પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૨૯
પ. સંવરતત્ત્વ – જીવના રાગાદિ પરિણામના અભાવથી પુદ્ગલોનું ન આવવું તેને સંવર કહીએ.
૬. નિર્જરાતત્ત્વ – જીવના શુદ્ધોપયોગના બળથી પૂર્વે બંધાયેલાં કર્મોનો એકદેશ નાશ થવો તેને સંવરપૂર્વક નિર્જરા કહીએ. કર્મફળને ભોગવીને નિર્જરા કરવામાં આવે તે નિર્જરા મોક્ષને આપે નહિ.
૭. મોક્ષતત્ત્વ – સર્વથા કર્મનો નાશ થતાં જીવનો નિજભાવ પ્રગટ થવો તેને મોક્ષ કહીએ. આ સાત તત્ત્વાર્થ જાણવાં. પુણ્ય–પાપ આસ્રવાદિનાં ભેદ છે, માટે જુદાં કહ્યાં નથી આ રીત આ તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ કહીએ.
પ્રશ્નઃ– આ લક્ષણમાં અવ્યાપ્તિદોષ આવે છે. કેવી રીત? જે સમયે સમ્યગ્દ્રષ્ટિ વિષય– કષાયની તીવ્રતારૂપે પરિણમે છે ત્યારે એવું શ્રદ્ધાન કયાં હોય છે? લક્ષણ તો એવું કહેવું જોઈએ કે સર્વ લક્ષ્યમાં તે સદાકાળ હોય.
ઉત્તરઃ– જીવના બે ભાવ છે. એક શ્રદ્ધાનરૂપ છે. બીજો પરિણમનરૂપ છે. શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વનું લક્ષણ છે, પરિણામરૂપ ચારિત્રનું લક્ષણ છે. સમ્યગ્દષ્ટિ વિષયકષાયના પરિણમનરૂપ થયો છે, શ્રદ્ધાનમાં પ્રતીતિ યથાવત્ છે. જેમ નોકર શેઠનો ચાકર છે. તેના અંતરંગમાં એવી પ્રતીતિ છે કે આ બધું શેઠનું કાર્ય છે, મારું ઘર જુદું જ છે. પરિણામો વડે તો શેઠના કામમાં પ્રવર્તે છે, તે શેઠના કામને ‘મારું મારું’ કહે છે, નફો કે ખોટ જાય ત્યાં હર્ષ–શોક પણ કરે છે. તે પ્રતીતિને વારંવાર સંભારતો પણ નથી. પણ જ્યારે તે શેઠનો અને પોતાનો હિસાબ કરે છે ત્યારે જેવી પ્રતીતિ અંતરંગમાં હતી તે પ્રગટ કરે છે. શેઠના કાર્યમાં પ્રવર્તતાં તે શક્તિ પ્રતીતિરૂપ રહે છે. કદાચિત્ જો તે શેઠનું ધન ચોરીને તેને પોતાનું જાણે તો તેને અપરાધી કહીએ. વળી તે નોકર શેઠની નોકરીને પરાધીન દુઃખદાયક જાણે છે. પરંતુ પોતાના ધનના બળ વિના આજીવિકાવશ તેના કામમાં પ્રવર્તે છે, તેમ જ્ઞાની કર્મના ઉદયને ભોગવે છે.
એના અંતરંગમાં એવી પ્રતીત છે કે આ બધો દેખાવનો ઠાઠ છે, મારું સ્વરૂપ જુદું જ છે. પરિણામો વડે ઔદયિક ભાવોમાં પરિણમે છે. ઉદયના સંબંધને કારણે ‘મારું–મારું’ પણ કહે છે, ઈષ્ટ–અનિષ્ટમાં હર્ષ–વિવાદ પણ કરે છે. તે પોતાની પ્રતીતિને વારંવાર સંભારતો પણ નથી. પણ જે વખતે તે કર્મ અને પોતાના સ્વરૂપનો વિચાર કરે ત્યારે જેવી પ્રતીતિ અંતરંગમાં હતી તેવી જ પ્રગટ કરે છે. વળી તે