Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 673

 

background image
શાસ્ત્રોનો સાર આવી જાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણા ગ્રંથોનાં બીજડાં આ ત્રણ
પરમાગમોમાં રહેલાં છે એમ સૂક્ષ્મ દ્રષ્ટિથી અભ્યાસ કરતાં જણાય છે. પંચાસ્તિકાયમાં છ દ્રવ્યનું
અને નવ તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. પ્રવચનસારને જ્ઞાન, જ્ઞેય અને ચરણાનુયોગના ત્રણ
અધિકારોમાં વિભાજિત કર્યું છે. સમયસારમાં નવ તત્ત્વોનું શુદ્ધનયની દ્રષ્ટિથી કથન છે.
શ્રી સમયસાર અલૌકિક શાસ્ત્ર છે. આચાર્યભગવાને આ જગતના જીવો પર પરમ કરુણા
કરીને આ શાસ્ત્ર રચ્યું છે. તેમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. અનંત
કાળથી પરિભ્રમણ કરતા જીવોને જે કાંઈ સમજવું બાકી રહી ગયું છે તે આ પરમાગમમાં સમજાવ્યું
છે. પરમ કૃપાળુ આચાર્યભગવાન આ શાસ્ત્ર શરૂ કરતાં પોતે જ કહે છેઃ
‘કામભોગબંધની કથા
બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે, અનુભવી છે પણ પરથી જુદા એકત્વની પ્રાપ્તિ જ કેવળ
દુર્લભ છે. તે એકત્વની
પરથી ભિન્ન આત્માનીવાત હું આ શાસ્ત્રમાં સમસ્ત નિજ વિભવથી
(આગમ, યુક્તિ, પરંપરા અને અનુભવથી) કહીશ.’ આ પ્રતિજ્ઞા પ્રમાણે આચાર્યદેવ આ શાસ્ત્રમાં
આત્માનું એકત્વ
પરદ્રવ્યથી અને પરભાવોથી ભિન્નતાસમજાવે છે. તેઓશ્રી કહે છે કે ‘જે
આત્માને અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત દેખે છે તે સમગ્ર જિનશાસનને
દેખે છે.’ વળી તેઓ કહે છે કે ‘આવું નહિ દેખનાર અજ્ઞાનીના સર્વ ભાવો અજ્ઞાનમય છે.’ આ
રીતે, જ્યાં સુધી જીવને પોતાની શુદ્ધતાનો અનુભવ થતો નથી ત્યાં સુધી તે મોક્ષમાર્ગી નથી; પછી
ભલે તે વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહાર ચારિત્ર પાળતો હોય અને સર્વ આગમો પણ ભણી
ચૂક્યો હોય. જેને શુદ્ધ આત્માનો અનુભવ વર્તે છે તે જ સમ્યગ્દ્રષ્ટિ છે. રાગાદિના ઉદયમાં સમકિતી
જીવ કદી એકાકારરૂપ પરિણમતો નથી પરંતુ એમ અનુભવે છે કે ‘આ, પુદ્ગલકર્મરૂપ રાગના
વિપાકરૂપ ઉદય છે; એ મારો ભાવ નથી, હું તો એક જ્ઞાયકભાવ છું.’ અહીં પ્રશ્ન થશે કે
રાગાદિભાવો થતા હોવા છતાં આત્મા શુદ્ધ કેમ હોઈ શકે? ઉત્તરમાં સ્ફટિકમણિનું દ્રષ્ટાંત આપવામાં
આવ્યું છે. જેમ સ્ફટિકમણિ લાલ કપડાના સંયોગે લાલ દેખાય છે
થાય છે તોપણ સ્ફટિકમણિના
સ્વભાવની દ્રષ્ટિથી જોતાં સ્ફટિકમણિએ નિર્મળપણું છોડ્યું નથી, તેમ આત્મા રાગાદિ કર્મોદયના
સંયોગે રાગી દેખાય છે
થાય છે તોપણ શુદ્ધનયની દ્રષ્ટિથી તેણે શુદ્ધતા છોડી નથી. પર્યાયદ્રષ્ટિએ
અશુદ્ધતા વર્તતાં છતાં દ્રવ્યદ્રષ્ટિએ શુદ્ધતાનો અનુભવ થઈ શકે છે. તે અનુભવ ચોથે ગુણસ્થાને થાય
છે. આ પરથી વાચકને સમજાશે કે સમ્યગ્દર્શન કેટલું દુષ્કર છે. સમ્યગ્દ્રષ્ટિનું પરિણમન જ ફરી
ગયું હોય છે. તે ગમે તે કાર્ય કરતાં શુદ્ધ આત્માને અનુભવે છે. જેમ લોલુપી માણસ મીઠાના
અને શાકના સ્વાદને જુદા પાડી શકતો નથી તેમ અજ્ઞાની જ્ઞાનને અને રાગને જુદાં પાડી શકતો
નથી; જેમ અલુબ્ધ માણસ શાકથી મીઠાનો જુદો સ્વાદ લઈ શકે છે તેમ સમ્યગ્દ્રષ્ટિ રાગથી જ્ઞાનને
જુદું અનુભવે છે. હવે એ પ્રશ્ન થાય છે કે આવું સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય અર્થાત્
રાગ ને આત્માની ભિન્નતા કઈ રીતે અનુભવાંશે સમજાય? આચાર્યભગવાન ઉત્તર આપે છે કે,
પ્રજ્ઞારૂપી છીણીથી છેદતાં તે બન્ને જુદા પડી જાય છે, અર્થાત્ જ્ઞાનથી જ
વસ્તુના યથાર્થ સ્વરૂપની
ઓળખાણથી જ, અનાદિ કાળથી રાગદ્વેષ સાથે એકાકારરૂપે પરિણમતો આત્મા ભિન્નપણે
(૧૨)