समररङ्गपरागतमास्रवम् ।
जयति दुर्जयबोधधनुर्धरः ।।११३।।
થયા સિદ્ધ પરમાતમા, નમું તેહ, સુખ આશ.
પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે આસ્રવ પ્રવેશ કરે છે’. જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર માણસ સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં આસ્રવનો સ્વાંગ છે. તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યગ્જ્ઞાન છે; તેના મહિમારૂપ મંગળ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [ अथ ] હવે [ समररङ्गपरागतम् ] સમરાંગણમાં આવેલા, [ महामदनिर्भरमन्थरं ] મહા મદથી ભરેલા મદમાતા [ आस्रवम् ] આસ્રવને [ अयम् दुर्जयबोधधनुर्धरः ] આ દુર્જય જ્ઞાન -બાણાવળી [ जयति ] જીતે છે — [ उदारगभीरमहोदयः ] કે જે જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે (અર્થાત્ આસ્રવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો પૂરો પાડે એવો છે) અને ગંભીર છે (અર્થાત્ જેનો પાર છદ્મસ્થ જીવો પામી શકતા નથી એવો છે).
ભાવાર્થઃ — અહીં નૃત્યના અખાડામાં આસ્રવે પ્રવેશ કર્યો છે. નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય છે તેથી અહીં રસવત્ અલંકાર વડે શાન્ત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે ‘જ્ઞાનરૂપી બાણાવળી આસ્રવને જીતે છે’. આખા જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસ્રવ સંગ્રામની ભૂમિમાં આવીને ખડો થયો; પરંતુ જ્ઞાન તો તેના કરતાં વધારે બળવાન યોદ્ધો છે તેથી તે આસ્રવને જીતી લે છે અર્થાત્ અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય છે. ૧૧૩.