: ૭૨ : આત્મધર્મ ચૈત્ર : ૨૦૦૦
ત્તાધીન ભાવ વિશેષ થતો નથી, સ્વભાવના જ્ઞાનના અવલંબનના ભાવે રાગ–દ્વેષ મોહ ઉત્પન્ન થતાં નથી,
જેટલું સ્વભાવનું જોર વધ્યું તેટલું મોહ–(ભ્રાંતિ, રાગ–દ્વેષ) નું જોર ઘટ્યું, અને રાગ–દ્વેષ તે પ્રમાદ છે, તે
પ્રમાદ ટળતાં ફરી રાગાદિ ઉત્પન્ન થતા નથી, અને રાગાદિ વિના ફરી આસ્રવ થતો નથી, આસ્રવ વગર ફરીને
કર્મ બંધાતું નથી, અને પૂર્વે બંધાયેલું કર્મ તે ભોગવાયું થકું નિર્જરી જાય છે. સ્વરૂપના ભાનમાં રસ્તે પડતાં
[એકાગ્ર થતાં] જૂના કર્મ ભોગવાઈને નિર્જરા થઈ જાય છે.
આત્મા કર્મને ભોગવતો નથી; ઘણીવાર કહેવાયું છે કે કર્મની અવસ્થા આત્મામાં નથી. આત્મા ચૈતન્ય
સ્વરૂપ અનંત ગુણોનો દળ છે; અને કર્મ તો અનંત જડરજકણોનું દળ છે; તે કર્મનું ફળ કર્મમાં (જડમાં) આવ્યું
છે, અજ્ઞાનીને પણ કર્મનું ફળ આત્મામાં આવતું નથી, માત્ર તેની દ્રષ્ટિ કર્મ ઉપર છે એટલે કહે છે કે:–
‘ઉદય મહા બળવાન હૈ નહીં પુરુષ બળવાન,
શક્તિ મરોળે જીવની, ઉદય મહા બળવાન.’
આ તો યથાર્થ ભાન પછી પર્યાયની નબળાઈનું ભાન કરાવવા માટે નિમિત્તથી કથન છે, કર્મને તો ખબર
પણ નથી કે પોતે કોણ છે અને કયાં છે? બધાને જાણનારો પોતે અને મહિમા કરે પરનો! જેની દ્રષ્ટિ કર્મ ઉપર
છે તે કર્મનું જોર માને છે, અને કહે છે કે– ‘નીકાચીત અને નિગત (ભોગાવળી) કર્મ બાંધ્યા તે કદી છૂટે? તે કર્મે
શક્તિને રોકી રાખી છે, ભગવાન મહાવીરને પણ કર્મો ભોગવવા પડ્યાં!’ ત્યાં ‘કર્મે આત્માની શક્તિને રોકી’
એવું કથન તો પુરુષાર્થની વર્તમાન નબળાઈ બતાવવા નિમિત્તથી છે; કર્મ આત્માના કોઈ ગુણને રોકી શકે એમ
ત્રણ કાળ ત્રણ લોકમાં બની શકતું નથી પણ જ્યારે પોતે પુરુષાર્થમાં અટક્યો ત્યારે કર્મને નિમિત્ત કહેવાયું. જે
વિકારી પર્યાય થાય છે તે કર્મના નિમિત્તે થાય છે માટે તારા સ્વરૂપમાં નથી, એમ બતાવીને નિર્વિકાર
સ્વભાવના પુરુષાર્થનું જોર બતાવવું છે, કર્મનું જોર બતાવવું નથી.
ભગવાન જે ઉપદેશ આપે છે તે ‘તું લાયક નથી પણ હું તને સમજાવું છું, તું સમજીશ નહીં છતાં કહું છું’
એમ કહીને ઉપદેશ આપ્યો નથી, પણ ‘હું અને તું સરખા છીએ, હું જે કહું છું તે તું બરાબર સમજી જઈશ’ એમ
કહીને કહ્યું છે. આચાર્ય દેવે પ્રથમ ગાથામાં જ બધાને સિદ્ધ સમાન સ્થાપીને શરૂઆત કરી છે; ‘તું નહીં સમજ
માટે કહું છું’ એમ કહ્યું નથી.
