કહાનજૈનશાસ્ત્રમાળા ]
સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે. જેને શુદ્ધત્વપરિણમન હોય છે તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશ્ય હોય છે, સંદેહ નથી, અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી; તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે. અહીં અનેક પ્રકારના મિથ્યાદ્રષ્ટિ જીવો નાના પ્રકારના વિકલ્પો કરે છે, તેથી તેમનું સમાધાન કરે છે. કોઈ કહે છે કે જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણી લેવું તે મોક્ષમાર્ગ છે. કોઈ કહે છે કે બંધનું સ્વરૂપ જાણીને એવું ચિન્તવન કરવું કે ‘બંધ ક્યારે છૂટશે, કઈ રીતે છૂટશે’ એવી ચિન્તા મોક્ષનું કારણ છે. આવું કહે છે જે જીવો તે જૂઠા છે — મિથ્યાદ્રષ્ટિ છે. મોક્ષનું કારણ જેવું છે તેવું કહે છે — ‘‘इयं प्रज्ञाच्छेत्री आत्मकर्मोभयस्य अन्तःसन्धिबन्धे निपतति’’ (इयं) વસ્તુસ્વરૂપે પ્રગટ છે જે (प्रज्ञा) પ્રજ્ઞા અર્થાત્ આત્માના શુદ્ધસ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ, તે જ છે (छेत्री) છીણી. ભાવાર્થ આમ છે કે સામાન્યપણે જે કોઈ વસ્તુને છેદીને બે કરવામાં આવે છે તે છીણી વડે છેદવામાં આવે છે. અહીં પણ જીવ-કર્મને છેદીને બે કરવાનાં છે, તેમને બે-રૂપે છેદવાને માટે સ્વરૂપ-અનુભવસમર્થ જ્ઞાનરૂપ છીણી છે; અન્ય તો બીજું કારણ થયું નથી, થશે નહીં. આવી પ્રજ્ઞાછીણી જે રીતે છેદીને બે કરે છે તે રીત કહે છે — (आत्मकर्मोभयस्य) આત્મા-ચેતનામાત્ર દ્રવ્ય, કર્મ- પુદ્ગલનો પિંડ અથવા મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ, – એવી છે બે વસ્તુઓ, તેમનો (अन्तःसन्धि) અન્તઃસંધિવાળો — જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે, બંધપર્યાયરૂપ છે, અશુદ્ધત્વ-વિકારરૂપ પરિણમેલ છે તોપણ પરસ્પર સંધિ છે, નિઃસન્ધિ થયેલ નથી, બે દ્રવ્યોનું એક દ્રવ્યરૂપ થયું નથી, એવો છે જે — (बन्धे) બંધ અર્થાત્ જ્ઞાનછીણી પેસવાનું સ્થાન, તેમાં (निपतति) જ્ઞાનછીણી પેસે છે, પેઠી થકી છેદીને ભિન્ન ભિન્ન કરે છે. કેવી છે પ્રજ્ઞાછીણી? ‘‘शिता’’ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં, મિથ્યાત્વકર્મનો નાશ થતાં, શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં પેસવાને અત્યંત સમર્થ છે. ભાવાર્થ આમ છે કે — જેવી રીતે જોકે ઊંચા લોઢાની છીણી અતિ તીક્ષ્ણ હોય છે તોપણ સંધિ વિચારીને દેવાથી (મારવાથી) છેદીને બે કરે છે; તેવી રીતે, જોકે સમ્યગ્દ્રષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ છે તોપણ જીવ-કર્મની છે જે અંદરમાં સંધિ, તેમાં પ્રવેશ કરતાં પ્રથમ તો બુદ્ધિગોચર છેદીને બે કરે છે, પછી સકળ