Purusharth Siddhi Upay (Gujarati).

< Previous Page   Next Page >


Page 164 of 186
PDF/HTML Page 176 of 198

 

૧૬૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

૨. તૃષા પરિષહ–બધા જીવો તરસથી ખૂબ દુઃખી થાય છે. જ્યારે મુનિમહારાજ ઉનાળાના વખતે પર્વતની ટોચ ઉપર બેઠા હોય છે અને તેમને તરસ લાગે છે તે વખતે તેમણે એમ વિચારવું જોઈએ કે હે જીવ! તેં સંસારમાં ભટકતાં આખા સંસારનું પાણી પીધું છે તોપણ આ તરસ છીપી નથી. નરકગતિ અને તિર્યંચગતિમાં તેં ઘણી તરસ સહજ કરી છે અને ત્યાં થોડું પણ પાણી પીવા માટે મળ્‌યું નથી, તેથી હવે તું તરસ સહન કર અને આત્મધ્યાનમાં મન લગાવ કે જેથી આ તરસ કાયમને માટે મટી જાય. આ રીતે ચિંતવન કરીને તરસની પીડા સહન કરવી–એને જ તૃષા પરિષહ કહે છે.

૩. શીત પરિષહ–ઠંડીથી સંસારના પ્રાણીઓ ખૂબ દુઃખી થાય છે. લીલાંછમ વૃક્ષો પણ બળી જાય છે એવી પોષ અને માહ મહિનાની ઠંડીમાં પણ મુનિમહારાજ સરોવર કે નદીને કિનારે બેસીને ધ્યાન કરે છે. તે વખતે જ્યારે ઠંડીની પીડા થાય છે તો તે મુનિમહારાજ એવો વિચાર કરે છે કે હે જીવ! તેં અનાદિકાળથી ઘણી ઠંડી સહન કરી છે અને તે ઠંડી દૂર કરવાને ઘણા ઉપાય પણ કર્યા પરંતુ આજ સુધી ઠંડી મટી નથી. હવે તેં મુનિવ્રત ધારણ કર્યાં છે, આ જ પદથી મોક્ષની પ્રાપ્તિ થશે, તેથી હે જીવ! તું આ ઠંડીની બાધા–પીડા સારી રીતે સહન કર. આમ ચિંતવન–વિચાર કરીને આત્મધ્યાનમાં લીન થવું તેને જ શીત પરિષહ કહે છે.

૪. ઉષ્ણ પરિષહ–ઉનાળાની ઋતુમાં સૂર્ય ખૂબ તપી રહ્યો છે, આખી દુનિયાના પ્રાણીઓ ગરમીની પીડાથી વ્યાકુળ થઈ રહ્યા છે. નદી, સરોવરનું જળ સૂકાઈ ગયું છે એવા વખતે મુનિમહારાજ પથ્થરની શિલા પર બેસીને એમ વિચાર કરે છે કે હે આત્મા! તેં અગ્નિપર્યાય ધારણ કરીને ખૂબ ગરમી સહન કરી છે, નરકગતિમાં ખૂબ ગરમી સહન કરી છે, તો અત્યારે કઈ વધારે ગરમી છે? આ વખતે તો તેં મુનિવ્રત ધારણ કર્યાં છે, આટલી થોડીક ગરમીની બાધા આનંદથી સહન કર –આમ ચિંતવન કરતાં ઉષ્ણ પરિષહને જીતે છે–એને ઉષ્ણ પરિષહ કહે છે.

પ. નગ્ન પરિષહ–મુનિરાજ સમસ્ત પ્રકારનાં વસ્ત્રોનો ત્યાગ કરીને નગ્નદિગંબરપણે રહેતાં અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીને પોતાના આત્મધ્યાનમાં લીન રહે છે. નગ્ન રહેવાથી રંચમાત્ર દુઃખ માનતા નથી પણ હંમેશાં પોતાના આત્મામાં લીન રહે છે–એને જ નગ્ન પરિષહ કહે છે.

૬. યાચના પરિષહ–મુનિરાજને ભલે મહિનાઓ સુધી આહાર ન મળે, વર્ષો સુધી પણ ન મળે છતાં તે મુનિરાજ કદી કોઈ શ્રાવક પાસે આહારની યાચના કરતા