Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 544

 

background image
આચાર્યભગવાને મુમુક્ષુઓને અતીન્દ્રિય જ્ઞાન અને સુખની રુચિ તથા શ્રદ્ધા કરાવી છે અને
છેલ્લી ગાથાઓમાં મોહરાગદ્વેષને નિર્મૂળ કરવાનો જિનોક્ત યથાર્થ ઉપાય સંક્ષેપમાં દર્શાવ્યો છે.
બીજા શ્રુતસ્કંધનું નામ જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન છે. અનાદિ કાળથી પરિભ્રમણ કરતો જીવ બધું
કરી ચૂક્યો છે પણ સ્વ -પરનું ભેદવિજ્ઞાન તેણે કદી કર્યું નથી. ‘બંધમાર્ગમાં તેમ જ મોક્ષમાર્ગમાં
જીવ એકલો જ કર્તા, કર્મ, કરણ અને કર્મફળ બને છે, પર સાથે તેને કદીયે કાંઈ જ સંબંધ
નથી’ એવી સાનુભવ શ્રદ્ધા તેને કદી થઈ નથી. તેથી હજારો મિથ્યા ઉપાયો કરવા છતાં તે
દુઃખમુક્ત થતો નથી. આ શ્રુતસ્કંધમાં આચાર્યભગવાને દુઃખનું મૂળ છેદવાનું સાધન
ભેદવિજ્ઞાનસમજાવ્યું છે. ‘જગતનું પ્રત્યેક સત્ અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય સિવાય
કે ગુણપર્યાય -સમૂહ સિવાય બીજું કાંઈ જ નથી. સત્ કહો, દ્રવ્ય કહો, ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય કહો,
ગુણપર્યાયપિંડ કહોએ બધું એક જ છે.’ આ, ત્રિકાળજ્ઞ જિનભગવંતોએ સાક્ષાત્ દેખેલા
વસ્તુસ્વરૂપનો મૂળભૂતપાયાનોસિદ્ધાંત છે. વીતરાગવિજ્ઞાનનો આ મૂળભૂત સિદ્ધાંત
શરૂઆતની ઘણી ગાથાઓમાં અત્યંત અત્યંત સુંદર રીતે કોઈ લોકોત્તર વૈજ્ઞાનિકની ઢબથી
સમજાવવામાં આવ્યો છે. ત્યાં દ્રવ્યસામાન્યનું સ્વરૂપ જે અલૌકિક શૈલીથી સિદ્ધ કર્યું છે તેનો ખ્યાલ
વાચકને એ ભાગ જાતે જ વાંચ્યા વિના આવવો અશક્ય છે. ખરેખર પ્રવચનસારમાં વર્ણવેલું
આ દ્રવ્યસામાન્યનિરૂપણ અત્યંત અબાધ્ય અને પરમ પ્રતીતિકર છે. એ રીતે દ્રવ્યસામાન્યના
જ્ઞાનરૂપી સુદ્રઢ ભૂમિકા રચીને, દ્રવ્યવિશેષનું અસાધારણ વર્ણન, પ્રાણાદિથી જીવનું ભિન્નપણું, જીવ
દેહાદિકનો કર્તા -કારયિતા -અનુમંતા નથી એ હકીકત, જીવને પુદ્ગલપિંડનું અકર્તાપણું, નિશ્ચયબંધનું
સ્વરૂપ, શુદ્ધાત્માની ઉપલબ્ધિનું ફળ, એકાગ્રસંચેતનલક્ષણ ધ્યાન વગેરે અનેક વિષયો અતિ સ્પષ્ટ
રીતે સમજાવવામાં આવ્યા છે. એ બધામાં સ્વ -પરનું ભેદવિજ્ઞાન જ નીતરી રહ્યું છે. આખા
અધિકારમાં વીતરાગપ્રણીત દ્રવ્યાનુયોગનું સત્ત્વ ઠાંસી ઠાંસીને ભર્યું છે, જિનશાસનના મૌલિક
સિદ્ધાંતોને અબાધ્ય યુક્તિથી સિદ્ધ કર્યા છે. આ અધિકાર જિનશાસનના સ્તંભ સમાન છે. એનો
ઊંડાણથી અભ્યાસ કરનાર મધ્યસ્થ સુપાત્ર જીવને ‘જૈનદર્શન જ વસ્તુદર્શન છે’ એમ લાગ્યા વિના
રહેતું નથી. વિષયનું પ્રતિપાદન એટલું પ્રૌઢ, અગાધ ઊંડપવાળું, મર્મસ્પર્શી અને ચમત્કૃતિમય છે
કે તે મુમુક્ષુના ઉપયોગને તીક્ષ્ણ બનાવી શ્રુતરત્નાકરના ગંભીર ઊંડાણમાં લઈ જાય છે, કોઈ ઉચ્ચ
કોટિના મુમુક્ષુને નિજ સ્વભાવરત્નની પ્રાપ્તિ કરાવે છે અને કોઈ સામાન્ય મુમુક્ષુ ત્યાં સુધી ન
પહોંચી શકે તો તેના હૃદયમાં પણ ‘શ્રુતરત્નાકર અદ્ભુત અને અપાર છે’ એવો મહિમા તો જરૂર
ઘર કરી જાય છે. ગ્રંથકાર શ્રી કુંદકુંદાચાર્યદેવ અને ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવના હૃદયમાંથી
વહેલી શ્રુતગંગાએ તીર્થંકરના અને શ્રુતકેવળીઓના વિરહને ભુલાવ્યા છે.
ત્રીજા શ્રુતસ્કંધનું નામ ચરણાનુયોગસૂચક ચૂલિકા છે. શુભોપયોગી મુનિને અંતરંગ દશાને
અનુરૂપ કેવા પ્રકારનો શુભોપયોગ વર્તે છે અને સાથે સાથે સહજપણે બહારની કેવી ક્રિયાઓ
સ્વયં વર્તતી હોય છે તે આમાં જિનેન્દ્રકથન અનુસાર સમજાવવામાં આવ્યું છે. દીક્ષા ગ્રહણ
કરવાની જિનોક્ત વિધિ, અંતરંગ સહજદશાને અનુરૂપ બહિરંગ યથાજાતરૂપપણું, ૨૮ મૂળગુણ,
[ 8 ]