૧૩૦ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
(૨)
અનંત ગુણ ગંભીર છે ચૈતન્ય ધામ આ,
અહો, અહો, શી વેદન કેરી વાત જો;
સુડતાલીસમે વરસે સમકિત પામીને,
થયો છું હું હરિસ્વરુપ સાક્ષાત જો.....
પ્રભો! આપનો બતાવેલો માર્ગ આત્માને પરમાત્મા
બનાવનારો છે; તેનું જે વેદન થયું, તે વેદનમાં જે ચૈતન્યધામ
દેખાયું.....ચૈતન્યધામમાં આત્માનો પ્રવેશ થયો, ને તેમાં
અનંતગુણથી ગંભીર એવી જે અનુભૂતિ થઈ – તેની શી વાત!
અહો પ્રભો! જે વચનથી પાર, જે વિકલ્પથી પાર, જે સ્વસંવેદન-
પ્રત્યક્ષગમ્ય, – એની અનુભૂતિની શી વાત! જે જ્ઞાન સ્વસંવેદનના
બળે હે સર્વજ્ઞદેવ! આપના જ્ઞાનની જાતનું જ થઈ ગયું, તે જ્ઞાનના
મહિમાની, તે જ્ઞાનની શાંતિની, તે જ્ઞાનમાં સમાયેલી અનંત ગુણની
ગંભીરતાની વાત તો સ્વાનુભૂતિમાં જ સમાય છે.
આત્માની અનંતશક્તિમાંથી ૪૭ શક્તિના વર્ણન દ્વારા
અમૃતચંદ્રાચાર્યદેવે, તેમજ ‘જ્ઞાયકભાવ’ કહીને કુંદકુંદાચાર્ય
ભગવાને જે અદ્ભુત આત્મસ્વરુપ બતાવ્યું છે તે શક્તિસ્વરુપ
આત્મા આ જીવનના ૪૭ મા વર્ષમાં સમ્યક્ત્વદ્વારા પ્રાપ્ત થયો.
હે કુંદકુંદસ્વામી! આપે જેવો નિજ વૈભવ બતાવ્યો, આત્માના
અપાર વૈભવથી આપે જે એકત્વ – વિભક્ત શુદ્ધઆત્મા બતાવ્યો,
તેવો શુદ્ધાત્મા આપના પ્રતાપે મને પ્રાપ્ત થયો, તેથી ફરીફરીને
આપનો ઉપકાર માનું છું. ।।૨।।