જૈનધર્મ એ વસ્તુ પ્રદર્શક ધર્મ છે, વસ્તુ ત્રિકાળ છે વસ્તુનો સ્વભાવ ત્રિકાળ છે, વસ્તુ પ્રદર્શક ધર્મને
કાળની કેદથી [મર્યાદાથી] રોકી શકાય નહીં; કારણકે વસ્તુ અને વસ્તુનો સ્વભાવ દેખાડનાર એ જૈન ધર્મ છે
અને વસ્તુ ત્રિકાળ છે તેથી ધર્મપણત્રિકાળ જ છે; ધર્મને કાળની મર્યાદામાં બાંધી શકાય નહીં; વસ્તુ ત્રિકાળ છે
માટે તેનો પ્રદર્શક ધર્મ પણ ત્રિકાળ હોય જ.
સત્ય તો નગ્ન જ છે, તે કોઈનું રાખે તેમ નથી, સત્ય ત્રિકાળ એક રૂપ જ છે; “એક હોય ત્રણ કાળમાં
પરમારથનો પંથ” પરમાર્થનો પંથ અર્થાત્ સત્યધર્મ ત્રિકાળ એક જ હોય, કાળની અસર તેમાં હોય નહીં;
મહાવીર ભગવાન વખતે બીજો માર્ગ અને ત્યારપછી તેનાથી જુદો માર્ગ એમ બને નહીં.
જૈનધર્મનું કથન ત્રિકાળી વસ્તુ સ્વભાવના આધારે છે, અનુભવ તે જૈન ધર્મનો પાયો છે, યુક્તિવાદ તે
જૈન ધર્મનો આત્મા છે; સત્યમાર્ગ કોઈથી રોકાય તેમ નથી, જે રોકવા માટે કરશે તે પોતે જ ચારગતિના
ભ્રમણમાં રોકાઈ જવાના! તત્ત્વ કોઈ વ્યક્તિના આધારે નથી કે કોઈથી તેની ઉપ્તત્તિ નથી; સર્વજ્ઞ થયા માટે ધર્મ
થયો નથી; વસ્તુ ત્રિકાળ છે, વસ્તુના ધર્મને રોકી શકનાર કોઈ નથી; ચોથો કાળ હોય કે પંચમકાળ હોય
કોઈ કાળ ધર્મને અસર કરી શકે નહીં. ધર્મ જેમ છે તેમ જ ત્રિકાળ છે.
સુખડી ત્રણે કાળ ઘી–ગોળ અને લોટ એ ત્રણ વસ્તુની જ બને, એ સિવાય કદી રેતી પાણી અને
કાંકરાની સુખડી બનતી નહતી અને કદી બનશે પણ નહીં. એમ મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્ર એ ત્રણ થઈને જ છે, એ સિવાય પુણ્યાદિથી મોક્ષમાર્ગ ત્રણકાળ ત્રણલોકમાં નથી.
એકલા જ્ઞાનનું અવલંબન એ જ મોક્ષનો ઉપાય છે; એકલા ચૈતન્ય જ્ઞાન સ્વભાવના અવલંબન સિવાય
બીજા કોઈ ઉપાયે મોક્ષ નથી. એકલા જ્ઞાનના અવલંબને પૂર્વે બંધાયેલું કર્મ નિર્જરી જાય છે, અને સમસ્ત કર્મોનો
નાશ થતાં સાક્ષાત્ પરિપૂર્ણ મોક્ષદશા પ્રગટે છે. આવો સમ્યગ્જ્ઞાનનો મહિમા છે.