તપાસી લીધો અને કોઈ કોઈ સ્થળે યોગ્ય સુધારો સૂચવ્યો.
મુખ્યતયા શ્રીયુત રામજીભાઈ અને શ્રીયુત ખીમચંદભાઈના સુપ્રયત્નના ફલસ્વરુપ આ અનુવાદ છે. તે માટે નમ્રભાવે હું તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. તેમની સહાય અને પ્રોત્સાહનથી જ આ અનુવાદ પ્રકાશમાં આવવા પામ્યો છે, એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી.
આ ગ્રન્થનો હિન્દી અનુવાદ બ્ર. શ્રી શીતલપ્રસાદજી તથા શ્રીયુત જુગલકિશોર મુખ્તારજીએ કરેલો છે, પરંતુ તેઓએ સંસ્કૃત ટીકાનો શબ્દશ: અનુવાદ નહીં કરતાં ફક્ત ભાવ જ આપ્યો છે. તેનો ગુજરાતી અનુવાદ, સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીકૃત, સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય–અમદાવાદ તરફથી પ્રસિદ્ધ થયો છે. તેમણે પાટણ–જૈન ભંડારની હસ્તલિખિત પ્રતના આધારે સંસ્કૃત ટીકાનો અનુવાદ કર્યો છે, પરંતુ ઉપલબ્ધ બીજી દિગમ્બર જૈન હસ્તલિખિત પ્રતો સાથે તેનો કેટલીક જગ્યાએ મેળ બેસતો નથી.
જયપુર તથા દિલ્હી દિ. જૈન ભંડારોની હસ્તલિખિત પ્રતો ઉપરથી શ્રી મુખ્તારજીએ જે સંસ્કૃત ટીકા પ્રગટ કરી છે, તેનો આ ગ્રન્થમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટીકાને ઘણે અંશે મળતી એક વધુ શુદ્ધ હસ્તલિખિત પ્રત મને ઈડર–દિ. જૈન સરસ્વતી ભંડારમાંથી તેના પ્રબંધકર્તાના સૌજન્યથી પ્રાપ્ત થઈ છે. આ બધી પ્રતોનો આધાર લઈ શબ્દશ: આ ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે અને આ ગ્રંથકર્તા તથા ટીકાકારના ભાવને વધુ સ્પષ્ટ કરવા, તે સાથે ‘ભાવાર્થ’ તથા ‘વિશેષાર્થ’ પણ ઉમેરવામાં આવ્યા છે.
આ કાર્યમાં પ્રત્યક્ષ યા પરોક્ષ સહાય કરનાર વ્યક્તિઓનો તથા દિ. જૈન સંસ્થાઓનો હું આભાર માનું છું.
બ્ર. શ્રી ગુલાબચંદભાઈ તથા બ્ર. શ્રી ચંદુભાઈએ પણ અનુવાદ-કાર્યમાં પ્રોત્સાહન અને સહાનુભૂતિ દર્શાવી છે તથા માર્ગદર્શન કર્યું છે. તે માટે હું તેમનો પણ આભારી છું.
આ સિવાય જે જે ભાઈઓએ મને સહાય કરી છે, તે સર્વેનો હું સમગ્રપણે આભાર માનું છું.
આ અનુવાદ ઉપરોક્ત બે વિદ્વાનો દ્વારા પરિશોધિત હોવા છતાં તેમાં જે કાંઈ સ્ખલના દ્રષ્ટિગોચર પડે તે અનુવાદકની જ છે, એમ સમજવા વિદ્વાન વર્ગને વિનંતી છે.
સોનગઢ (સૌરાષ્ટ્ર) તા. ૩-૪-૧૯૬૬ શ્રી મહાવીર જયંતિ