિણમનમાં સર્વગુણો અશંતઃપણે પરિણમ્યા છે. એમ વિકારપણે બઘા ગુણો પરિણમ્યા છે પરમાણુમાં એમ નથી, આત્મામાં પણ એમ છે. આત્મામાં પણ અશુદ્ધપણું જે છે, બધા ગુણો અશુદ્ધપણે થાય છે એમ નથી. કેટલાક ગુણો અશુદ્ધ થાય બાકી તો શુદ્ધ રહે. કેટલાક ગુણો અભવીને પણ શુદ્ધ રહે છે પર્યાયમાં. જેમ અસ્તિત્વ ગુણ! અસ્તિત્વનું અશુદ્ધ શું થવું? ‘હોવું’ ઓછું થઈ જવું? વાત સમજાય છે?
આહા.. હા! ઈ તો આમાં એક પ્રદેશત્વ નામનો ગુણ છે સામાન્યમાં એ વિકારરૂપે પરિણમે ઈ એ તે બે પરમાણુ, ચાર પરમાણુરૂપે થાય ત્યારે એકલો નહીં. આહા.. હા.. હા! તે કર્મપણે પરિણમેલા પર્યાયો, એમાં પણ પરમાણુમાં જેટલા ગુણો છે એ બધા કર્મપણે પરિણમ્યા નથી. અમુક જ ગુણની પર્યાયો કર્મપણે થઈ છે.
આહા..! એમાં જે રોકાયેલો છે જીવ! આમ અનંતગુણોમાં ન આવતાં અનંતા પર્યાયો કર્મના રસની છે ત્યાં અટકયો છે તે પરસમય એટલે અણાત્મા છે.
આડાઈ કરે! વિરોધ અર્થ કરે, વિરુદ્ધ શ્રદ્ધા કરે! આત્માથી વિરોધ, વિકારના ભાવ કરે..!