આ શાસ્ત્ર મુમુક્ષુઓને સંપૂર્ણપણે ઉપયોગી થાય તેવું સુંદર બન્યું છે. આ રીતે આ અનુવાદકાર્ય ભાઈશ્રી
હિંમતલાલભાઈએ સર્વાંગે પાર ઉતાર્યું છે, એ જણાવતાં ટ્રસ્ટને ઘણો જ આનંદ થાય છે.
ભાઈશ્રી હિંમતલાલભાઈ અધ્યાત્મરસિક, શાંત, વિવેકી, ગંભીર અને વૈરાગ્યશાળી સજ્જન છે, એ ઉપરાંત ઉચ્ચ કેળવણી પામેલ અને સંસ્કૃતમાં પ્રવીણ છે. આ પહેલાં ગ્રંથાધિરાજ શ્રી સમયસારનો ગુજરાતી અનુવાદ પણ તેમણે જ કર્યો છે અને હવે નિયમસારનો અનુવાદ પણ તેઓ જ કરવાના છે. આ રીતે શ્રી કુંદકુંદભગવાનનાં સમયસાર, પ્રવચનસાર અને નિયમસાર જેવાં સર્વોત્કૃષ્ટ પરમાગમ શાસ્ત્રોનો અનુવાદ કરવાનું પરમ સૌભાગ્ય તેમને મળ્યું છે, તેથી તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે.
આ શાસ્ત્રનો ગુજરાતી અનુવાદ તેમણે એવો સુંદર કર્યો છે કે તે માટે આ ટ્રસ્ટ તેમનો જેટલો ઉપકાર માને તેટલો ઓછો છે. આ કાર્યથી તો આખા જૈનસમાજ ઉપર તેમનો ઉપકાર છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે — જો આ કામ તેમણે હાથમાં ન લીધું હોત તો આપણે આ સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર આપણી માતૃભાષામાં પ્રાપ્ત કરી શક્યા ન હોત. અનુવાદ માટે ગમે તેટલા પૈસા ખર્ચવામાં આવે તોપણ બીજાથી આવું સુંદર કાર્ય થઈ શકત નહિ — એમ આ સંસ્થા ખાતરીપૂર્વક જણાવે છે. ભાઈશ્રી હિંમતલાલભાઈએ કોઈ પણ પ્રકારની આર્થિક સહાયતા લીધા વગર, માત્ર જિનવાણીમાતા પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને આ કાર્ય કરી આપ્યું છે. આ કાર્ય માટે સંસ્થા તેમની ૠણી છે. આ અનુવાદમાં અને હરિગીત ગાથાઓમાં તેમણે પોતાના આત્માનો સંપૂર્ણ રસ રેડી દીધો છે. તેમણે લખેલા ઉપોદ્ઘાતમાં તેમના અંતરનું પ્રતિબિંબ દેખાઈ આવે છે. તેઓ લખે છે કે ‘આ અનુવાદ મેં પ્રવચનસાર પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવશ્રીની પ્રેરણાથી પ્રેરાઈને નિજ કલ્યાણ અર્થે, ભવભયથી ડરતાં ડરતાં કર્યો છે.’
આ અનુવાદ -કાર્યમાં ઘણી જ કીમતી સેવા ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠે તથા બ્રહ્મચારી ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ આપી છે, તે માટે તેમનો ઉપકાર પ્રદર્શિત કરવાની રજા લઉં છું. અને બીજા પણ જે જે ભાઈઓએ આ કાર્યમાં મદદ આપી છે તે સર્વનો આભાર માનવાની રજા લઉં છું.
મુમુક્ષુઓ આ શાસ્ત્રનો બરાબર અભ્યાસ કરી, તેના અંતરના ભાવોને યથાર્થપણે સમજો અને તેમાં કહેલા શુદ્ધોપયોગ -ધર્મરૂપે પોતાના આત્માને પરિણમાવો.
શ્રાવણ વદ ૨ વીર સં. ૨૪૭૪ વિ. સં. ૨૦૦૪