Pravachansar (Gujarati). Prakashakiy Nivedan.

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 544

 

background image
પ્રકાશકીય નિવેદન
[પહેલી આવૃત્તિ પ્રસંગે]
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવપ્રણીત સર્વોત્કૃષ્ટ પરમાગમો માંહેનું એક આ શ્રી પ્રવચનસાર
ગુજરાતી અનુવાદ સહિત પહેલી જ વાર પ્રકાશિત થાય છે.
‘શ્રીમદ્ રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળા’માં પ્રસિદ્ધ થયેલ હિંદી પ્રવચનસાર ઉપર પરમપૂજ્ય
સદ્ગુરુદેવે પ્રથમ સોનગઢમાં વ્યાખ્યાનો કર્યાં હતાં અને ત્યાર પછી વિ. સં. ૧૯૯૯માં રાજકોટના
ચાતુર્માસ દરમિયાન તેના ભાવો વ્યાખ્યાન દ્વારા પ્રગટ કર્યા હતા. તે વખતે એમ જણાયું હતું કે
પં. હેમરાજજીએ જે હિંદીભાષાટીકા કરી છે તે માત્ર બાલાવબોધરૂપ હોવાથી તેમાં શ્રી અમૃતચંદ્રસૂરિકૃત
સંસ્કૃત ટીકાના પૂરેપૂરા ભાવો આવી શક્યા નથી, તેથી જો આ મહાન શાસ્ત્રનો અક્ષરશઃ અનુવાદ
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થાય તો જિજ્ઞાસુઓને મહા લાભનું કારણ થાય. આથી, આ ગ્રંથનું ગુજરાતી
ભાષામાં પ્રકાશન કરવાનો આ સંસ્થાએ નિર્ણય કર્યો હતો. આમ, સમયસારની જેમ આ પ્રવચનસાર
પણ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રભાવની જ પ્રસાદી છે; નિરંતર અધ્યાત્મશાસ્ત્રોનું રહસ્ય સમજાવીને તેઓશ્રી
આપણા ઉપર જે મહાન ઉપકાર કરી રહ્યા છે તે ઉપકારને વાણી દ્વારા વ્યક્ત કરવાને આ સંસ્થા
સર્વથા અસમર્થ છે.
પ્રવચનસારના ગુજરાતી અનુવાદનું કાર્ય ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહથી જ થઈ શકે
તેમ હોવાથી, શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટે તેમને અનુવાદ કરી આપવા માટે વિનંતી કરી,
અને તેમણે ઘણા હર્ષથી અનુવાદ કરવાનું સ્વીકાર્યું. તેના ફળરૂપે આ અનુવાદ પ્રસિદ્ધ થવા પામ્યો
છે. હવે મુમુક્ષુ જીવો આ શાસ્ત્રનો પૂરો લાભ લઈ શકશે
એ તેમનાં સદ્ભાગ્ય છે. અને તે માટે
પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા ઝીલીને આ અનુવાદ તૈયાર કરનાર ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહનો
આપણા ઉપર મહાન ઉપકાર વર્તે છે.
શ્રી પ્રવચનસાર શાસ્ત્રની ‘તત્ત્વદીપિકા’ નામની પ્રથમ સંસ્કૃત ટીકા શ્રી અમૃતચંદ્રસૂરિએ
લગભગ વિક્રમ સંવતના દસમા સૈકામાં કરી હતી. આજે તેને દસ સૈકા વીતી ગયા હોવા છતાં તે
ટીકાનો અક્ષરશઃ અનુવાદ હિંદની કોઈ દેશભાષામાં આજ સુધી થયો ન હતો, અને સંસ્કૃતભાષાના
અભ્યાસીઓ ઘણા થોડા જ હોય છે તેથી, મુમુક્ષુ જીવોને આ શાસ્ત્રના અભ્યાસનો તથા તેના ભાવો
સમજવાનો પૂરો લાભ મળતો નહિ; આ અક્ષરશઃ ગુજરાતી અનુવાદ તે ખોટને દૂર કરે છે.
આ શાસ્ત્રનું ગુજરાતી ભાષાંતર કરવાનું કામ સહેલું ન હતું. શ્રી જૈનધર્મના એક મહાન નિર્ગ્રંથ
આચાર્ય શ્રી અમૃતચંદ્રસૂરિએ શ્રી પ્રવચનસાર ઉપર પોતાની તત્ત્વદીપિકા નામની સંસ્કૃત ટીકામાં જે
ઉચ્ચ અને ગંભીર ભાવો ઉતાર્યા છે તે ભાવો બરાબર જળવાઈ રહે તેવી રીતે તેને સ્પર્શીને અનુવાદ
થાય તો જ પ્રકાશન સંપૂર્ણપણે સમાજને લાભદાયક નીવડી શકે. આ અનુવાદમાં શ્રી આચાર્યદેવના
મૂળ ભાવોની ગંભીરતા સંપૂર્ણપણે જળવાઈ રહી છે, અને અનુવાદમાં અનેક જગ્યાએ ફૂટનોટ દ્વારા
તેના અર્થો અને ખુલાસાઓ કરીને ઘણી સ્પષ્ટતા કરવામાં આવી છે. એ ઉપરાંત મૂળ ગાથાઓનો