વળી મુમુક્ષુઓ આ ગ્રંથનો વિશેષ લાભ લઈ શકે એ હેતુને લક્ષમાં રાખીને આ ગ્રંથની કિંમત ઘટાડવા માટે શ્રી બચુભાઈ હેમાણી, કલકત્તાવાળા તરફથી રુ. ૧૦૦૦) મળ્યા છે તે માટે તેમનો આભાર માનવામાં આવે છે.
વસંત પ્રિન્ટીંગ પ્રેસ–અમદાવાદના વ્યવસ્થાપક શ્રી જયંતિલાલ દલાલે કુશળતાપૂર્વક આ ગ્રંથનું સુંદર છપાઈ આદિ કાર્ય કરી આપ્યું છે તે માટે તેમનો પણ આભાર માનીએ છીએ.
પરમપદની પ્રાપ્તિનો માર્ગ દર્શાવનાર આ શાસ્ત્રનાં સારી રીતે અધ્યયન તથા અનુભવ કરીને જગતના જીવો આધિ-વ્યાધિ-ઉપાધિ રહિત પરમ જ્ઞાનાત્મક સમાધિની પ્રાપ્તિ કરો એવી ભાવના ભાવીએ છીએ.
સોનગઢ, તા. ૧-૪-૬૬
મહાનસમર્થ આચાર્ય શ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિતંત્ર’ની ચોથી આવૃત્તિ ખપી જવાથી આ પાંચમી આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. પરમપૂજ્ય પરમ કૃપાળુ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના સ્વાનુભૂતિપ્રધાન સદુપદેશથી તથા તદ્ભક્ત પ્રશમમૂર્તિ ભગવતી માતા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં આત્માર્થપોષક અંતર સાધનામય પવિત્ર જીવન અને દેવગુરુ–ઉપકારભીના અધ્યાત્મ ઉપદેશથી જીવોને ભવાંત કરવાની રુચિનાં જે બીજ રોપાઈ-પાંગરી રહ્યા છે, તેના પ્રતાપે જ ટ્રસ્ટ તરફથી દિનોદિન પ્રકાશન વૃદ્ધિંગત બની રહ્યું છે. આ બધોય પ્રતાપ બન્ને ધર્માત્માઓનો જ છે. જીવો આ પ્રકાશનથી વૈરાગ્ય વધારી આત્મહિતનો પુરુષાર્થ કરે, એ જ ભાવના સાથે– વિ.સં. ૨૦૭૦ તા. ૧૨-૮-૨૦૧૪