માહ : ૨૦૦૦ આત્મધર્મ : ૩૫ :
તારીખ ૭ મી ડિસેમ્બર ૧૯૪૩ થી તા. ૧૨ સુધી રાજકોટ મુકામે રામકૃષ્ણ આશ્રમ
તરફથી બધા ધર્મોની પરિષદ ભરવામાં આવેલી હતી, તેમાં જૈનધર્મ ઉપરના વિચારો
દર્શાવવા શ્રી રામજી માણેકચંદ દોશીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે વખતે તેઓએ
જે વ્યાખ્યાન આપેલું તે અહીં રજુ કરવામાં આવેલ છે.
જૈનધર્મ
લેખક: – રામજીભાઈ માણેકચંદ દોશી
આ વિષયને નીચેના પાંચ વિભાગોમાં વહેંચવાથી સમજવાનું સ્પષ્ટ થશે.
(૧) ‘જૈનધર્મ’ એ પદનો અર્થ. (૨) જૈનતત્ત્વ સંક્ષેપ.
(૩) જૈન શાસ્ત્રોની કથન પદ્ધતિ. (૪) જૈન દર્શનનું અનાદિ અનંતપણું.
(પ) સૌરાષ્ટ્રનો જૈન ધર્મ પ્રત્યેનો ફાળો.
૧ જૈનધર્મ એ પદનો અર્થ.
‘જૈનધર્મ’ એ બે શબ્દોનું બનેલું એક પદ (Phraze) છે. ‘वत्थु सहावो धम्मो’ તેનું સંસ્કૃત વાક્ય
‘વસ્તુ સ્વભાવ: ધર્મ:’ જીવ સ્વતંત્ર સ્વયંસિદ્ધ જ્ઞાનમય વસ્તુ છે, તેથી ‘જીવનો સ્વભાવ તે ધર્મ’ એવો ‘ધર્મ’
શબ્દનો અહીં અર્થ થાય છે. એ ધર્મની પહેલાંં ‘જૈન’ વિશેષણ લગાડવામાં આવેલ છે. ‘જૈનનો’ અર્થ
‘જિતનારો’ એવો થાય છે; એ ઉપરથી સિદ્ધ થાય છે કે પોતાનો સ્વભાવ (ધર્મ) પ્રગટ કરવામાં કંઈક જીતવાનું
હોય છે, જો જીતવાનું ન હોય તો ‘જૈન’ એવો શબ્દ બને નહીં. જે જીતવાનું છે તે જીવની અનાદિથી પોતે પોષેલી
પોતાના સ્વરૂપની ભ્રમણા–ઊંધી માન્યતા છે તે, અને તે ભ્રમણાના કારણે થતી પર વસ્તુ પ્રત્યેની ઈષ્ટ–
અનિષ્ટપણાની કલ્પના જીવે જીતવાનાં છે. જે પોતાના દોષોને જીતવાનાં છે તેને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને
મિથ્યાચારિત્ર એ નામથી ઓળખવામાં આવે છે. તે દોષોને જીતનારો આત્માનો જે સ્વભાવ તે ‘જૈનધર્મ’ છે.
‘જૈનધર્મ’ તે કોઈ સંપ્રદાય કે વાડો હોઈ શકે નહીં, કેમકે આત્માનું (પોતાનું) શુદ્ધ સ્વરૂપ તે જૈનધર્મ છે.
(આત્મા અને જીવ એક જ અર્થમાં જૈન શાસ્ત્રોમાં વાપરવામાં આવે છે.)
ઉપરનો અર્થ કરવાથી ફલિત થયું કે આત્મા પોતાના દોષને ટાળે અને પૂર્ણ પવિત્રતા (વીતરાગતા)
પ્રગટ કરે તેનું નામ આત્માનો સ્વભાવ એટલે કે જૈન ધર્મ છે; તેથી જે આત્માઓ વીતરાગતા પ્રાપ્ત કરે તેઓ
સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે.
આ સંબંધમાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે:– –
‘જીવ એક અખંડ દ્રવ્ય હોવાથી, તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. સંપૂર્ણ વીતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય.’
૨. જૈન તત્ત્વ સંક્ષેપ
(૧) અનંત આકાશ છે. (૨) તેમાં જડ–ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. (૩) વિશ્વ મર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી
છે. જેને ધર્માસ્તિકાય–અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. (૪) જીવ અને પરમાણુ પુદ્ગલ એ બે દ્રવ્યો એક ક્ષેત્રેથી
બીજે ક્ષેત્રે જઈ શકે છે. (પ) સર્વદ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે. (૬) અનંત જીવ છે. (૭) અનંતાનંત પરમાણુ પુદ્ગલ
છે. (૮) ધર્માસ્તિકાય એક છે. (૯) અધર્માસ્તિકાય એક છે. (૧૦) કાળદ્રવ્ય અસંખ્યાત (કાળાણુ) છે. (૧૧)
વિશ્વ પ્રમાણ ક્ષેત્રાવગાહ કરી શકે એવો એકેક જીવ છે. (શ્રીમદ્ રાજચંદ્ર આવૃત્તિ પ તા. ૨૨૭–૨૨૮)
ઉપર જે તત્ત્વ સંક્ષેપમાં જણાવ્યું તેમાં આ જગતમાં છ દ્રવ્યો (દ્રવ્ય=અનંત ગુણોનો ત્રિકાળી અખંડ
પિંડ) છે, એમ જણાવ્યું તે નીચે પ્રમાણે છે.
(૧) જીવ અનંત:– તેનું લક્ષણ જ્ઞાન છે. તેના બે વિભાગ છે. સંસારી અને સિદ્ધ. (જે જ્ઞાન સ્વરૂપ દશા
પામ્યા છે, તે અને સર્વ દોષોથી મુક્ત થયા તે.)
(૨) પુદ્ગલ અનંતાનંત:– તેના બે વિભાગ છે. પરમાણુ અને સ્કંધ (Molecules) બન્ને અનંતાનંત
છે, તેના વિશેષ ગુણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે. તેને મૂર્તિક પણ કહેવામાં આવે છે.