શરીરાદિક પરપદાર્થોમાં તથા પરભાવોમાં એકત્વબુદ્ધિ છોડીને, સંસારથી મુક્ત થવાના સંદેશા ભગવાન શ્રી પૂજ્યપાદ આચાર્યે આ ‘સમાધિતંત્ર’ યા ‘સમાધિશતક’માં આપ્યા છે. તે શાસ્ત્ર ઉપર સંસ્કૃત ટીકા શ્રી પ્રભાચંદ્ર આચાર્યે કરી છે, તેનો અક્ષરશ: અનુવાદ પ્રથમવાર જ પ્રકાશિત કરતાં અત્યાનંદ થાય છે.
સમાધિની પ્રાપ્તિ સર્વકાળે દુર્લભ છે, તેમાં પણ આ વર્તમાનયુગમાં તો અત્યંત દુર્લભ છે. છતાં સમાધિપ્રાપ્ત આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામીનાં ભવતાપનાશક અમૃતમય પ્રવચનોથી મુમુક્ષુઓને તેવી સમાધિની પ્રાપ્તિ સુલભ થઈ રહી છે એ મહાન સદ્ભાગ્ય છે. તેઓશ્રીનાં સાન્નિધ્યમાં રહીને તથા તેમનાં પ્રવચનોથી પ્રેરણા પામીને સદ્ધર્મપ્રેમી ભાઈશ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધી (સોનાસણવાળા)એ આ અનુવાદ તૈયાર કરી આપ્યો છે.
શ્રીયુત્ છોટાલાલભાઈ બી.એ. (ઓનર્સ); એસ.ટી.સી. છે. તેઓ સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય છે. વળી તેઓ સાબરકાંઠા બેતાલીસ દ.હુ.દિ. જૈન કેળવણી મંડળના પ્રમુખ તથા શેઠ જી.ઉ.દિ. જૈન છાત્રાલય, ઇડરના ટ્રસ્ટી અને માનદ્ મંત્રી છે. હાલમાં તેઓ મુખ્યતયા જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ, આધ્યાત્મિક શાસ્ત્રોનું વાંચન-મનન, જૈન સાહિત્યની સેવા અને સત્સમાગમાદિ ધાર્મિક પ્રવૃત્તિમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. છેલ્લા બાર વર્ષથી દર વર્ષે સોનગઢ આવી, લાંબો સમય પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો તથા તત્ત્વચર્ચાનો અલભ્ય લાભ તેઓ લઈ રહ્યા છે. તેઓ શાંત, સરળ સ્વભાવી, વૈરાગ્યભાવનાવંત, અધ્યાત્મરસિક સજ્જન છે, તેમણે આ અધ્યાત્મશાસ્ત્રનો ગુજરાતી અનુવાદ અત્યંત ખંત અને ચીવટપૂર્વક તદ્દન નિસ્પૃહભાવે કરી આપ્યો છે. તે માટે આ સંસ્થા તેમની અત્યંત ઋણી છે અને આભાર પ્રદર્શિત કરવા સાથે આવાં સત્કાર્યો તેમના દ્વારા થતાં રહે એમ અંતરથી ઇચ્છીએ છીએ.
આ ગ્રંથના પ્રકાશનકાર્યમાં શ્રીયુત નવનીતભાઈ સી. ઝવેરીએ સારું પ્રોત્સાહન આપ્યું છે અને શ્રીયુત્ હિંમતલાલ છોટાલાલ શાહે ગ્રંથ છપાવવાના કાર્યમાં સહાય કરી છે, તેથી તે બંનેનો આભાર માનીએ છીએ.
આ ગ્રંથના પ્રકાશનાર્થે કલોલના ઉદારચિત્ત સદ્ધર્મપ્રેમી સ્વ. શ્રીયુત વાડીલાલભાઈ જગજીવનદાસ તરફથી રુ. ૨૦૦૧ની સહાયતા મળી છે તે બદલ તેમને તથા તેમના કુટુંબીજનોને ધન્યવાદ.