Purusharth Siddhi Upay (Gujarati).

< Previous Page   Next Page >


Page 166 of 186
PDF/HTML Page 178 of 198

 

૧૬૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય તપ કરવા છતાં પણ તથા પઠન–પાઠનનો ઉદ્યમ કરવા છતાં પણ જો જ્ઞાનની વૃદ્ધિ ન થઈ શકે તોપણ તે મુનિરાજ પોતાના મનમાં ખેદ ન કરે કે મને હજી સુધી જ્ઞાન ન થયું. એને અજ્ઞાન પરિષહ કહે છે.

૧પ. અદર્શન પરિષહ–જગતના જીવો સમસ્ત કાર્યો પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે કરે છે, ત્યાં જો પુરુષાર્થ કરવા છતાં પણ પ્રયોજનની સિદ્ધિ ન થાય તો ક્લેશ માને છે, પણ તે મુનિરાજ એવો વિચાર કરતા નથી કે હું ખૂબ તપ કરું છું, સ્વાધ્યાય કરું છું, સમસ્ત કષાયો ઉપર વિજય મેળવી ચૂકયો છું, સંયમ પાળું છું, પણ આજ સુધીમાં મને કોઈ ઋદ્ધિ પેદા થઈ નહિ, જ્ઞાનાતિશય થયો નહિ, તો શું આ તપ વગેરેનું કાંઈ ફળ હશે કે નહિ?–એ પ્રકારે તેમના મનમાં કદી સંશય થતો નથી એને અદર્શન પરિષહ કહે છે.

૧૬. પ્રજ્ઞા પરિષહ–સંસારના જીવોને જો થોડું પણ જ્ઞાન થઈ જાય તો તેનું અભિમાન કરવા લાગી જાય છે, પણ મુનિમહારાજને અવધિજ્ઞાન કે મનઃપર્યયજ્ઞાન પણ થઈ જાય તોપણ તેમને પોતાના જ્ઞાનનું અભિમાન–ઘમંડ થતું નથી, એને જ પ્રજ્ઞા પરિષહ કહે છે.

૧૭. સત્કારપુરસ્કાર પરિષહ–દેવ, મનુષ્ય, તિર્યંચ, સંસારના બધા જીવો આદરસત્કારથી હર્ષિત થાય છે, સત્કાર કરનાર પ્રત્યે મૈત્રી રાખે છે અને અનાદર કરનાર પ્રત્યે શત્રુતા રાખે છે. અજ્ઞાની જીવ અનેક કુગુરુઓ અને કુદેવોને પૂજ્યા કરે છે, પણ મુનિમહારાજના મનમાં એવી ભાવના ઉત્પન્ન થતી નથી કે કોઈ પૂજા કરતું નથી, અર્થાત્ તેઓ કોઈની પાસેથી આદર–સન્માન ઇચ્છતા નથી. આ રીતે સત્કાર–પુરસ્કાર–પરિષહવિજયી કહેવાય છે.

૧૮. શય્યા પરિષહ–જગતના જીવ વિષયના અભિલાષી થઈને કોમળ શય્યા ઉપર શયન કરે છે અને મુનિમહારાજ વનવાસી બનીને કાંકરાવાળી જમીન ઉપર પાછલી રાતે એક પડખે થોડી નિદ્રા લે છે. ક્ષીણ શરીરમાં જો કાંકરા કે પથ્થર વાગે તોપણ દુઃખ માનતા નથી, પરંતુ એવી ભાવના ભાવે છે કે હે આત્મા! તેં નરકમાં તીવ્ર વેદના સહન કરી છે, ત્યાંના જેવી બીજી કોઈ વિષભૂમિ નથી, એનો તું નકામો ખેદ કરે છે. તેં ત્રૈલોકયપૂજ્ય જિનમુદ્રા ધારણ કરી છે, તું મોક્ષને ઇચ્છે છે તેથી મોહરૂપી નિદ્રાને જીત, સદા જાગ્રત થા, પોતાના સ્વરૂપમાં મગ્ન થા. આ રીતે શય્યા પરિષહને જીતે છે.