: ૧૧૮ : આત્મધર્મ ૨૦૦૦ : જેઠ :
ભગવાન શ્રી ધરસેનાચાર્ય અને આચાર્ય દેવો શ્રી ભુતબલિ
તથા શ્રી પુષ્પદંતની પરમોપકારી કરુણાથી પુસ્તકારૂઢ થયેલ
શ્રી ષટ્ખંડાગમ જયવંત રહો
શ્રુતપંચમી (જેઠ સુદ પ) નો મહા માંગલિક દિવસ તે દિવસે શ્રુત પૂજા કરી શ્રુત જ્ઞાનની રુચિ વધારો
લેખક:– રામજીભાઈ માણેકચંદ દોશી
સોરઠ દેશમાં ગીરનાર પર્વતની ચન્દ્રગુફામાં એક મહામુની ધરસેનાચાર્ય ધ્યાન કરતા હતા. તેઓ અંગો
અને પૂર્વોના એકદેશના જ્ઞાતા હતા. તેઓ વિદ્વાન અને શ્રુત–વત્સલ હતા.
તેમને એવો ભય ઉત્પન્ન થયો કે હવે અંગશ્રુત વિચ્છેદ થઈ જશે, તેથી ધર્મોત્સવ વગેરે માટે મહિમા
નામના શહેરમાં સંમિલિત થયેલા દક્ષિણ દેશના નિવાસી આચાર્યોને એક પત્ર મોકલ્યો. તે પત્રમાં લખેલા
ધરસેનાચાર્યનાં વચનોને સારી રીતે સમજી, તે આચાર્યોએ શાસ્ત્રના અર્થને ગ્રહણ અને ધારણ કરવામાં સમર્થ,
અનેક પ્રકારના ઉજ્વળ અને નિર્મળ વિનયથી વિભૂષિત, શીલરૂપી માળાનાધારક, ગુરુએ મોકલવારૂપ ભોજનથી
તૃપ્ત, દેશ કાળ અને જાતિથી શુદ્ધ, સમસ્ત કળાઓમાં પારંગત, અને આચાર્યોની ત્રણવાર આજ્ઞા લીધેલા એવા
બે સાધુઓને આન્ધ્ર દેશમાં આવેલી વેણાનદીના તટથી મોકલ્યા.
માર્ગમાં એ બે સાધુઓને આવતી વખતે કુન્દનાં પુષ્પ, ચંદ્રમા અને શંખની સમાન સફેદ રંગવાળા,
સમસ્ત લક્ષણોથી પરિપૂર્ણ, ધરસેનાચાર્યને ત્રણવાર પ્રદક્ષિણા દઈ અંગે નમ્રતા ધારણ કરી આચાર્યના ચરણમાં
પડતા એવા બે બળદોને ધરસેન ભટ્ટાર્કે રાતના પાછલા ભાગમાં સ્વપ્નામાં જોયા. એ પ્રકારના સ્વપ્નાને દેખી
સંતુષ્ટ થઈ ધરસેનાચાર્ય ‘શ્રુતદેવતા જ્યવંત હો’ એવું વાક્ય બોલ્યા.
તેજ દિવસે દક્ષિણ દેશથી મોકલેલા એ બન્ને સાધુ ધરસેનાચાર્ય પાસે પહોંચ્યા. તેઓએ ધરસેનાચાર્યને
પાદવંદના આદિ કૃતિકર્મ કર્યું. બે દિવસ વીતાવી ત્રીજે દિવસે એ બન્નેએ ધરસેનાચાર્યને નિવેદન કર્યું કે આ કામ
માટે અમે બન્ને આપના પાદમૂળમાં હાજર થયા છીએ. એ બન્ને સાધુઓએ એ પ્રકારે નિવેદન કરતાં ‘સારું,
કલ્યાણ થાઓ’ એમ કહી ધરસેન ભટ્ટાર્કે એ બન્ને સાધુઓને આશ્વાસન આપ્યું.
ત્યારબાદ ધરસેનાચાર્યે તેમની પરીક્ષા કરવાનો વિચાર કર્યો, કેમકે ઉત્તમ પ્રકારે કરવામાં આવેલી પરીક્ષા
હૃદયમાં સંતોષ ઉત્પન્ન કરે છે. પછી ધરસેનાચાર્યે એ બન્ને સાધુઓને બે વિદ્યાઓ આપી. તેમાંથી એક અધિક
અક્ષરવાળી હતી અને બીજી ઓછા અક્ષરવાળી હતી. એ બે વિદ્યાઓ આપી કહ્યું કે–બે દિવસના ઉપવાસ કરી
તેને સિદ્ધ કરો.
જ્યારે તે બે સાધુઓને વિદ્યા સિદ્ધ થઈ ત્યારે વિદ્યાની અધિષ્ટાત્રી દેવીને દીઠી, તેમાંથી એક દેવીના દાંત
બહાર નીકળ્યા હતા અને એક કાણી હતી. ‘વિકૃતાંગ હોવું તે દેવતાઓનો સ્વભાવ નથી’ એમ એ બન્ને
સાધુઓએ વિચાર કરી મંત્ર સંબંધી વ્યાકરણ શાસ્ત્રમાં કુશળ તે બન્ને સાધુઓએ ઓછા અક્ષરવાળી વિદ્યામાં
અધિક અક્ષર મેળવી તથા અધિક અક્ષરવાળી વિદ્યામાંથી અક્ષર કાઢી મંત્રને ભણી ફરીને તે વિદ્યા સિદ્ધ કરવા
પ્રારંભ કર્યો તેથી તે બન્ને વિદ્યાદેવીઓ પોતાના સ્વભાવ અને સુંદર રૂપમાં દેખાણી.
ત્યારબાદ ભગવાન ધરસેનાચાર્ય સમક્ષ, યોગ્ય વિનય સહિત એ બન્નેએ વિદ્યા–સિદ્ધિ સંબંધી સમસ્ત
વૃતાંત નિવેદન કર્યું; તે ઉપરથી સંતુષ્ટ થઈ ધરસેન ભટ્ટાર્કે શુભ તિથિ, શુભ નક્ષત્ર, અને શુભવારે ગ્રંથ (શ્રુત)
ભણાવવાનો પ્રારંભ કર્યો. એ પ્રમાણે ક્રમથી વ્યાખ્યાન કરતાં ધરસેન ભગવાને એ બન્નેને અષાડ સુદ ૧૧ ના
રોજ ગ્રંથ પૂરો શીખવી દીધો.
વિનય પૂર્વક ગ્રંથ શિક્ષા સમાપ્ત થઈ તેથી સંતુષ્ટ થએલા ભૂત જાતિના વ્યંતર દેવોએ તે બન્નેમાંથી
એકની પુષ્પોથી તથા શંખ અને તૂર્યજાતિના વાજાંના નાદથી ઘણી ભારે પૂજા કરી; એ જોઈને ધરસેન ભટ્ટાર્કે તેનું
“ભૂતબલિ” નામ રાખ્યું; તથા બીજાની ભૂતોએ પૂજા કરી તથા તેમના આડા અવળા દાંતોને દેવોએ સરખા કરી
દીધા તેથી બીજાનું નામ ધરસેન ભટ્ટાર્કે “પુષ્પદંત” રાખ્યું. ત્યારપછી તેઓને ત્યાંથી જવાનું કહેતાં “ ગુરુની
આજ્ઞા અલંઘનીય હોય છે ” એમ વિચારી તેઓ અંકલેશ્વર આવી ત્યાં વર્ષાકાળ વીતાવ્યો.