Ratnakarand Shravakachar (Gujarati). PrastAvanA.

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 339

 

( 5 )
પ્રસ્તાવના

જંબૂદ્વીપના ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ચરમતીર્થંકર, શાસનનાયક, પરમવીતરાગ સર્વજ્ઞ, દેવાધિદેવ શ્રી મહાવીર ભગવાને દિવ્યધ્વની દ્વારા ભવ્યજીવોને નિજાત્મકલ્યાણકારી બોધ આયો. આ મંગલકારી દિવ્યદેશનાને શ્રી ગૌતમ ગણધરદેવ દ્વારા બાર અંગની રચના દ્રવ્યશ્રુતના સ્વરુપમાં ગુંથવામાં આવી. તે ચાર અનુયોગમય દેશનાને તેમના પછીના મહાન સંત આચાર્ય ભગવંતોએ લિપિબદ્ધ કરી, તે સત્શાસ્ત્રો મહાન પુણ્યોદયે આપણને વર્તમાનમાં જિનવાણીરુપે સંપ્રાપ્ત થયેલ છે. તે મહાન રચનાઓ પૈકી આ શ્રી રત્નકરંડ શ્રાવકાચાર અપરનામ રત્નકરણ્ડક શ્રાવકાચાર ચરણાનુયોગની શૈલીમાં રચાયેલી એક ઉત્તમ શાસ્ત્રરચના છે.

આ ગ્રંથના રચનાકાર પરમ પૂજ્ય ભાવલિંગી દિગંબર આચાર્ય શ્રી સમન્તભદ્રદેવ વિક્રમની લગભગ બીજી શતાબ્દીમાં થયેલ મહાન આચાર્ય છે. તેઓશ્રી જૈનદર્શનના ઉત્કૃષ્ટ જ્ઞાતા, અધ્યાત્મ અને ન્યાયશાસ્ત્રના મર્મજ્ઞ, ઉત્તમ ભક્તિરચનાઓના રચયિતા જિનેન્દ્ર ભક્ત તથા અન્ય મતાવલંબીઓની કુયુક્તિઓને ખંડન કરી વીતરાગભાવે જિનશાસનને સ્થાપનારા વાદનિપૂણ પણ હતા. તેઓશ્રીએ ઘણા ગ્રંથોની રચના કરી છે. જેવાં કે આપ્તમિમાંસા, જિનસ્તુતિ શતક, સ્વયંભૂ સ્તોત્ર, યુક્ત્યાનુશાસન, ગંધહસ્તિમહાભાષ્ય (તત્ત્વાર્થસૂત્રની ટીકા) જીવસિદ્ધિ તથા રત્નકરંણ્ડક શ્રાવકાચાર. તેમાંથી કેટલાક ગ્રંથો વર્તમાનમાં ઉપલબ્ધ છે. આ રત્નકરંડક શ્રાવકાચાર ગ્રંથ તેઓશ્રીની ઉત્તમ રચનાઓ પૈકીની એક રચના છે.

વર્તમાનમાં પરમોપકારી અધ્યાત્મયુગસ્રષ્ટા પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ પોતાના કલ્યાણકારી પ્રવચનોમાં વારંવાર આ શાસ્ત્રના સંદર્ભો આપી આ શાસ્ત્રમાં છુપાયેલા આત્મકલ્યાણકારી મર્મને આ યુગના ભવ્ય જીવો માટે ખોલી આપણા પર મહાન ઉપકાર કર્યો છે. તેઓશ્રીના પ્રતાપે જ આપણે સૌ આ મહાન શાસ્ત્રના ગૂઢ ભાવોને કાંઇક અંશે સમજવા શક્તિમાન થયા છીએ.

આ મહાન ગ્રંથ ચરણાનુયોગની શૈલીનો છે. તેમાં મોક્ષમાર્ગના પ્રથમ સોપાન એવા સમ્યક્દર્શનને પ્રાપ્ત પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકની અંતરંગ બે (અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાનાવરણ) ચોકડી કષાયના અભાવરુપ આત્મસાધનાનું વર્ણન તેની બાહ્ય વૈરાગ્યમય પ્રવૃત્તિની મુખ્યતાથી કરવામાં આવેલ છે. તે કથન જો કે ઉપદેશપ્રધાન શબ્દોથી કરવામાં આવ્યું હોવા છતાં તેટલી અશુદ્ધિરુપ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે પરંતુ આદરવા(મહત્ત્વ આપવા) માટે પ્રયોજનવાન નથી. આ વાત પૂજ્ય ગુરુદેવશ્રીના પુરુષાર્થસિદ્ધ્યુપાય નામક ચરણાનુયોગના ગ્રંથના પ્રવચનોમાં તેઓશ્રીએ આગમ અને સ્વાનુભવ દ્વારા અત્યંત સ્પષ્ટ કરેલ છે. આ ગ્રંથનો મર્મ સમજવા માટે તે પ્રવચનો સાંભળવા અત્યંત જરુરી છે તેનાથી આ ગ્રંથનો મર્મ હૃદયંગમ થશે. આ ગ્રંથમાં આચાર્યદેવે સંસ્કૃત ભાષામાં ૧૫૦ શ્લોકો ર.યા છે. જે સાત અધિકારમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

પ્રથમ અધિકારમાં આચાર્યદેવે તીર્થંકર ભગવાન મહાવીરને ભાવ નમસ્કાર કરી મંગલાચરણ કરીને સમ્યક્ધર્મ એટલે કે મોક્ષમાર્ગનો ઉપદેશ કરવાની પ્રતિજ્ઞા કરી છે. તે મોક્ષમાર્ગ સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રમય છે, એમ જણાવી તેઓશ્રી આ મોક્ષમાર્ગના પ્રથમ સોપાનરુપ સમ્યગ્દર્શનનું સ્વરુપ ઘણા જ વિસ્તારથી સમજાવે છે.