૨૪
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अयि मूर्तेः पार्श्ववर्ती भव, अथ मुहूर्तं पृथक् अनुभव’’ (अयि) હે ભવ્યજીવ! (मूर्तेः) શરીરથી (पार्श्ववर्ती) ભિન્નસ્વરૂપ (भव) થા. ભાવાર્થ આમ છે કે અનાદિકાળથી જીવદ્રવ્ય (શરીર સાથે) એકસંસ્કારરૂપ થઈને ચાલ્યું આવે છે, તેથી જીવને આમ કહીને પ્રતિબોધવામાં આવે છે કે હે જીવ! આ જેટલા શરીરાદિ પર્યાયો છે તે બધા પુદ્ગલકર્મના છે, તારા નથી; તેથી આ પર્યાયોથી પોતાને ભિન્ન જાણ.
શરીરથી ભિન્ન ચેતનદ્રવ્યરૂપે (अनुभव) પ્રત્યક્ષપણે આસ્વાદ કર. ભાવાર્થ આમ છે કે શરીર તો અચેતન છે, વિનશ્વર છે, શરીરથી ભિન્ન કોઈ તો પુરુષ (આત્મા) છે એવું જાણપણું — એવી પ્રતીતિ મિથ્યાદ્રષ્ટિ જીવોને પણ હોય છે, પરંતુ સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી. જ્યારે જીવદ્રવ્યનો દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે ત્યારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ પણ છે. કેવો છે અનુભવશીલ જીવ? ‘‘तत्त्वकौतूहली सन्’’ (तत्त्व) શુદ્ધ ચૈતન્યવસ્તુના (कौतूहली सन्) સ્વરૂપને જોવા ઇચ્છે છે એવો થયો થકો. વળી કેવો થઈને? ‘‘कथमपि मृत्वा’’ (कथमपि) કોઈ પણ પ્રકારે — કોઈપણ ઉપાયે, (मृत्वा) મરીને પણ, શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ કર. ભાવાર્થ આમ છે કે શુદ્ધ ચૈતન્યનો અનુભવ તો સહજસાધ્ય છે, યત્નસાધ્ય તો નથી, પરંતુ આટલું કહીને અત્યંત ઉપાદેયપણું દ્રઢ કર્યું છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે અનુભવ તો જ્ઞાનમાત્ર છે, તેનાથી શું કાંઈ કાર્યસિદ્ધિ છે? તે પણ ઉપદેશ દ્વારા કહે છે — ‘‘येन मूर्त्या साकम् एकत्वमोहम् झगिति त्यजसि’’ (येन) જે શુદ્ધ ચૈતન્યના અનુભવ વડે (मूर्त्या साकम्) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્માત્મક સમસ્ત કર્મરૂપ પર્યાયોની સાથે (एकत्वमोहम्) એકસંસ્કારરૂપ — ‘હું દેવ છું, હું મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું નારકી છું’ ઇત્યાદિરૂપ, ‘હું સુખી છું, હું દુઃખી છું’ ઇત્યાદિરૂપ, ‘હું ક્રોધી છું, હું માની છું’ ઇત્યાદિરૂપ, તથા ‘હું યતિ છું, હું ગૃહસ્થ છું’ ઇત્યાદિરૂપ — પ્રતીતિ એવો છે મોહ અર્થાત્ વિપરીતપણું તેને (झगिति) અનુભવ થતાં વેંત જ (त्यजसि) હે જીવ! પોતાની બુદ્ધિથી તું જ છોડીશ. ભાવાર્થ આમ છે કે અનુભવ જ્ઞાનમાત્ર વસ્તુ છે, એકત્વમોહ મિથ્યાત્વરૂપ દ્રવ્યના વિભાવપરિણામ છે, તોપણ એમને (અનુભવને અને મિથ્યાત્વના મટવાને) આપસમાં કારણકાર્યપણું છે. તેનું વિવરણ — જે કાળે જીવને અનુભવ થાય છે તે કાળે મિથ્યાત્વપરિણમન મટે છે,