પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ પ એક હાથીના અનેક અંગ પોતાની સ્પર્શન્દ્રિયથી જુદા જુદા જાણ્યા. આંખો વિના આખા સર્વાંગ હાથીને ન જાણવાથી હાથીનું સ્વરૂપ અનેક પ્રકારે કહીને (એક અંગને જ સર્વાંગ ગણીને) પરસ્પર વાદ કરવા લાગ્યા. ત્યાં આંખો વાળો પુરુષ હાથીનો યથાર્થ નિર્ણય કરીને તેમની ભિન્ન ભિન્ન કલ્પનાને દૂર કરે છે, તેમ અજ્ઞાની એક વસ્તુના અનેક અંગોનો પોતાની બુદ્ધિથી જુદી જુદી અન્ય અન્ય રીતિથી નિશ્ચય કરે છે. સમ્યગ્જ્ઞાન વિના સર્વાંગ (સંપૂર્ણ) વસ્તુને ન જાણવાથી એકાંતરૂપ વસ્તુ માનીને પરસ્પર વાદ કરે છે ત્યાં સ્યાદ્વાદ વિદ્યાના બળ વડે સમ્યગ્જ્ઞાની યથાર્થપણે વસ્તુનો નિર્ણય કરી તેમની ભિન્ન ભિન્ન કલ્પના દૂર કરે છે. તેનું ઉદાહરણ–
સાંખ્યમતી વસ્તુને નિત્ય જ માને છે, બૌદ્ધમતી ક્ષણિક જ માને છે, સ્યાદ્વાદી કહે છે કે જો વસ્તુ સર્વથા નિત્ય જ હોય તો અનેક અવસ્થાનું પલટવું થાય છે તે કેવી રીતે બને છે? જો વસ્તુને સર્વથા ક્ષણિક માનીએ તો ‘જે વસ્તુ પહેલાં દેખી હતી તે આ જ છે’ એવું પ્રત્યભિજ્ઞાન કેવી રીતે થાય છે? માટે કથંચિત્ દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ ક્ષણિક છે. આ રીતે સ્યાદ્વાદ વડે સર્વાંગ વસ્તુનો નિર્ણય કરવામાં આવે ત્યારે એકાંત શ્રદ્ધાનો નિષેધ થાય છે. વળી કેવો છે સ્યાદ્વાદ? ‘सकलनयविलसितानां विरोधमथनं’ સમસ્ત નયોથી પ્રકાશિત જે વસ્તુનો સ્વભાવ તેના વિરોધને દૂર કરે છે.
ભાવાર્થઃ– નયવિવક્ષાથી વસ્તુમાં અનેક સ્વભાવો છે. વળી તેમાં પરસ્પર વિરોધ છે. જેમ કે અસ્તિ અને નાસ્તિનું પ્રતિપક્ષપણું છે, પરન્તુ જ્યારે સ્યાદ્વાદથી સ્થાપન કરીએ ત્યારે સર્વ વિરોધ દૂર થાય છે. કેવી રીતે? એક જ પદાર્થ કથંચિત્ સ્વચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિરૂપ છે, કથંચિત્ પરચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. કથંચિત્ સમુદાયની અપેક્ષાએ એકરૂપ છે, કથંચિત્ ગુણપર્યાયની અપેક્ષાએ અનેકરૂપ છે. કથંચિત્ સંજ્ઞા, સંખ્યા, લક્ષણની અપેક્ષાએ ગુણ– પર્યાયાદિ અનેક–ભેદરૂપ છે, કથંચિત્ સત્ની અપેક્ષાએ અભેદરૂપ છે. કથંચિત્ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, કથંચિત્ પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. આ રીતે સ્યાદ્વાદ સર્વ વિરોધને દૂર કરે છે. સ્યાત્ એટલે કથંચિત્ નય અપેક્ષાએ, વાદ એટલે વસ્તુસ્વભાવનું કથન તેને સ્યાદ્વાદ કહે છે, તેને નમસ્કાર કર્યા. ૨.
આગળ આચાર્ય ગ્રન્થ કરવાની પ્રતિજ્ઞા કરે છે.