૧૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય બે પ્રકારે છે. એક જ્ઞાનચેતના છે, બીજી દર્શનચેતના છે. જે પદાર્થોને સાકારરૂપે વિશેષપણે કરીને જાણે તેને જ્ઞાનચેતના કહે છે.
જે પદાર્થોને નિરાકારરૂપે સામાન્યપણે દેખે તેને દર્શનચેતના કહીએ. આજ ચેતના પરિણામની અપેક્ષાએ ત્રણ પ્રકારની છે. જ્યારે આ ચેતના શુદ્ધ જ્ઞાનસ્વભાવરૂપે પરિણમે ત્યારે જ્ઞાનચેતના કહીએ, જ્યારે રાગાદિ કાર્યરૂપે પરિણમે ત્યારે કર્મચેતના અને હર્ષ–શોકાદિ વેદનરૂપ કર્મના ફળરૂપે પરિણમે ત્યારે કર્મફળચેતના કહીએ. આ રીત ચેતના અનેક સ્વાંગ કરે પણ ચેતનાનો અભાવ કદી થતો નથી. આવા ચેતનાલક્ષણથી વિરાજમાન જીવ નામના પદાર્થનું નામ પુરુષ છે વળી કેવો છે પુરુષ? સ્પર્શ, રસ ગંધ અને વર્ણથી રહિત છે. આઠ પ્રકારના સ્પર્શ, બે પ્રકારની ગંધ, પાંચ પ્રકારના રસ, પાંચ પ્રકારના વર્ણ એવા જે પુદ્ગલોનાં લક્ષણ તેનાથી રહિત અમૂર્તિક છે. આ વિશેષણથી પુદ્ગલ દ્રવ્યથી જુદાઈ પ્રગટ કરી, કારણ કે આ આત્મા અનાદિથી સંબંધરૂપ જે પુદ્ગલ દ્રવ્ય છે તેમાં અહંકાર–મમકારરૂપ પ્રવર્તે છે. જો પોતાનાં ચૈતન્ય પુરુષને અમૂર્તિક જાણે તો દ્રવ્યકર્મ, નોકર્મ, ધનધાન્યાદિ પુદ્ગલદ્રવ્યમાં અહંકાર–મમકાર ન કરે.
વળી કેવો છે પુરુષ? ‘गुणपर्यायसमवेतः’–ગુણપર્યાયોથી વિરાજમાન છે. ત્યાં ગુણનું લક્ષણ સહભૂત છે. સહ એટલે દ્રવ્યની સાથે છે, ભૂ એટલે સત્તા. દ્રવ્યમાં જે સદાકાળ પ્રાપ્ત છે તેને ગુણ કહીએ. આત્મામાં ગુણ બે પ્રકારે છે. જ્ઞાન–દર્શનાદિ અસાધારણ ગુણ છે, બીજા દ્રવ્યમાં તે હોતા નથી. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વાદિ સાધારણ ગુણ છે, બીજાં દ્રવ્યમાં પણ હોય છે. પર્યાયનું લક્ષણ ક્રમવર્તી છે. જે દ્રવ્યમાં અનુક્રમે ઊપજે, કદાચિત્–કોઈવાર હોય તેને પર્યાય કહીએ. આત્મામાં પર્યાય બે પ્રકારે છે. જે નર–નારકાદિ આકારરૂપ અથવા સિદ્ધના આકારરૂપ પર્યાય તેને વ્યંજનપર્યાય કહીએ. જ્ઞાનાદિ ગુણને પણ સ્વભાવ વા વિભાગરૂપ પરિણમન જે છ પ્રકારે હાનિ–વૃદ્ધિરૂપ છે તેને અર્થપર્યાય કહે છે. આ ગુણપર્યાયોથી આત્માની તદાત્મક એક્તા છે. આ વિશેષણ વડે આત્માનું વિશેષ્ય જાણી શકાય છે.
વળી કેવો છે પુરુષ? ‘समुदयव्ययध्रौव्यैः समाहितः’– ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યથી સંયુક્ત છે. નવીન અર્થપર્યાય અને વ્યંજનપર્યાયનું ઊપજવું તે ઉત્પાદ, પૂર્વ પર્યાયનો નાશ થવો તે વ્યય અને ગુણની અપેક્ષાએ અથવા દ્રવ્યની અપેક્ષાએ શાશ્વતપણું તેને ધ્રૌવ્ય કહીએ. જેમ સોનું કુંડળ પર્યાયથી ઊપજે છે, કંકણ પર્યાયથી વિણસે છે,