Samaysar (Gujarati). Prakashkiy.

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 673

 

background image
પ્રકાશકીય નિવેદન
[આઠમી આવૃત્તિ પ્રસંગે]
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રણીત સર્વોત્કૃષ્ટ પરમાગમ શ્રી સમયસાર ગુજરાતી ભાષામાં
પ્રથમ સં. ૧૯૯૭માં પ્રકાશિત થયું હતું. તેની દ્વિતીય આવૃત્તિ સં. ૨૦૦૯માં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવની
‘આત્મખ્યાતિ’ નામની સંસ્કૃત ટીકા સહિત પ્રગટ થયેલ હતી. ત્રીજી આવૃત્તિમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવકૃત
કળશોનો માત્ર સળંગ ગુજરાતી અર્થ ન લખતાં વચમાં કૌંસમાં સંસ્કૃત શબ્દો મૂકીને અર્થ ભરેલ હતો કે જેથી
કયા સંસ્કૃત શબ્દોનો અર્થ છે તે વાચકોના ખ્યાલમાં આવી શકે. ત્યાર બાદ અનુક્રમે ચોથી, પાંચમી, છઠ્ઠી,
સાતમી પછી આ આઠમી આવૃત્તિ પ્રસિદ્ધ કરતાં અત્યાનંદ અનુભવાય છે.
શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ તરફથી આ શાસ્ત્ર હિંદી ભાષામાં (સંસ્કૃત ટીકાઓ સહિત) સં. ૧૯૭૫માં
પ્રકાશિત થયું હતું. પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના હસ્તમાં આ પરમાગમ સં. ૧૯૭૮માં આવ્યું.
તેમના કરકમળમાં એ પરમપાવન ચિંતામણિ આવતાં તે કુશળ ઝવેરીએ એને પારખી લીધો અને સમયસારની
કૃપાથી તેઓશ્રીએ નિજ ચૈતન્યમૂર્તિ ભગવાન સમયસારનાં દર્શન કર્યાં. એ પવિત્ર પ્રસંગનો ઉલ્લેખ પૂજ્ય
ગુરુદેવના જીવનચરિત્રમાં આ પ્રમાણે કર્યો છેઃ સં. ૧૯૭૮માં વીરશાસનના ઉદ્ધારનો, અનેક મુમુક્ષુઓના
મહાન પુણ્યોદયને સૂચવતો એક પવિત્ર પ્રસંગ બની ગયો. વિધિની કોઈ ધન્ય પળે
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યવિરચિત શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ મહારાજશ્રીનાં હસ્તકમળમાં આવ્યો.
સમયસાર વાંચતાં જ તેમના હર્ષનો પાર ન રહ્યો. જેની શોધમાં તેઓ હતા તે તેમને મળી ગયું. શ્રી
સમયસારજીમાં અમૃતનાં સરોવર છલકાતાં મહારાજશ્રીના અંતર્નયને જોયાં. એક પછી એક ગાથા વાંચતાં
મહારાજશ્રીએ ઘૂંટડા ભરી ભરીને તે અમૃત પીધું. ગ્રંથાધિરાજ સમયસારજીએ મહારાજશ્રી પર અપૂર્વ,
અલૌકિક, અનુપમ ઉપકાર કર્યો અને તેમના આત્માનંદનો પાર ન રહ્યો. મહારાજશ્રીના અંતર્જીવનમાં
પરમપવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર દેખ્યું. ઉપયોગ-ઝરણાનાં વહેણ અમૃતમય થયાં.
જિનેશ્વરદેવના સુનંદન ગુરુદેવની જ્ઞાનકળા હવે અપૂર્વ રીતે ખીલવા લાગી. પૂજ્ય ગુરુદેવ જેમ જેમ
સમયસારમાં ઊંડા ઊતરતા ગયા તેમ તેમ તેમાં કેવળજ્ઞાની પિતાથી વારસામાં આવેલાં અદ્ભુત નિધાનો તેમના
સુપુત્ર ભગવાન કુંદકુંદાચાર્યદેવે ચીવટથી સંઘરી રાખેલાં તેમણે જોયાં. ઘણાં વર્ષો સુધી સમયસારનું ઊંડું મનન
કર્યા પછી, ‘કોઈ પણ રીતે જગતના જીવો સર્વજ્ઞપિતાના આ અણમૂલ વારસાની કિંમત સમજે અને
અનાદિકાળની દીનતાનો અંત લાવે!’
એવી કરુણાબુદ્ધિને લીધે પૂજ્ય ગુરુદેવશ્રીએ સમયસાર પર અપૂર્વ
પ્રવચનોનો પ્રારંભ કર્યો. જાહેર સભામાં સૌથી પહેલાં સં. ૧૯૯૦માં રાજકોટ ચાતુર્માસ વખતે સમયસારનું
વાંચન શરૂ કર્યું. પૂજ્ય ગુરુદેવશ્રીએ સમયસાર ઉપર કુલ ઓગણીસ વખત પ્રવચનો આપ્યાં છે. સોનગઢ-
ટ્રસ્ટ તરફથી સમયસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોનાં પાંચ પુસ્તકો છપાઈને પ્રસિદ્ધ થઈ ગયાં છે.