ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘भूयः अपि मनाक् चिन्त्यते’’ (भूयः अपि) ‘જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય’ એમ કહેતું થકું સમયસાર નામનું શાસ્ત્ર સમાપ્ત થયું; તદુપરાન્ત (मनाक् चिन्त्यते) કાંઈક થોડોક અર્થ બીજો કહે છે. ભાવાર્થ આમ છે કે ગાથાસૂત્રના કર્તા છે કુંદકુંદાચાર્યદેવ, તેમના દ્વારા કથિત ગાથાસૂત્રનો અર્થ સંપૂર્ણ થયો. સાંપ્રત, ટીકાકર્તા છે અમૃતચંદ્રસૂરિ, તેમણે ટીકા પણ કહી; તદુપરાન્ત અમૃતચંદ્રસૂરિ કાંઈક કહે છે. શું કહે છે? ‘‘वस्तुतत्त्वव्यवस्थितिः’’ (वस्तु) જીવદ્રવ્યનું (तत्त्व) જ્ઞાનમાત્ર સ્વરૂપ (व्यवस्थितिः) જે પ્રકારે છે તે પ્રકારે કહે છે. ‘‘च’’ વળી શું કહે છે? ‘‘उपायोपेयभावः’’ (उपाय) મોક્ષનું કારણ જે પ્રકારે છે તે પ્રકાર, (उपेयभावः) સકળ કર્મનો વિનાશ થતાં જે વસ્તુ નિષ્પન્ન થાય છે તે પ્રકાર કહે છે. કહેવાનું પ્રયોજન શું તે કહે છે — ‘‘अत्र स्याद्वादशुद्धयर्थं’’ (अत्र) જ્ઞાનમાત્ર જીવદ્રવ્યમાં (स्याद्वाद) સ્યાદ્વાદ — એક સત્તામાં અસ્તિ-નાસ્તિ, એક-અનેક, નિત્ય-અનિત્ય ઇત્યાદિ અનેકાન્તપણું (शुद्धि) જ્ઞાનમાત્ર જીવદ્રવ્યમાં જેવી રીતે ઘટે તેવી રીતે (अर्थं) કહેવાનો છે અભિપ્રાય જેમાં, એવા પ્રયોજનસ્વરૂપ કહે છે. ભાવાર્થ આમ છે કે — કોઈ આશંકા કરે છે કે જૈનમત સ્યાદ્વાદમૂલક છે, અહીં તો ‘જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય’ એમ કહ્યું, ત્યાં એમ કહેતાં એકાન્તપણું થયું, સ્યાદ્વાદ તો પ્રગટ થયો નહિ. ઉત્તર આમ છે કે ‘જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય’ એમ કહેતાં અનેકાન્તપણું ઘટે છે. જે રીતે ઘટે છે તે રીતે અહીંથી શરૂ કરીને કહે છે, સાવધાન થઈને સાંભળો. ૧-૨૪૭.