: ફાગણ : ૨૦૦૦ : આત્મધર્મ : ૫૭ :
શ્રી સમયસાર બંધ અધિકાર ગાથા ૨૮૭ ઉપર સદ્ગુરુદેવ
શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન તા. ૨૭–૧૨–૪૩
સ્વભાવ છે, તેમાં વર્તમાન જે ઉણપ દેખાય છે તે હું નહીં. [વીર્ય આત્મબળ]
આ તો હજી પ્રથમ શ્રદ્ધા કરવાની વાત છે, પ્રથમ પરિપૂર્ણની શ્રદ્ધા વગર વીતરાગતા આવશે ક્યાંથી?
આત્માને યથાર્થપણે અનંત કાળથી માન્યો જ નથી; માત્ર વિકારી અવસ્થાને અને રાગાદિને માન્યાં, પણ
પરિપૂર્ણ સ્વરૂપને માન્યું નહીં. પરિપુર્ણ સ્વરૂપની શ્રદ્ધા પ્રગટ્યા વિના ધર્મની ગંધ પણ હોય શકે નહીં. અખંડ
પરિપૂર્ણની શ્રદ્ધા વગર વ્રત કે મહાવ્રત પણ સાચાં હોય નહીં.
દાન અને લાભ:– “એકેક સમયમાં મારી પરિપૂર્ણ શક્તિ છે તે પ્રગટ કરીને લાભ લઈ શકું એવો
સ્વભાવ છે; એક ક્ષણની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય આદિ બધા પરિપુર્ણ ગુણોનો લાભ લઈ શકું
અને મને દાન (એટલે મારા સ્વરૂપની પરિપુર્ણતાનું લેવું–દેવું) કરી શકું, અને એક ‘ક્ષણમાં જેવું દેવું એવું લેવું
કરી શકું છું.’ આમ માન્યું તેણે પરિપુર્ણ આત્માને માન્યો છે. જેને હજી પરિપુર્ણ સ્વભાવની શ્રદ્ધા જ નથી તેને
પરિપુર્ણની રુચિ નથી અને રુચિ વગર વીર્ય નથી. પરિપુર્ણ આત્મ સ્વભાવની શ્રદ્ધા અને પ્રતીત વગર
પરિપુર્ણનો પુરુષાર્થ હોઈ શકે નહીં.” હું જ્ઞાનાદિ અનંત ગુણોએ પરિપુર્ણ છું, ઊણપ તે મારું સ્વરૂપ નથી. આમ
જ્યાં સુધી ખરેખરું સ્વરૂપ ન માને ત્યાં સુધી ધર્મની શરૂઆત પણ નથી.
એક સમયમાં સ્વરૂપદાન (અરાગી ભાવનું દાન) મને કરી શકું છું, રાગાદિ રહિત જે પુર્ણ સ્વભાવ તેને
એક સમયમાં પરિપુર્ણ પ્રગટ કરી શકું છું અને તે પુર્ણ પર્યાયને જીરવી શકવાની શક્તિ [વીર્ય, બળ] પણ મારી
જ છે, એમ માનવું તે જ આત્મદાન છે. થોડા ઘણા પૈસા ખરચે ત્યાં તો ઘણું દાન કર્યું. એમ પૈસા વગેરેથી લાભ
માને અને આત્મામાં પોતે પોતાને પરિપુર્ણ પર્યાયનું દાન આપે એવો રાગ–રહિત સ્વભાવ છે, તે પરિપુર્ણ
સ્વભાવને ન માને ત્યાં સુધી સમકિત નથી. તે વગર સાચાં વૃત–તપ કે ચારિત્ર હોય નહીં. પ્રથમ પરિપુર્ણની
શ્રદ્ધા જોઈએ પછી ક્રમે કરીને ચારિત્ર અને વીતરાગ થાય.
કોઈ પુછે કે આ પૈસા વગરનું દાન કઈ જાતનું?
તેનો ઉત્તર:– આ પોતાને સ્વરૂપનું દાન છે. પૈસા વગેરેનો રાગ મટયા વગર આ દાન થઈ શકશે નહીં.
નિર્મમત્ત્વ સ્વભાવની શ્રદ્ધા વગર ‘સ્વરૂપનું પુર્ણ દાન પર્યાયમાં લઈ શકું છું અને પુર્ણ શક્તિનું દાન આપી શકું
છું’ એવી પ્રતીતિ થાય નહીં............
પૈસા વગેરેથી આત્માને દાન અને લાભ માન્યા તેને આત્માનું ભાન નથી. આત્મામાં પુર્ણ દાન શક્તિ
ભરી છે, અને તે જ દાનનો લાભ પર્યાયમાં લેવાની મારી શક્તિ છે; પરિપુર્ણ સ્વભાવની પ્રાપ્તિ કરી લઊં એવો
દાન અને લાભનો એક ક્ષણમાં પરિપુર્ણ સ્વભાવ છે. જેણે ઊણો–અધૂરો સ્વભાવ માન્યો તેણે આત્માને જ
માન્યો નથી, અને આત્માને માન્યા વગર એક પણ નિર્મળ પર્યાય ઊઘડે નહીં.
કોઈ કહે–આવું દાન તો સારું પૈસા દેવાનું મટી ગયું, એટલે પૈસા પણ રહેશે અને દાન પણ થશે!
તેને કહે છે કે–ભાઈ રે! પૈસા વિગેરેનું મમત્ત્વ છૂટે તેને જ આ સ્વરૂપનું દાન પ્રગટે છે. પૈસા વિગેરેનો
રાગ રાખીને કદી અરાગી સ્વભાવ પ્રગટતો નથી; માટે તે મમત્ત્વ–રાગ રહિત પોતાનું સ્વરૂપ સંપુર્ણ અરાગી છે
તેની શ્રદ્ધા થતાં જે નિર્મળ પર્યાય ઉઘડે છે તે જ દાન છે, અને તે જ ખરો લાભ છે.
આ પ્રમાણે જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય, દાન અને લાભ એ આઠ ગુણોની પરિપુર્ણતા કહી.
હવે ‘ભોગ–ઉપભોગ’ ગુણ કહે છે. [અનુસંધાન પાન ૧૧]