હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, જે કાવ્ય દ્વારા આચાર્યદેવ અનાદિથી
રાગાદિકને પોતાનું પદ જાણી સૂતેલાં રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છેઃ —
શ્લોકાર્થઃ — (શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કેઃ) [ अन्धाः ] હે અંધ
પ્રાણીઓ! [ आसंसारात् ] અનાદિ સંસારથી માંડીને [ प्रतिपदम् ] પર્યાયે પર્યાયે [ अमी रागिणः ]
આ રાગી જીવો [ नित्यमत्ताः ] સદાય મત્ત વર્તતા થકા [ यस्मिन् सुप्ताः ] જે પદમાં સૂતા છે —
ઊંઘે છે [ तत् ] તે પદ અર્થાત્ સ્થાન [ अपदम् अपदं ] અપદ છે — અપદ છે, (તમારું સ્થાન
નથી,) [ विबुध्यध्वम् ] એમ તમે સમજો. (બે વાર કહેવાથી અતિ કરુણાભાવ સૂચિત થાય છે.)
[ इतः एत एत ] આ તરફ આવો — આ તરફ આવો, (અહીં નિવાસ કરો,) [ पदम् इदम् इदं ]
તમારું પદ આ છે — આ છે [ यत्र ] જ્યાં [ शुद्धः शुद्धः चैतन्यधातुः ] શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ [ स्व-
रस-भरतः ] નિજ રસની અતિશયતાને લીધે [ स्थायिभावत्वम् एति ] સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે
અર્થાત્ સ્થિર છે — અવિનાશી છે. (અહીં ‘શુદ્ધ’ શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ
બન્નેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્યે શુદ્ધ છે અને
પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે.)
ભાવાર્થઃ — જેમ કોઈ મહાન પુરુષ મદ્ય પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ
આવીને જગાડે — સંબોધન કરે કે ‘‘તારી સૂવાની જગ્યા આ નથી; તારી જગ્યા તો શુદ્ધ
સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે;
માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા’’; તેવી રીતે આ પ્રાણીઓ
અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં
જ નિશ્ચિંત સૂતાં છે — સ્થિત છે, તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે — જગાડે છે — સાવધાન
કરે છે કે ‘‘હે અંધ પ્રાણીઓ! તમે જે પદમાં સૂતાં છો તે તમારું પદ નથી; તમારું પદ તો
શુદ્ધ ચૈતન્યધાતુમય છે, બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું
શુદ્ધ છે અને સ્થાયી છે; તે પદને પ્રાપ્ત થાઓ — શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય
કરો’’. ૧૩૮.
(मन्दाक्रान्ता)
आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः
सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः ।
एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः
शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वमेति ।।१३८।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૧૭