શ્રી પૂજ્યપાદ આચાર્યે આ ગ્રન્થમાં જીવની ત્રણ અવસ્થાઓ–બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સુંદર રીતે નિરુપણ કર્યું છે અને બહિરાત્માવસ્થા છોડી અન્તરાત્માવસ્થા દ્વારા પરમાત્મપદની પ્રાપ્તિ કેવી રીતે થાય તેનો ઉપાય સૂચવ્યો છે. સ્વ-પરના ભેદવિજ્ઞાન વિના અન્તરાત્મપણું પ્રગટ થઈ શકે નહીં, તેથી આચાર્યદેવે આ ગ્રન્થમાં ભેદ-વિજ્ઞાનનું મહત્વ વિશેષપણે સમજાવ્યું છે.
આચાર્યદેવે આધ્યાત્મિક રસસાગરને આ નાના ગ્રન્થ–ગાગરમાં અતિ કલાપૂર્ણ કૌશલ્યથી ભરી દીધો છે. તેમાં ભેદજ્ઞાનનો ધ્વનિ પ્રત્યેક શ્લોકમાં ગુંજી રહ્યો છે. ભેદજ્ઞાનની ભાવના અને તેના અભ્યાસ માટે તે પૂરતી સામગ્રી પૂરી પાડે છે અને અભ્યાસીને આગળ વધવા માટે સારી પ્રેરણા આપે છે. આધ્યાત્મિક ભાવનાનો આ એક અત્યુત્તમ ગ્રન્થ છે.
પરમાત્મપદની પ્રાપ્તિ ભેદવિજ્ઞાન દ્વારા જ થઈ શકે, બીજી કોઈ રીતે થઈ શકે નહિ,– એ બાબત ઉપર ગ્રન્થકારે આગમ, યુક્તિ અને જાત અનુભવદ્વારા પોતાની અનોખી, રોચક, હૃદયગ્રાહી, સરળ શૈલીમાં સુંદર રીતે પ્રકાશ પાડયો છે.
આ ગ્રન્થના અભ્યાસથી ચિત્ત અતિ પ્રફુલ્લિત બને છે અને અનાદિકાળથી અજ્ઞાનવશ થતી ભૂલોની પરંપરાનો પદે પદે બોધ થાય છે. ભેદવિજ્ઞાન દ્વારા તે ભૂલો ટાળી પરમપદની પ્રાપ્તિ કેમ કરવી તેની માર્ગદર્શનપૂર્વક પ્રેરણા, આચાર્યે સચોટ ભાવવાહી શબ્દોમાં કરી છે. આ ગ્રન્થના ભાવપૂર્વક વાંચન, વિચાર અને મનનથી ભવદુઃખથી સંતપ્ત થયેલા જીવોને આત્મશાંતિ થયા વગર રહેશે નહિ. ગ્રન્થની એ એક અદ્ભુત ખૂબી છે.
આચાર્યદેવે આ ગ્રન્થની રચના મોક્ષમાર્ગના અભિલાષી જીવોને લક્ષમાં રાખીને કરી છે–એ વાત શ્લોક (૩) ઉપરથી જણાઈ આવે છે.
અંતિમ શ્લોક (૧૦૫)માં ગ્રન્થનો ઉપસંહાર કરતાં આચાર્યદેવે ગ્રન્થના નામ– ‘સમાધિતંત્ર’નો નિર્દેશ કરી તેની ઉપયોગિતા દર્શાવતાં કહ્યું છે કે આ મોક્ષમાર્ગભૂત ગ્રન્થનો સારી રીતે અભ્યાસ કરી તથા તેને અનુભવમાં ઉતારી, પરમાત્મામાં નિષ્ઠાવાન જીવ પરમપદની- પરમસુખની પ્રાપ્તિ કરી શકે છે.
આ ગ્રન્થમાં આત્મ-વિષયને સ્પષ્ટ કરવા માટે એકાર્થવાચક ભિન્ન ભિન્ન શબ્દોનો સુંદર શૈલીમાં જે પ્રયોગ કરવામાં આવ્યો છે તે જોતાં, સાહિત્યદ્રષ્ટિએ પણ ગ્રન્થની મહત્તા વિશેષ પ્રતિભાસે છે. રચનાચાતુર્ય અને શબ્દપ્રયોગનું કૌશલ્યાદિ કર્તાનું સંસ્કૃતભાષાનું અગાધ જ્ઞાન પ્રગટ કરે છે.