પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૬૭
૧૯. ચર્ય્યા પરિષહ–ગમન કરતાં સંસારના જીવો ઘોડા, હાથી, રથ, પાલખી વગેરે ઉપર બેસીને ગમન કરે છે તથા તિર્યંચ પણ ગમન કરવામાં દુઃખ માને છે, પણ મુનિમહારાજ સદૈવ માર્ગ જોઈને ચાલે છે. કાંકરા, પથ્થર, કાંટા વગેરે ખૂંચતાં જરાય ખેદ માનતા નથી. આ રીતે ચર્ય્યા પરિષહને જીતે છે.
૨૦. વધ પરિષહ–ભવવાસી જીવ મારવા–પીટવાથી સદા ડરે છે, પણ મુનિમહારાજને જો કોઈ મારે, પીટે, બાંધે, કોઈ કાંઈ પણ કરે, છતાં રંચમાત્ર પણ ખેદ પામતા નથી. તેઓ એવી ભાવના રાખે છે કે હે આત્મા! તું તો અવિનાશી ચિદાનન્દમય છો, તને દુઃખ આપનાર કોણ છે? તને કોણ મારી શકે છે? કોણ પીટી શકે છે? આમ વધ પરિષહને જીતે છે.
૨૧. નિષદ્યા પરિષહ– સંસારના સમસ્ત જીવ ઉત્તમ મનોજ્ઞ સ્થાનમાં બેસીને સુખ માને છે, પણ મુનિમહારાજ સકળ પરિગ્રહનો ત્યાગ કરી નિર્જન વનમાં જ્યાં સિંહ વગેરે અનેક ક્રૂર જાનવરો વસે છે ત્યાં પર્વતની ગુફાઓમાં, શિખરો ઉપર અથવા સ્મશાન ભૂમિમાં નિવાસ કરે છે પરંતુ રંચમાત્ર પણ દુઃખ માનતા નથી. આ રીતે નિષદ્યા પરિષહને જીતે છે.
૨૨. સ્ત્રી પરિષહ– જગતના જીવ ઘણું કરીને બધી સ્ત્રીઓ દ્વારા પોતાને સુખી માને છે અને તેની સાથે હાસ્ય–કુતૂહલની વાતો કરીને આનંદ માને છે. પણ મુનિમહારાજ સારી સારી સુંદર સ્ત્રીઓનાં સુંદર વચનો સાંભળવા છતાં પણ હાવભાવ–વિલાસ–વિભ્રમ–કૌતુકની ક્રિયાઓ જોવા છતાં પણ જરાય વિચલિત થતા નથી પણ અખંડ બ્રહ્મચર્યનું પાલન કરી પોતાના આત્મધ્યાનમાં લીન રહે છે. આ રીતે સ્ત્રી પરિષહને જીતે છે.–આ રીતે બાવીસ પરિષહ નિરંતર સહન કરવા જોઈએ. જે મુનિ સંસારપરિભ્રમણના દુઃખથી કંપાયમાન છે તે દ્રઢ ચિત્તવાળા બનીને બાવીસ પરિષહો સહન કરે, કાયરતા ન કરે. જે મુનિરાજ પરિષહ સહન કરી શકતા નથી તેમનું ચિત્ત નિશ્ચલ થઈ શકતું નથી અને ચિત્તની નિશ્ચલતા વિના ધ્યાન થઈ શકતું નથી, ધ્યાન વિના કર્મોનો નાશ થઈ શકતો નથી અને કર્મોનો નાશ થયા વિના મોક્ષ થઈ શકતો નથી; તેથી મોક્ષના અભિલાષીએ અવશ્ય જ પરિષહ સહન કરવા જોઈએ. આ રીતે બાવીસ પરિષહોનું વર્ણન કર્યું. ૨૦૮.
परिपालनीयमनिशं निरत्ययां मुक्तिमभिलषिता।। २०९।।