Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 291 of 540
PDF/HTML Page 300 of 549

 

background image
ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૨૯૧
ભંગ-ઉત્પાદ-ધ્રૌવ્યસ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે, તેમ અંશી એવા દ્રવ્યના
નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ અને અવસ્થિત રહેતો ભાવ એ ત્રણ અંશો ભંગ-ઉત્પાદ-ધ્રૌવ્યસ્વરૂપ
નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે.
પરંતુ જો (ભંગ-ઉત્પાદ-ધ્રૌવ્ય અંશોનાં નહિ માનતાં) (૧) ભંગ, (૨) ઉત્પાદ અને (૩) ધ્રૌવ્ય
દ્રવ્યનાં જ માનવામાં આવે, તો બધુંય વિપ્લવ પામે. તે આ પ્રમાણેઃ (૧) પ્રથમ, જો દ્રવ્યનો જ ભંગ
માનવામાં આવે તો ક્ષણભંગથી લક્ષિત સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં જ સંહાર થવાથી દ્રવ્યશૂન્યતા આવે
અથવા સત્નો ઉચ્છેદ થાય. (૨) જો દ્રવ્યનો જ ઉત્પાદ માનવામાં આવે તો સમયે સમયે થતા ઉત્પાદ વડે
ચિહ્નિત એવા દ્રવ્યોને પ્રત્યેકને અનંતપણું આવે (અર્થાત્ સમયે સમયે થતો ઉત્પાદ જેનું ચિહ્ન હોય
એવું દરેક દ્રવ્ય અનંતદ્રવ્યપણું પામે) અથવા અસત્નો ઉત્પાદ થાય (૩) જો દ્રવ્યનું જ ધ્રૌવ્ય માનવામાં
આવે તો ક્રમે થતા ભાવોના અભાવને લીધે દ્રવ્યનો અભાવ આવે અથવા ક્ષણિકપણું થાય.
માટે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે પર્યાયો આલંબિત હો અને પર્યાયો વડે દ્રવ્ય આલંબિત હો કે જેથી
આ બધુંય એક જ દ્રવ્ય હોય.
ભાવાર્થઃ– બીજ, અંકુર અને વૃક્ષત્વ એ વૃક્ષના અંશો છે. બીજનો નાશ, અંકુરનો ઉત્પાદ અને
વૃક્ષત્વનું ધ્રોવ્ય (ધ્રુવપણું) ત્રણે એકીસાથે છે. આ રીતે નાશ બીજને આશ્રિત છે. ઉત્પાદ અંકુરને
આશ્રિત છે અને ધ્રૌવ્ય વૃક્ષત્વને આશ્રિત છે; નાશ-ઉત્પાદ-ધ્રૌવ્ય બીજ-અંકુર-વૃક્ષત્વથી ભિન્ન પદાર્થરૂપ
નથી. વળી બીજ-અંકુર-વૃક્ષત્વ પણ વૃક્ષથી ભિન્ન પદાર્થરૂપ નથી, માટે આ બધાંય, એક વૃક્ષ જ છે.
એ જ પ્રમાણે નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ અને ટકતો ભાવ એ દ્રવ્યના અંશો છે નષ્ટ થતા
ભાવનો નાશ, ઊપજતા ઉત્પાદ ભાવનો અને ટકતા ભાવનું ધ્રૌવ્ય એકીસાથે છે. આ રીતે નાશ નષ્ટ
થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઊપજતા ભાવને આશ્રિત છે અને ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે;
નાશ-ઉત્પાદ-ધ્રૌવ્ય તે ભાવોથી ભિન્ન પદાર્થરૂપ નથી. વળી તે ભાવો પણ દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી.
માટે આ બધાંય, એક દ્રવ્ય જ છે. ૧૦૧.
૧. વિપ્લવ= અંધાધૂંધી, ઊથલપાથલ; ગોટાળો; વિરોધ.
૨. ક્ષણભંગથી લક્ષિત= ક્ષણવિનાશ જેમનું લક્ષણ હોય એવાં.