૨૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય વર્ણસંયુક્ત, અણુ અને સ્કંધના ભેદથી બે પ્રકારે છે. તેમાં જે એકાકી–અવિભાગી પરમાણુ તેને અણુ કહીએ. અનેક અણુ મળીને સ્કંધ થાય છે તેને સ્કંધ કહીએ. અથવા પુદ્ગલદ્રવ્યના છ ભેદ છેઃ–
૧–સ્થૂલસ્થૂલ– કાષ્ઠ–પાષણ આદિ જે છેદાયા ભેદાયા પછી મળે નહિ તેને સ્થૂલસ્થૂલ પુદ્ગલ કહીએ. ૨–સ્થૂલ–જે જળ, દૂધ, તેલ આદિ દ્રવ પદાર્થોની જેમ છિન્નભિન્ન થવા છતાં ફરી તુરત જ મળી શકે તેને સ્થૂલ કહીએ. ૩–સ્થુલસૂક્ષ્મ–આતાપ, ચાંદની, અંધકારાદિ આંખથી દેખાય પણ પકડાય નહિ તેને સ્થૂલસૂક્ષ્મ કહીએ. ૪–સૂક્ષ્મસ્થૂલ– જે શબ્દ ગંધાદિ આંખથી ન દેખાય પણ અન્ય ઈન્દ્રિયથી જણાય તેને સૂક્ષ્મસ્થૂલ કહીએ, પ–સૂક્ષ્મ–જે ઘણા પરમાણુઓનો સ્કંધ છે પણ ઈન્દ્રિયગમ્ય નથી તેને સૂક્ષ્મ કહીએ. ૬–સૂક્ષ્મસૂક્ષ્મ– અતિ સૂક્ષ્મ સ્કંધ અથવા પરમાણુને સૂક્ષ્મ–સૂક્ષ્મ કહીએ. આ રીતે આ લોકમાં ઘણો ફેલાવો આ પુદ્ગલ દ્રવ્યનો છે.
(૨) ધર્મદ્રવ્ય– જીવ અને પુદ્ગલોને ગતિ કરવામાં સહકારીગુણસંયુક્ત લોકપ્રમાણ એક દ્રવ્ય છે.
(૩) અધર્મદ્રવ્ય– જીવ અને પુદ્ગલને સ્થિતિ કરવામાં સહકારીગુણસંયુક્ત લોકપ્રમાણ એક દ્રવ્ય છે.
(૪)આકાશદ્રવ્ય– સર્વ દ્રવ્યોને અવગાહનહેતુત્વલક્ષણસંયુક્ત લોકાલોકપ્રમાણ એક દ્રવ્ય છે. જ્યાં સર્વ દ્રવ્યો પ્રાપ્ત થાય તેને લોક અને જ્યાં કેવળ એક આકાશ જ છે તેને અલોક કહીએ. બન્નેની સત્તા જુદી નથી તેથી એક દ્રવ્ય છે.
(પ) કાળદ્રવ્ય– સર્વ દ્રવ્યોને વર્ત્તનાહેતુત્વલક્ષણસંયુક્ત લોકના એકેક પ્રદેશ ઉપર સ્થિત એકેક પ્રદેશમાત્ર અસંખ્યાત દ્રવ્ય છે. તેના પરિણામના નિમિત્તે સમય, આવલી આદિ વ્યવહાર કાળ છે. આ રીતે જીવદ્રવ્ય સહિત છ દ્રવ્ય જાણવા. કાળને બહુ પ્રદેશ નથી તેથી કાળ સિવાય પંચાસ્તિકાય કહીએ. એમાં જીવતત્ત્વ અને પુદ્ગલ–અજીવતત્ત્વના પરસ્પર સંબંધથી અન્ય પાંચ તત્ત્વ થાય છે.
૩. આસ્રવતત્ત્વ – જીવના રાગાદિ પરિણામથી યોગ દ્વારા આવતા પુદ્ગલના આગમનને આસ્રવતત્ત્વ કહીએ.
૪. બંધતત્ત્વ – જીવને અશુદ્ધતાના નિમિત્તે આવેલાં પુદ્ગલોનું જ્ઞાનાવરણાદિરૂપ પોતાની સ્થિતિ અને રસસંયુક્ત પ્રદેશો સાથે સબંધરૂપ થવું તે બંધતત્ત્વ કહીએ.