પ્રસ્તુત ગ્રંથ ભાષા–સૌષ્ઠવ, પદ્ય-રચના અને સાહિત્યગુણોની દ્રષ્ટિએ જૈન સાહિત્યમાં એક વિશિષ્ઠ–અનોખું સ્થાન પ્રાપ્ત કરે છે.
આ ગ્રન્થના સંસ્કૃત-ટીકાકાર શ્રી પ્રભાચંદ્ર પોતાની ટીકા-પ્રશસ્તિમાં, ગ્રન્થના અપરનામ ‘સમાધિશતક’નો ઉલ્લેખ કર્યો છે. આથી પ્રસ્તુત ગ્રંથ, ‘સમાધિતંત્ર’ અને ‘સમાધિશતક’ — એ બંને નામોથી જૈન સમાજમાં પ્રસિદ્ધ છે.
શ્રી પૂજ્યપાદાચાર્ય મૂલસંઘ–અન્તર્ગત નન્દિસંઘના પ્રધાન આચાર્ય હતા. તેઓ સુપ્રસિદ્ધ, બહુ પ્રતિભાશાળી, પ્રખર તાર્કિક વિદ્વાન્ અને મહાન તપસ્વી હતા. સમય :
શ્રવણ બેલ્ગોલના શિલાલેખ નં. ૪૦ (૧૦૮)મા ઉલ્લેખ છે કે તેઓ શ્રી સમંતભદ્રાચાર્યની પછી થયા અને તેઓ તેમના મતાનુયાયી હતા.
તેમણે પોતાના ‘જૈનેન્દ્ર વ્યાકરણ’માં
ઉલ્લેખ કર્યો છે. તે પણ બતાવે છે કે શ્રી સમન્તભદ્રાચાર્ય તેમના પૂર્વાગામી હતા.
વિદ્વાનોના મત પ્રમાણે શ્રી સમન્તભદ્રાચાર્ય ઈ.સ. ૨૦૦માં–બીજી શતાબ્દિમાં થઈ ગયા. શ્રી ભટ્ટાકલંકદેવે (સમય–ઈ.સ. ૬૨૦ થી ૬૮૦) પોતાની ‘તત્ત્વાર્થરાજવાર્તિક’માં અને શ્રી વિદ્યાનંદે (સમય ઈ.સ. ૭૭૫ થી ૮૦૦) પોતાની ‘તત્ત્વાર્થશ્લોકવાર્તિક’ ટીકામાં, શ્રી પૂજ્યપાદ રચિત ‘સર્વાર્થસિદ્ધિ’નાં વાક્યોનો ઉપયોગ અને અનુસરણ કર્યું છે. આથી અનુમાન થાય છે કે શ્રી પૂજ્યપાદ સ્વામી શ્રી ભટ્ટાકલંકદેવની પહેલાં અર્થાત્ ઈ.સ. ૬૨૦ પહેલાં થઈ ગયા હોવા જોઈએ.
આ બંને આધારોથી સાબિત થાય છે કે તેઓ ઈ.સ. ૨૦૦ અને ઈ.સ. ૬૨૦ની વચ્ચેના કાળમાં થઈ ગયા.
શિલાલેખો અને ઉપલબ્ધ જૈન સાહિત્ય ઉપરથી વિદ્વાનોએ નક્કી કર્યું છે કે આ સુપ્રસિદ્ધ આચાર્ય ઈ.સ. પાંચમી શતાબ્દિમાં અને વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં થઈ ગયા. નિવાસસ્થાન અને માતા–પિતાદિ :
તેઓ કર્ણાટક દેશના નિવાસી હતા. કન્નડ ભાષામાં લખેલા ‘પૂજ્યપાદચરિતે’ તથા ‘રાજાવલીકથે’ નામના ગ્રંથોમાં તેમના પિતાનું નામ ‘માધવભટ્ટ’ અને માતાનું નામ ‘શ્રીદેવી’ આપ્યું છે અને લખ્યું છે કે તેઓ બ્રાહ્મણકુલમાં ઉત્પન્ન થયા હતા.
શ્રી દેવસેનાચાર્યકૃત ‘દર્શનસાર’માં લખ્યું છે કે તેમના એક વજ્રનંદી નામના શિષ્યે વિ.સં. ૫૨૬મા દ્રાવિડ સંઘની સ્થાપના કરી.