૧પ૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
પ. સ્વાધ્યાય–પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ, એ ચારે પ્રકારના શાસ્ત્રોનુ સ્વાધ્યાય કરવું, શીખવું, શીખવવું, વિચારવું, મનન કરવું. એ સ્વાધ્યાય કરવાથી સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અન્ય જીવોને સમ્યગ્જ્ઞાનનો બોધ થાય છે, પરિણામ સ્થિર રહે છે, સંસારથી વૈરાગ્ય થાય છે, ધર્મની વૃદ્ધિ થાય છે વગેરે અનેક ગુણ પ્રગટ થાય છે, તેથી સ્વાધ્યાય કરવી જોઈએ.
૬. ધ્યાન–એકાગ્રચિત્ત થઈને સમસ્ત આરંભ–પરિગ્રહથી મુક્ત થઈ પંચપરમેષ્ઠી અને આત્માનું ધ્યાન કરવું તેને જ ધ્યાન કહે છે. તે આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન–એ રીતે ચાર પ્રકારનું છે. તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંસારનાં કારણ છે તથા ધર્મધ્યાન અને શુકલધ્યાન મોક્ષનાં કારણ છે.
ધ્યાનના સામાન્ય રીતે ત્રણ ભેદ થઈ શકે છે–અશુભધ્યાન, શુભધ્યાન અને શુદ્ધધ્યાન. તેથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભધ્યાન છે, ધર્મધ્યાન શુભધ્યાન છે અને શુકલધ્યાન શુદ્ધધ્યાન છે. માટે મોક્ષાર્થી જીવોએ ધર્મધ્યાન અને શુકલધ્યાન અવશ્ય અપનાવવું જોઈએ. ધ્યાનના અવલંબનરૂપે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત–એ ચાર ભેદ છે. એનું વિશેષ વર્ણન પણ જ્ઞાનાર્ણવ ગ્રન્થમાંથી જાણી લેવું. અહીં લખવાથી ઘણો વિસ્તાર થઈ જશે.
ભાવાર્થઃ– અહીં એ વાત જાણી લેવી બહુ જરૂરી છે કે બાહ્યતપ અને અંતરંગ તપમાં શું તફાવત છે. બાહ્યતપમાં કેવળ બાહ્યપદાર્થ તથા શરીરની ક્રિયા જ પ્રધાન કારણ હોય છે અને અંતરંગ તપમાં આત્મીય ભાવ તથા મનનું અવલંબન જ પ્રધાન કારણ પડે છે. જેમ અગ્નિ સોનાને શુદ્ધ બનાવે છે તેમ આ બન્ને પ્રકારના તપ આત્માને શુદ્ધ બનાવે છે. કારણ કે તપ વિના ચારિત્ર હોતું નથી અને ચારિત્ર વિના કર્મોની નિર્જરા થતી નથી, માટે આ બન્ને પ્રકારના તપનું આચરણ અવશ્ય કરવું જોઈએ. અહીં સુધી ગૃહસ્થના વ્રતોનું વર્ણન કર્યું. હવે ત્યારપછી શ્રી અમૃતચન્દ્રસ્વામી મુનિઓના ચારિત્રનું વર્ણન કરે છે. મુનિપદ ધારણ કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ કદી થતી નથી માટે મોક્ષાર્થી ભવ્યાત્માઓએ જ્યાંસુધી બની શકે ત્યાંસુધી સમસ્ત આરંભ–પરિગ્રહનો ત્યાગ કરીને મુનિપદ ધારણ કરી, આઠ કર્મોનો ક્ષય કરી મોક્ષની પ્રાપ્તિ કરવી જોઈએ. ૧૯૯.