શુદ્ધિપત્રક, ગાથાસૂચી, કળશસૂચી વગેરે અનેકવિધ કાર્યોમાં પૂજ્ય ગુરુદેવશ્રીના અંતેવાસી બાળબ્રહ્મચારી
ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ અત્યંત કાળજી, પરિશ્રમ અને ઉલ્લાસપૂર્વક જે સહાય કરી છે તે
માટે આ સંસ્થા તેમની આભારી છે. બ્ર
૦ શ્રી ચંદુભાઈના આ કાર્યમાં સદ્ધર્મવત્સલ પં૦ ભાઈશ્રી
હિંમતલાલભાઈએ અનેકવિધ સહાય કરી છે તેમ જ આખરી પ્રૂફસંશોધન પણ તેમણે જ કરી આપ્યું છે,
તેથી તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે.] ઊંડા આદર્શ આત્માર્થી પંડિતરત્ન શ્રી
હિંમતલાલભાઈ શાહનો ઉપોદ્ઘાત શબ્દશઃ આ આવૃત્તિમાં લીધેલ છે. અને આ આવૃત્તિનું મુદ્રણસંશોધન
બ્ર
૦ શ્રી ચંદુભાઈ ઝોબાળિયા, બ્ર૦ શ્રી વ્રજલાલભાઈ શાહ (વઢવાણ), શ્રી પ્રવીણભાઈ સારાભાઈ શાહ
(સોનગઢ) તથા શ્રી અનંતરાય વ્રજલાલ શાહે (જલગાંવ) કરી આપેલ છે તે બદલ તે સર્વ મહાનુભાવોનો
આભાર માનીએ છીએ.
આ આવૃત્તિનું સુંદર મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને તથા તેમના સુપુત્ર
ચિ૦ નિલયે કરી આપેલ છે, તેથી તેમનો પણ આભાર માનીએ છીએ. આ ઉપરાંત જેમની સહાય હોય
તે સર્વનો પણ આભાર માનવામાં આવે છે.
આ સમયસાર ખરેખર એક ઉત્તમોત્તમ શાસ્ત્ર છે. સાધક જીવોને માટે તેમાં આધ્યાત્મિક મંત્રોનો
ભંડાર ભર્યો છે. કુંદકુંદાચાર્યદેવ પછી રચાયેલાં લગભગ બધાં અધ્યાત્મશાસ્ત્રો ઉપર સમયસારનો પ્રભાવ પડ્યો
છે. સર્વ અધ્યાત્મનાં બીજડાં સમયસારમાં સમાયેલાં છે. સર્વે જિજ્ઞાસુ જીવોએ ગુરુગમપૂર્વક આ પરમાગમનો
અભ્યાસ અવશ્ય કરવા યોગ્ય છે. પરમ મહિમાવંત એવા નિજ શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવગમ્ય કરવા માટે
આ શાસ્ત્રમાં અદ્વિતીય ઉપદેશ છે, અને એ જ દરેક જિજ્ઞાસુ જીવનું એકમાત્ર પરમ કર્તવ્ય છે. શ્રી પદ્મનંદી
મુનિરાજ કહે છે કે —
तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता ।
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।।२३।।
( પદ્મનંદિપંચવિંશતિકા — એકત્વ અધિકાર)
અર્થઃ — જે જીવે પ્રસન્નચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ
ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે.
ઉપર પ્રમાણે સુપાત્ર જીવો ગુરુગમે શુદ્ધચૈતન્યતત્ત્વની વાર્તાનું પ્રીતિપૂર્વક શ્રવણ કરો અને આ
પરમાગમની પાંચમી ગાથામાં આચાર્યભગવાનની આજ્ઞા-અનુસાર તે એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માને
સ્વાનુભવપ્રત્યક્ષથી પ્રમાણ કરો.
વૈશાખ સુદ બીજ
પૂજ્ય ગુરુદેવશ્રીનો ૧૧૭મો જન્મ-મહોત્સવ
વિ. સંવત ૨૦૬૨ ✾ ઇ.સ. ૨૦૦૬
સાહિત્યપ્રકાશનસમિતિ —
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)–364250
(૭)