શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પરમાત્મવાણી શુદ્ધ ને પૂર્વાપરે નિર્દોષ જે,
તે વાણીને આગમ કહી; તેણે કહ્યા તત્ત્વાર્થને. ૮.
જીવદ્રવ્ય, પુદ્ગલ, કાળ તેમ જ આભ, ધર્મ, અધર્મ — એ
ભાખ્યા જિને તત્ત્વાર્થ, ગુણપર્યાય વિધવિધ યુક્ત જે. ૯.
ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન-જ્ઞાન છે;
જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે. ૧૦.
અસહાય, ઇન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવિક જ્ઞાન છે;
સુજ્ઞાન ને અજ્ઞાન — એમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧.
મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય — ભેદ છે સુજ્ઞાનના;
કુમતિ, કુઅવધિ, કુશ્રુત — એ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ૧૨.
ઉપયોગ દર્શનનો સ્વભાવ-વિભાવરૂપ દ્વિવિધ છે;
અસહાય, ઇન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવ કહેલ છે. ૧૩.
ચક્ષુ, અચક્ષુ, અવધિ — ત્રણ દર્શન વિભાવિક છે કહ્યાં;
નિરપેક્ષ, સ્વપરાપેક્ષ — એ બે ભેદ છે પર્યાયના. ૧૪.
તિર્યંચ-નારક-દેવ-નર પર્યાય વૈભાવિક કહ્યા,
પર્યાય કર્મોપાધિવર્જિત તે સ્વભાવિક ભાખિયા. ૧૫.
છે કર્મભૂમિજ ભોગભૂમિજ — ભેદ બે મનુજો તણા,
ને પૃથ્વીભેદે સપ્ત ભેદો જાણવા નારક તણા. ૧૬.
તિર્યંચના છે ચૌદ ભેદો, ચાર ભેદો દેવના;
આ સર્વનો વિસ્તાર છે નિર્દિષ્ટ લોકવિભાગમાં. ૧૭.
આત્મા કરે, વળી ભોગવે પુદ્ગલકરમ વ્યવહારથી;
ને કર્મજનિત વિભાવનો કર્તાદિ છે નિશ્ચય થકી. ૧૮.
શ્રી નિયમસાર-પદ્યાનુવાદ ]
[ ૮૫