Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 339

 

( 6 )

જે આત્માને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવી આત્માની દ્રષ્ટિપૂર્વક સ્વાનુભવયુક્ત સમ્યક્દર્શન પ્રાપ્ત થયું હોય તેવા જ્ઞાની ધર્માત્માને કેવા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા-ભક્તિ-અર્પણતા પોતાની વર્તમાન શ્રદ્ધા પર્યાયમાં વર્તે છે તે દ્વારા આચાર્યદેવે સમ્યક્દર્શનનું સ્વરુપ સમજાવ્યું છે. તે માટે તેઓશ્રીએ દેવ-શાસ્ત્ર-ગુરુ માટે परमार्थानाम’ એ વિશેષણ દ્વારા જ્ઞાની ધર્માત્મા સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને જ શ્રદ્ધે છે, એવો જ કચાશરુપ રાગનો પ્રકાર તેમને વર્તે છે તે વાતને અત્યંત સ્પષ્ટ કરી છે. ત્યારબાદ તેઓએ આગળ આ સાચા દેવ-શાસ્ત્ર અને ગુરુ કેવા હોય તેનું સ્વરુપ સમજાવ્યું છે. ત્યારબાદ આ સમ્યગ્દ્રષ્ટિને આઠ અંગ કેવા હોય છે તેનું વર્ણન કરી સમ્યગ્દ્રષ્ટિના સ્વરુપને વિશેષરુપે સમજાવવા માટે સમ્યગ્દ્રષ્ટિને ત્રણ મૂઢતા, આઠ મદ, વગેરેનો અભાવ હોય છે તે પણ દર્શાવ્યું છે. એ સમ્યક્ત્વની ભૂમિકાનું ઉત્કૃષ્ટ સ્વરુપ છે. આ પ્રમાણે સમ્યક્દર્શનનું સ્વરુપ સમજાવી તેઓશ્રી સમ્યક્દર્શનનું મહત્ત્વ અને મહિમા પણ ઘણા જ વિસ્તારથી ચર્ચી આ અધિકાર પૂરો કરે છે.

બીજા અધિકારમાં તેઓશ્રી ભાવશ્રુતજ્ઞાનના ધારક સમ્યગ્દ્રષ્ટિને ચાર અનુયોગમય દ્રવ્યશ્રુતના મર્મનું પણ યથાર્થજ્ઞાન હોય છે, એ પ્રમાણે સમ્યગ્જ્ઞાનનું સ્વરુપ પણ બતાવે છે.

હવેથી આગળના અધિકારોમાં આચાર્યદેવ પંચમગુણસ્થાનવર્તી શ્રાવકના નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન પૂર્વકના અપૂર્ણ ચારિત્રનું વર્ણન વ્યવહારનયે બાહ્ય આચરણની મુખ્યતાથી કરે છે. આ ગ્રંથનો અભ્યાસ કરનારાઓએ એ વાત અવશ્ય લક્ષમાં લેવા જેવી છે કે આ ગ્રંથમાં સમ્યક્દર્શન-જ્ઞાન પ્રાપ્ત પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકના બાહ્યજીવન દ્વારા તેની અંતરંગ આત્મસાધનાને સમજાવવાનો જ પ્રયત્ન કર્યો છે. એટલે કે વ્યવહાર દ્વારા પરમાર્થ સાધનાનું જ પ્રતિપાદન કર્યું છે. આના પરથી એમ ન માનવું જોઇએ કે આવું બાહ્ય આચરણ કરનાર તે શ્રાવક છે અને એમ પણ ન માનવું જોઇએ કે આવું બાહ્ય આચરણ કરવાથી અંતરંગમાં પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકપણું પ્રાપ્ત થઇ જશે. અહીં તો માત્ર પંચમ ગુણસ્થાનવર્તી સાધક શ્રાવકની હઠ વિનાની બાહ્ય સાધના આવી જ સહજ હોય તે દર્શાવી અંતરંગ અને બહિરંગ સાધના એટલે કે નિશ્ચય-વ્યવહારનો સુમેળ સાધકજીવને કેવો હોય છે તેનું જ દિગ્દર્શન કરાવ્યું છે.

આચાર્યદેવ ત્રીજા અધિકારમાં સ્વરુપ રમણતામય વીતરાગચારિત્રની અનિવાર્યતા સમજાવી ટુંકમાં સકલ ચારિત્રનું સ્વરુપ બતાવી તે ધારણ કરવા જે જીવ અસમર્થ હોય તેને આગાર અને અનગાર બે પ્રકારનું ચારિત્ર સમજાવી મંદ પુરુષાર્થી શ્રાવકોને વિકલ ચારિત્ર-દેશચારિત્ર-ગૃહસ્થનો ધર્મ સમજાવવાની શરુઆત કરે છે. આમાં તેઓ પાંચ અણુવ્રત અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ-પરિમાણનું સ્વરુપ તથા તેના પાલનમાં લાગતા પાંચ પાંચ અતિચારોનું સ્વરુપ સમજાવી તે અતિચારો રહિત પાંચ અણુવ્રતના પાલનનો ઉપદેશ આપે છે.

આચાર્યદેવ ચોથા અધ્યાયમાં શ્રાવકના ત્રણ ગુણવ્રતો, દિગ્વ્રત, અનર્થદંડવ્રત તથા ભોગોપભોગ પરિમાણવ્રતનું વિસ્તારથી વર્ણન કરે છે. આ અધિકારની ૭૧ ગાથામાં આ વ્રતનું પાલન કરનાર શ્રાવકને ઉપચારથી મહાવ્રતની પરિભાષા આપી તે વ્રત કોને હોય છે તે પણ દર્શાવ્યું છે. ત્યાર પછી દરેક વ્રતની ચર્ચા કરી દરેક વ્રતના પાંચ પાંચ અતિચાર દર્શાવ્યા છે. ત્યારબાદ વ્રતના લક્ષણ, યમ-નિયમરુપ વ્રતનું સ્વરુપ, નિયમ કરવાની વિધિ વગેરે પણ દર્શાવ્યા છે.

આચાર્યદેવે પાંચમા અધિકારમાં દેશાવકાશિક સામાયિક, પ્રોષધોપવાસ અને વૈયાવૃત્ય એ ચાર શિક્ષાવ્રતોનું વિસ્તારથી સ્વરુપ તથા દરેક વ્રતના પાંચ અતિચારનું વર્ણન કર્યું છે. આ અધિકારમાં દાનનું સ્વરુપ, ભેદ અને તેના ફળનું પણ ટૂંકમાં વર્ણન કરેલ છે.