૬૦૮
શ્લોકાર્થઃ — [इति] આ રીતે [अनेकान्तः] અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ [अज्ञान - विमूढानां ज्ञानमात्रं आत्मतत्त्वम् प्रसाधयन्] અજ્ઞાનમૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરતો [स्वयमेव अनुभूयते] સ્વયમેવ અનુભવાય છે.
ભાવાર્થઃ — જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાંતમય છે. પરંતુ અનાદિ કાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનો નાશ કરે છે. તેમને (અજ્ઞાની જીવોને) સ્યાદ્વાદ જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનું અનેકાંતસ્વરૂપપણું પ્રગટ કરે છે — સમજાવે છે. જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો (સ્યાદ્વાદના ઉપદેશ અનુસાર) જ્ઞાનમાત્ર આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે. માટે હે પ્રવીણ પુરુષો! તમે જ્ઞાનને તત્સ્વરૂપ, અતત્સ્વરૂપ, એકસ્વરૂપ, અનેકસ્વરૂપ, પોતાના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી સત્સ્વરૂપ, પરના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી અસત્સ્વરૂપ, નિત્યસ્વરૂપ, અનિત્યસ્વરૂપ ઇત્યાદિ અનેક ધર્મસ્વરૂપ પ્રત્યક્ષ અનુભવગોચર કરી પ્રતીતિમાં લાવો. એ જ સમ્યગ્જ્ઞાન છે. સર્વથા એકાંત માનવું તે મિથ્યાજ્ઞાન છે. ૨૬૨.
‘પૂર્વોક્ત રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય હોવાથી અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ સિદ્ધ થયો’ એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છેઃ —
શ્લોકાર્થઃ — [एवं] આ રીતે [अनेकान्तः] અનેકાંત — [जैनम् अलङ्घयं शासनम्] કે જે જિનદેવનું અલંઘ્ય (કોઈથી તોડી ન શકાય એવું) શાસન છે તે — [तत्त्व - व्यवस्थित्या] વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ (વ્યવસ્થા) વડે [स्वयम् स्वं व्यवस्थापयन्] પોતે પોતાને સ્થાપિત કરતો થકો [व्यवस्थितः] સ્થિત થયો — નિશ્ચિત ઠર્યો — સિદ્ધ થયો.
ભાવાર્થઃ — અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ, જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ સ્થાપન કરતો થકો, આપોઆપ સિદ્ધ થયો. તે અનેકાંત જ નિર્બાધ જિનમત છે અને યથાર્થ વસ્તુસ્થિતિનો કહેનાર છે. કાંઈ કોઈએ અસત્ કલ્પનાથી વચનમાત્ર પ્રલાપ કર્યો નથી. માટે હે નિપુણ પુરુષો!