૩૬ શ્રી પ્રવચન રત્નો-૧ શક્તિઓ એકરૂપે પૂરણ છે. અને તે પણ પરના ભાવના અભાવસ્વભાવસ્વરૂપ છે.
આહા... હા! એવો ભગવાન આત્મા, સર્વોત્કૃષ્ટ પોતે પરમાત્મા સ્વરૂપજ શક્તિએ-સ્વભાવે છે, એમાં એકાગ્ર થવાથી અને રાગની ક્રિયા ને શરીરની ક્રિયા ને બહારની ક્રિયાથી ભેદપાડીને જુદો પાડીને, કેવળજ્ઞાન ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થાય છે.
આહા... હા! આવું છે! આ બહારમાં શું કરવું આમાં? બહારનું કાંઈ કરીશ (તોપણ) અંદરનું મળે એવું નથી લે! (શ્રોતાઃ) પણ બહારનું ક્યાં કરી શકે છે? (ઉત્તરઃ) બહારમાં છે પણ ક્યાં, બહારમાં તું છો ક્યાં? શરીરમાં છે? વાણીમાં, જડમાં પૈસામાં? પુણ્યપાપના ભાવ થાય શુભઅશુભ, એમાં આત્મા છે?
આહા... હા! ન્યાયથી જરી, લોજિકથી... પકડશે કે નહીં? હેં? એમને એમ આંધળે-આંધળું અરેરે! આંખ્યું વીંચીને... ક્યાંય ચાલ્યો જશે! દેહની સ્થિતિ પૂરી થઈ જશે, થઈ રહ્યું! આત્મા તો અવિનાશી છે તે આત્મા ભેગો નાશ થાય એવો નથી. શરીર તો નાશ થઈ જશે આંહી.
અને (અજ્ઞાની) મારા, આ મારા એ માનીને ચાલ્યો જશે, રખડવા ચોરાશીમાં...! આહા...! ત્યાં કાંઈ ધર્મશાળા નથી! પાંજરાપોળ ત્યાં નથી ક્યાંય! ત્યાં ‘માશીબા બેઠાં નથી કે આવો ભાઈ!
આહા...! જેમાં તું છો... તારો સ્વભાવ છે અને તે સ્વભાથી સ્વભાવથી ખાલી હોય નહીં પ્રભુ! એ સ્વભાવ પૂરણ છે. એ ગુણો અનંતગુણોની શી વાતો કરવી આહા...! જેને સંખ્યાએ ગુણનો પાર ન મળે! આહા... હા... હા! એ દરેક ગુણ પરિપૂર્ણ છે અને એવા પરિપૂર્ણ ગુણનો પુંજ પ્રભુ તે આત્મા છે. એ આત્મામાં રાગથી ભેદજ્ઞાન કરીને, માર્ગ આ છે બાપુ! બીજા ગમે તે રીતે ચડાવે બીજે રસ્તે! જીવન ચાલ્યા જશે પ્રભુ! બાપુ, મનુષ્યપણું અનંત કાળે મળવું મુશ્કેલ છે પ્રભુ!
આહા... હા! બે લીટીમાં તો ઓહોહોહો! પછી કહે છે, ‘સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાન’ એકલી પર્યાય પૂર્ણ જ્ઞાનની પ્રગટ થાય એને ‘ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ’ એને પરથી ભિન્ન પાડવાની ભેદજ્ઞાનદશા તે પૂરણપ્રાપ્તિનો ઉપાય છે. એ સર્વ પરદ્રવ્યથી છૂટી/ભેદ કહ્યું ને...? ભેદજ્ઞાન કીધું ને..! તો સર્વ પરદ્રવ્યથી છૂટી, પુણ્યને પાપ ના ભાવ, દયા-દાન આદિના ભાવ એ પરદ્રવ્ય રાગ છે એનાથી છૂટી ‘દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ’ આહા.. હા!
‘જે દર્શનજ્ઞાનસ્વભાવ છે એમાં નિયત-નિશ્ચય પરિણતિરૂપ, અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે’ આહા... હા! જયારે ભગવાન આત્મા પરદ્રવ્યથી છૂટી પોતાના જ્ઞાનદર્શન સ્વભાવમાં સ્થિર રહે-નિયતવૃત્તિ-નિશ્ચયવૃત્તિરૂપ છે એવું અસ્તિત્વ રૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે ત્યારે દર્શનજ્ઞાનચારિત્રપણું કહ્યું છેને પાછું પાઠમાં ‘चरित्तदंसणणाण’ હતું (અહીંયાં) પાછું લઈ લીધું હતું ઈ. (ઓલું તો) પદ્યમાં ગોઠવવા સાટુ!
આહા... હા! ‘સર્વ પરદ્રવ્યોથી છૂટી’ એમાં કયું બાકી રહ્યું? પરમાત્મા, દેવ-ગુરુ-શાસ્ત્ર, એનાથી છૂટી! એ ભાઈ...! કેવળી ગુરુએ પરદ્રવ્ય? એના બાપે પ્રશ્ન કર્યો’ તો! દસની સાલ, બોટાદમાં મ્યુનિસિપલમાં વ્યાખ્યાન ચાલતું હતું આ પ્રશ્ન, દેવગુરુશાસ્ત્ર ઈ પર? શુદ્ધ છે ઈ પર? લાખવાર પર. આંહી પરદ્રવ્ય કીધાં ને...! ‘સર્વપરદ્રવ્યો’ કીધું તો એમાં દેવગુરુશાસ્ત્ર બાકી રાખ્યાં?