૧૨૪સમાધિતંત્ર
टीका — गौरौऽहं स्थूलोऽहं कृशोवाऽहमित्यनेन प्रकारेणाङ्गेन विशेषणेन अविशेषयन् विशिष्टं अकुर्वन्नात्मानं धारयेत् चित्तेऽविचलं भावयेत् नित्यं सर्वदा । कथम्भूतं ? केवलज्ञप्तिविग्रहं केवलज्ञानस्वरूपं । अथवा केवला रूपादिरहिता ज्ञप्तिरेवोपयोग एव विग्रहः स्वरूपं यस्य ।।७०।।
यश्चैवं विधमात्मानमेकाग्रमनसा भावयेत्तस्यैव मुक्तिर्नान्यस्येत्याह —
અન્વયાર્થ : — (अहं) હું (गौरः) ગોરો છું, (स्थूलः) જાડો છું, (वा कृशः) અથવા પાતળો (इति) એવી રીતે (अंगेन) શરીર સાથે (आत्मानं) આત્માને (अविशेषयन्) એકરૂપ નહિ કરતાં (नित्यं) સદા (आत्मानं) પોતાના આત્માને (केवलज्ञप्तिविग्रहम्) કેવલ જ્ઞાનરૂપ શરીરવાળો (धारयेत्) ધારવો – માનવો.
ટીકા : — હું ગોરો છું, હું સ્થૂલ (જાડો) છું કે હું કૃશ (પાતળો) છું – એવા પ્રકારે શરીર વડે આત્માને, વિશેષરૂપે એટલે વિશિષ્ટરૂપે નહિ માની (તેને) ધારવો અર્થાત્ ચિત્તમાં તેને નિત્ય – સર્વદા અવિચલપણે ભાવવો. કેવા (આત્માને)? કેવલ જ્ઞાનવિગ્રહરૂપ એટલે કેવલ જ્ઞાન – સ્વરૂપ અર્થાત્ કેવલ રૂપાદિરહિત જ્ઞપ્તિ જ – ઉપયોગ જ જેનું વિગ્રહ એટલે સ્વરૂપ છે તેવા આત્માને (ચિત્તમાં ધારવો).
ભાવાર્થ : — ગોરાપણું, સ્થૂલપણું, કૃશપણું વગેરે અવસ્થાઓ શરીરની છે – પુદ્ગલની છે, આત્માની નથી. આ શરીરની અવસ્થાઓ સાથે આત્માને એકરૂપ નહિ માનવો અર્થાત્ તે અવસ્થાઓને આત્માનું સ્વરૂપ નહિ માનવું. તેને શરીરથી ભિન્ન, રૂપાદિરહિત અને કેવલ જ્ઞાનસ્વરૂપ જ સમજવો અને તે સ્વરૂપે જ તેનું નિરંતર ચિત્તમાં ધ્યાન કરવું. ૭૦.
જે એવા પ્રકારના આત્માની એકાગ્ર મનથી ભાવના કરે તેને જ મુક્તિ હોય છે. બીજા કોઈને નહિ – તે કહે છેઃ — ✽