શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
શ્રી
નિયમસાર
(પદ્યાનુવાદ)
૧. જીવ અધિકાર
(હરિગીત)
નમીને અનંતોત્કૃષ્ટ દર્શનજ્ઞાનમય જિન વીરને,
કહું નિયમસાર હું કેવળીશ્રુતકેવળીપરિકથિતને. ૧.
છે માર્ગનું ને માર્ગફળનું કથન જિનવરશાસને;
ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગફળ નિર્વાણ છે. ૨.
જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે;
વિપરીતના પરિહાર અર્થે ‘સાર’ પદ યોજેલ છે. ૩.
છે નિયમ મોક્ષોપાય, તેનું ફળ પરમ નિર્વાણ છે;
વળી આ ત્રણેનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪.
રે! આપ્ત-આગમ-તત્ત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે;
નિઃશેષદોષવિહીન જે ગુણસકળમય તે આપ્ત છે. ૫.
ભય, રોષ, રાગ, ક્ષુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મ ને
રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે. ૬.
સૌ દોષ રહિત, અનંતજ્ઞાનદ્રગાદિ વૈભવયુક્ત જે,
પરમાત્મ તે કહેવાય, તદ્દવિપરીત નહિ પરમાત્મ છે. ૭.
ૐ