કહાનજૈનશાસ્ત્રમાળા ]
त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम् ।।२३।।
શ્લોકાર્થઃ — [अयि] ‘अयि’ એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! તું [कथम् अपि] કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા [मृत्वा] મરીને પણ [तत्त्वकौतूहली सन्] તત્ત્વોનો કૌતૂહલી થઈ [मूर्तेः मुहूर्तम् पार्श्ववर्ती भव] આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ [अनुभव] આત્માનો અનુભવ કર [अथ येन] કે જેથી [स्वं विलसन्तं] પોતાના આત્માને વિલાસરૂપ, [पृथक्] સર્વ પરદ્રવ્યોથી જુદો [समालोक्य] દેખી [मूर्त्या साकम्] આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે [एकत्वमोहम्] એકપણાના મોહને [झगिति त्यजसि] તું તુરત જ છોડશે.
ભાવાર્થઃ — જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહ આવ્યે પણ ડગે નહિ, તો ઘાતીકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું માહાત્મ્ય છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે; માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. ૨૩.
હવે અપ્રતિબુદ્ધ જીવ કહે છે તેની ગાથા કહે છેઃ —