શ્રી ભગવાન કુંદકુંદને અંજલિ
સુખશાન્તિપ્રદાતા, જગના ત્રાતા, કુંદકુંદ મહારાજ;
જનભ્રાંતિવિધાતા, તત્ત્વોના જ્ઞાતા, નમન કરું છુ આજ.
જડતાનો આ ધરણી ઉપર, હતો પ્રબળ અધિકાર;
કર્યો ઉપકાર અપાર પ્રભુ ! તેં, રચીને ગ્રંથ ઉદાર રે – સુખ૦ ૧
વરસાવી નિજ વચન-સુધારસ, કર્યો સુશીતલ લોક;
સમયસારનું પાન કરીને, ગયો માનસિક શોક રે – સુખ૦ ૨
તારા ગ્રંથોનું મનન કરીને પામું અલૌકિક ભાન;
ક્ષણે ક્ષણે હું જ્ઞાયક સમરું, પામું કેવળજ્ઞાન રે – સુખ૦ ૩
તારું હૃદય પ્રભુ! જ્ઞાન-સમતાનું, રહ્યું નિરંતર ધામ;
ઉપકારોની વિમલ યાદીમાં, લાખો વાર પ્રણામ રે – સુખ૦ ૪
❐
શ્રી જિન – સ્તવન
સુવર્ણપુરી જિનાલયે સોહે વિદેહીનાથ (૨) હાંહાં રે.
અમૃત સરોવર ઊછળ્યા તીર્થધામે અપાર (૨) હાંહાં રે.
સત્યસ્વભાવી મીઠા વાયરા વાયા અમ ઘેર આજ (૨)
સીમંધરનાથની દિવ્યધ્વનિના લાવ્યા કુંદ નિધાન (૨)
વૈશાખ અષ્ટમી દિન રૂડો મહામંગલકાર (૨)
મહા પવિત્ર સમયસારના કર્યા કા’ને પ્રકાશ (૨)
સ્તવન મંજરી ][ ૩૦૭