આચાર્યદેવે છઠ્ઠા અધિકારમાં સલ્લેખના-સમાધિમરણના સ્વરુપની તેની આવશ્યકતાની તથા તેની વિધિની વિસ્તૃત ચર્ચા કરી, સંલેખનાના પાંચ અતિચારનું સ્વરુપ બતાવી સંલેખનાનું ફળ પણ બતાવ્યું છે. અંતમાં આ અધિકારમાં મોક્ષનું તથા મુક્તજીવોનું સ્વરુપ પણ વર્ણવ્યું છે.
આચાર્યદેવે છેલ્લા સાતમા અધિકારમાં શ્રાવકદશામાં સાધનાની ક્રમશઃ વૃદ્ધિ દર્શાવતી, શ્રાવકની અગિયાર પ્રતિમાઓ, દર્શન, વ્રત, સામાયિક, પ્રોષધોપવાસ, સચિત્તત્યાગ, રાત્રિભૂક્તિ-ત્યાગ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહત્યાગ, અનુમતિત્યાગ તથા અગિયારમી ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમાનું સ્વરુપ બતાવ્યું છે. આચાર્યદેવે ૧૧મી પ્રતિમાધારી શ્રાવકને ઉત્કૃષ્ટ શ્રાવક તરીકે વર્ણવ્યો છે. અંતમાં પણ આચાર્યદેવે ૧૫૦મી ગાથામાં સમ્યક્દર્શનને લક્ષ્મીની ઉપમા આપી તેનો મહિમા કર્યો છે.
આ પ્રમાણે આ ગ્રંથમાં પંચમગુણસ્થાનવર્તી શ્રાવકને હઠ વિના ભૂમિકા અનુસાર કેવા પ્રકારના બાહ્યત્યાગ તથા મંદકષાયરુપ શુભભાવો હોય છે તેનું વર્ણન કર્યું છે. આ પ્રકારના બાહ્યત્યાગ અને મંદકષાયને વ્યવહારથી એટલે કે ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો છે, કારણ કે નિશ્ચયથી બાહ્ય અન્ય પદાર્થોનું ગ્રહણ કે ત્યાગ આત્મા કરી શકતો જ નથી. તથા તે પ્રકારના જ વિકલ્પો તેને જે તે ભૂમિકામાં હોય છે. તે વિકલ્પો આત્માના પરિણામમાં જ થાય છે પણ તે વિકલ્પો તેની કચાશના દ્યોતક છે અને તે મંદકષાયરુપ શુભભાવો હોવાથી ખરેખર બંધનું કારણ છે. તે ભાવોનો જ્ઞાની ધર્માત્મા ખરેખર જ્ઞાતા છે. પરંતુ કર્તા નથી. તે ભાવો જ્ઞાનીને હેયબુદ્ધિએ આવે છે. પણ જે તે ભૂમિકામાં નિમિત્ત અને સહચર હોવાથી તેમને વ્યવહારનયથી મોક્ષમાર્ગ પણ કહેવામાં આવે છે.
પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી અને પૂજ્ય બહેનશ્રી ચંપાબેને આ કાળે આપણને મોક્ષમાર્ગનું ઉપર પ્રમાણે યથાર્થ સ્વરુપ સમજાવી આ શાસ્ત્રના ભાવો યથાર્થપણે સમજવાની વિધિ બતાવી આપણા પર અનુપમ ઉપકાર કર્યો છે.
જેમ આ શાસ્ત્રના રચયિતા આચાર્યદેવ મહાન છે તેમ આ ગ્રંથના ટીકાકાર આચાર્ય પ્રભાચંદ્ર પણ વિક્રમની દસમી સદીમાં થયેલ મહા આચાર્ય છે. ટીકાકાર આચાર્યદેવે પણ ગ્રંથકર્તા મહાન આચાર્યદેવના ભાવોને સંક્ષેપથી ખોલીને આપણા પર વિશેષ ઉપકાર કર્યો છે. તેમના રચેલ અન્યગ્રંથો પ્રમેયકમલમાર્તંડ (પરીક્ષામુખ વ્યાખ્યા), તત્ત્વાર્થવૃત્તિ પદ વિવરણ(લઘીયસ્ત્રય વ્યાખ્યા), તત્ત્વાર્થવૃત્તિ પદ વિવરણ (સર્વાર્થસિદ્ધિ વ્યાખ્યા), જૈનેન્દ્ર વ્યાકરણ વ્યાખ્યા, પ્રવચનસાર વ્યાખ્યા, સમાધિતંત્ર ટીકા, આત્માનુશાસન ટીકા વગેરે છે. આ ઉપરથી ફલિત થાય છે કે તેઓ મહા વિદ્વાન આચાર્ય હતા.
અંતે આ ગ્રંથના ભાવો પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીએ જે પ્રકારે ખોલ્યા છે તે પ્રકારે યથાર્થપણે સમજીને આપણે સૌ નિજાત્મકલ્યાણમાં લાગીએ એ જ અભ્યર્થના... ફાગણ વદ દશમ
પૂજ્ય બહેનશ્રીનો ૭૯મો
સમ્યક્જયંતી મહોત્સવ
વિ.સં. ૨૦૬૭