द्वितयतां गतमैक्यमुपानयन् ।
स्वयमुदेत्यवबोधसुधाप्लवः ।।१००।।
શુદ્ધાત્મા જેણે લહ્યો, નમું ચરણ હિત જાણી.
પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈને પુણ્ય-પાપરૂપે પ્રવેશ કરે છે’.
જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે, તેવી રીતે જોકે કર્મ એક જ છે તોપણ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે. તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં ટીકાકાર આચાર્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ अथ ] હવે (કર્તાકર્મ અધિકાર પછી), [ शुभ-अशुभ-भेदतः ] શુભ અને અશુભના ભેદને લીધે [ द्वितयतां गतम् तत् कर्म ] બે-પણાને પામેલા તે કર્મને [ ऐक्यम् उपानयन् ] એકરૂપ કરતો, [ ग्लपित-निर्भर-मोहरजा ] જેણે અત્યંત મોહરજને દૂર કરી છે એવો [ अयं अवबोध-सुधाप्लवः ] આ (પ્રત્યક્ષ – અનુભવગોચર) જ્ઞાન-સુધાંશુ (સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્રમા) [ स्वयम् ] સ્વયં [ उदेति ] ઉદય પામે છે.