૮૦ શ્રી પ્રવચન રત્નો-૧
‘સમયસાર’ છઠ્ઠી ગાથાનો ભાવાર્થ. છઠ્ઠીગાથા થઈ ગઈ. આ ભાવર્થ છે. શું કહેવા માગે છે? કે આ વસ્તુ જે છે આત્મા! તે દ્રવ્ય તરીકે શુદ્ધ છે. વસ્તુના.. સ્વભાવ તરીકે વસ્તુ (આત્મદ્રવ્ય) પોતે શુદ્ધ છે. પવિત્ર છે, નિર્મળ છે. અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે, એની દ્રષ્ટિ કરતાં... એની દ્રષ્ટિ કરતાં એટલે એનો આદર કરતાં, એને એ ‘શુદ્ધ છે’ એવું જ્ઞાનમાં-ખ્યાલમાં આવે! વસ્તુ (આત્મદ્રવ્ય) તો શુદ્ધ છે, એ ત્રિકાળ શુદ્ધ ચૈતન્યઘન-આનંદકંદ છે. મલિનતા તો, એકસમયની પર્યાયમાં દેખાય છે, વસ્તુ મલિન નથી. વસ્તુ (આત્મવસ્તુ) નિર્મળ, શુદ્ધ, પૂર્ણ, અખંડ, અભેદ એકરૂપ વસ્તુ ત્રિકાળ છે!! એતો, શુદ્ધ છે, પવિત્ર છે, અખંડ છે!!
પણ કોને? એને... જાણે... એને! જેના જ્ઞાનમાં આવી વસ્તુ આવી નથી- એ ચૈતન્યપ્રભુ છે. પૂર્ણાનંદ છે-પણ, જેના ખ્યાલમાં આવી નથી, એને તો છે જ નહીં.
એને ભલે, વસ્તુ (આત્મા) છે પણ, ‘એ શુદ્ધ છે’ એમ તો એને (જ્ઞાનમાં ખ્યાલમાં) છે નહીં, કેમકે દ્રષ્ટિમાં જેને રાગ ને પુણ્ય ને દયા, દાનના વિકલ્પ, જેની દ્રષ્ટિમાં વર્તે છે, એને વસ્તુ (આત્મા) શુદ્ધ છે તે તેના શ્રદ્ધા-જ્ઞાનમાં આવ્યું નથી, એના શ્રદ્ધા-જ્ઞાનમાં તો અશુદ્ધતા આવી છે- પર્યાય આવી છે. અને એ અશુદ્ધતા પર્યાયમાં એને આવી છે તે યથાર્થ છે ‘યથાર્થ છે’ એટલે અશુદ્ધપણું (પર્યાયમાં) છે, પર્યાયદ્રષ્ટિએ અશુદ્ધપણું છે.
પણ, એ વાસ્તવિક ચીજ નથી. વાસ્તવિક ચીજ તો, ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ચૈતન્યમૂર્તિ છે! એ સત્ય છે!!
એની (પર્યાયદ્રષ્ટિની) અપેક્ષાએ પર્યાય હતી ખરી-છે ખરી, પણ ત્રિકાળી આત્માની અપેક્ષાએ તે વસ્તુને (પર્યાયને) ગૌણ કરીને, નથી એમ કહેવામાં આવ્યું, પણ પર્યાય છે-રાગ છે-અસ્તિ છે ઈ. નથી એમ નહીં.
પણ, તે પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાથી મિથ્યાત્વ થાય છે અને ભ્રમણ ઊભું રહે છે, માટે ‘પર્યાય નથી’ એમ નિષેધ કર્યો, એ પર્યાય હોવા છતાં-રાગાદિ હોવા છતાં, એ પર્યાયદ્રષ્ટિનો નિષેધ કરી, તે ચીજ મારામાં નથી, એમ નિષેધ કર્યો.
આહા.. હા! વસ્તુ જ્ઞાયક! ચૈતન્યપ્રભુ! સચ્ચિદાનંદ સ્વરૂપ એનું છે, આહા..! તેની દ્રષ્ટિ કરતાં, એની દ્રષ્ટિમાં - આવી દ્રષ્ટિ કરી (શુદ્ધ દ્રવ્યની) ત્યારે ચીજ આવી ખ્યાલમાં, એને માટે ‘શુદ્ધ’ ને પવિત્ર છે.
આહા...! જેને ખ્યાલમાં જ વસ્તુ આવી નથી એને ‘શુદ્ધ’ છે એ ક્યાંથી આવ્યું? સમજાણું કાંઈ? ઝીણી વાત છે, આ તો મુખ્ય વાત છે.. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથે કહેલી અને જોયેલી અને જગતને દેખાડવા માટે આ વાત છે!
આહા...! પ્રભુ! તું કોણ છો? તને.. તેં દેખ્યો નથી! તું જે નથી, તેને તેં દેખી.