૧૨૦ ]
અર્થઃ — જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યના સૂક્ષ્મ તથા બાદર પર્યાય છે તે અતીત (ભૂતકાળના) થયા, અનાગત અર્થાત્ આગામી થશે તથા વર્તમાન છે; એ પ્રમાણે વ્યવહારકાળ હોય છે.
ભાવાર્થઃ — જીવ-પુદ્ગલના જે સ્થૂળ-સૂક્ષ્મ પર્યાય ભૂતકાળના થઈ ગયા તેમને અતીત નામથી કહ્યા, ભવિષ્યકાળના થશે તેમને અનાગત નામથી કહ્યા તથા જે વર્તે છે તેમને વર્તમાન નામથી કહ્યા. તેમને જેટલી વાર લાગે છે તેને જ વ્યવહારકાળ નામથી કહીએ છીએ. હવે જઘન્યપણે તો પર્યાયની સ્થિતિ એક સમય માત્ર છે અને મધ્યમ -ઉત્કૃષ્ટના અનેક પ્રકાર છે. ત્યાં આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી પુદ્ગલનો પરમાણુ મંદ ગતિએ જાય તેટલા કાળને એક સમય કહે છે. એ પ્રમાણે જઘન્યયુક્તા સંખ્યાતસમયને એક આવલી કહે છે, સંખ્યાત આવલીના સમૂહને એક ઉશ્વાસ કહે છે, સાત ઉશ્વાસનો એક સ્તોક કહે છે, સાત સ્તોકનો એક લવ કહે છે, સાડા આડત્રીસ લવની એક ઘડી કહે છે, બે ઘડીનું એક મુહૂર્ત કહે છે, ત્રીસ મુહૂર્તનો એક રાત્રિ-દિવસ કહે છે, પંદર રાત્રિ-દિવસનો એક પક્ષ કહે છે, બે પક્ષનો એક માસ કહે છે, બે માસની એક ૠતુ કહે છે, ત્રણ ૠતુનું એક અયન કહે છે અને બે અયનનું એક વર્ષ કહે છે, ઇત્યાદિ પલ્ય-સાગર -કલ્પ આદિ વ્યવહારકાળના અનેક પ્રકાર છે.
હવે અતીત, અનાગત, વર્તમાન પર્યાયોની સંખ્યા કહે છેઃ —
અર્થઃ — તે દ્રવ્યોના પર્યાયોમાં અતીત પર્યાય અનંત છે, અનાગત પર્યાય તેમનાથી અનંતગણી છે તથા વર્તમાન પર્યાય એક જ છે.❃ એ જેટલા પર્યાય છે તેટલો જ તે વ્યવહાર કાળ છે. ❃. જુઓ આગળ ગાથા ૩૦૨ની ટીકા