Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 17

background image
: ૧૫૬ : આત્મધર્મ ૨૦૦૦ : શ્રાવણ :
તે મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર ટળી શકે છે.
પ્રશ્ન:– ઉપર જે ઉપાય બતાવ્યો તેને શાસ્ત્રની પરિભાષામાં શું કહે છે?
ઉત્તર:– પરમાર્થ
[સત્યાર્થ–ભૂતાર્થ–નિશ્ચયનય] ના ગ્રહણથી તે અજ્ઞાનાંધકાર ટળી જાય છે એમ
શાસ્ત્રપરિભાષામાં કહેવામાં આવે છે.
પ્રશ્ન:– આ બાબતમાં જે આધાર હોય તે જણાવો!
ઉત્તર:– શ્રી સમયસાર ગાથા ૧૧ ટીકા–ભાવાર્થ તથા કલશ પપ તેના અર્થ–ભાવાર્થ અને “સંજીવની”
નામનું પ્રસિદ્ધ થયેલું પુસ્તક. તે આ બાબતના આધારો છે.
પ્રશ્ન:– આ મહા અહંકાર ટાળવા અનંત પુરુષાર્થ જોઈએ એમ કેમ કહો છો?
ઉત્તર:– “જીવ પરનું કાંઈ કરી શકે નહીં” એમ પ્રથમ સાંભળતાં જ જીવ આભો બની જાય છે, અને “તે
મારે માટે નહીં, હાલ નહીં, એ તો ઊંચી દશાવાળા માટે અને કેવળી માટે છે” એ વિગેરે ખોટી કલ્નાઓ કરી તે
તરફ રુચિ કરતો નથી, પણ અરુચિ કરે છે જેથી તે ટાળવા માટે અનંત પુરુષાર્થની જરૂર છે, એમ કહ્યું છે.
જીવે અનાદિકાળથી “પર દ્રવ્યોને અને તેના ભાવોને (અવસ્થાને) હું કરી શકું” એવો ભ્રમ ગ્રહણ કર્યો
છે, અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. શ્રીગુરુ પરભાવનો વિવેક [ભેદજ્ઞાન] કરી તેને વારંવાર કહે છે કે
“તું આત્મસ્વરૂપ છો! તું પરનું કાંઈ કરી શકે નહીં; માટે શીઘ્ર જાગ! સાવધાન થા! ”
કંટાળો લાવ્યા વગર આ કથન જો જીવ વારંવાર સાંભળે, અને તેની સારી રીતે પરીક્ષા કરી સાચું જ્ઞાન
કરે તો અજ્ઞાન ટળે છે, તેથી આ સમજવાને માટે અનંત પુરુષાર્થની જરૂર છે એ સિદ્ધ થાય છે. જે આવો પુરુષાર્થ
કરે તે જાણી શકે છે કે જીવ પુદ્ગલકર્મનો કર્તા થઈ શકે નહીં. છતાં અજ્ઞાની તેમ માને છે એ બતાવવા શાસ્ત્રમાં
જીવને અસદ્–ભૂત (ખોટા) વ્યવહારનયે કર્મનો કર્તા કહ્યો છે, પણ સદ્ભુત (સાચા) વ્યવહારનયે તે જીવ
પોતાના શુદ્ધ ભાવોનો જ કર્તા છે.
– : ભેદસંવેદન : –
૧ અજ્ઞાનીની દશા.
ભેદસંવેદનની (ભેદજ્ઞાનની) શક્તિ અનાદિથી અજ્ઞાનને લીધે આત્માની બિડાઈ ગયેલી છે. તેથી પરને
અને પોતાને એકપણે તે જાણે છે. “હું ક્રોધ છું, હું પર દ્રવ્ય છું, હું પરદ્રવ્યની ક્રિયા કરી શકું છું, પરદ્રવ્ય મારું કરી
શકે છે.” ઈત્યાદિ ખોટા વિકલ્પો (કલ્પિત તરંગો) કર્યા કરે છે. પુદ્ગલ કર્મના અને પોતાના સ્વાદનું
ભેળસેળપણું કલ્પી, તેનો એકરૂપ તે અનુભવ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિધાનધન
સ્વભાવથી તે અનાદિથી ભ્રષ્ટ થયો છે. તે કારણે વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમે છે, અને પોતાને, પરનો
અને પરભાવનો (ક્રોધાદિનો) કર્તા પ્રતિભાસે છે.
૨ જ્ઞાનીની દશા
ભેદ સંવેદનની (ભેદજ્ઞાનની) શક્તિ જ્ઞાનીને ઉઘડી ગઈ હોય છે. આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાનને લીધે
જ્ઞાનની આદિથી માંડીને પુદ્ગલ કર્મ અને પોતાનો ભિન્નભિન્નપણે અનુભવ કરે છે, અને એકરૂપે અનુભવ
કરતો નથી. બંનેના પૃથક પૃથક સ્વાદનું સ્વાદન (અનુભવન) તેને હોય છે, તેથી તે જાણે છે કે:–“અનાદિનિધન,
નિરંતર સ્વાદમાં આવતો, સમસ્ત અન્ય રસથી વિલક્ષણ (ભિન્ન) અત્યંત મધુર જે ચૈતન્યરસ તેજ એક જેનો
રસ છે એવો હું આત્મા છું” વળી તે જાણે છે કે “કષાયો મારાથી ભિન્ન રસવાળા [કષાયલા–બે સ્વાદ] છે,
તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાન છે.”
આ રીતે પરને અને પોતાને ભિન્નપણે જ્ઞાની જાણે છે; તેથી અકૃત્રિમ (નિત્ય) એક જ્ઞાન જ હું છું; પરંતુ
કૃત્રિમ (અનિત્ય) અનેક જે ક્રોધાદિક તે હું નથી એમ જાણતો થકો “હું ક્રોધ છું” ઈત્યાદિ આત્મવિકલ્પ જરાપણ
કરતો નથી; તેથી સમસ્ત કર્તૃત્વને પ્રથમદ્રષ્ટિમાં છોડી દે છે અને ક્રમેક્રમે ચારિત્રમાં છોડી દે છે.
એ રીતે સદાય ઉદાસિન અવસ્થાવાળો થઈને માત્ર જાણ્યા જ કરે છે, અને તેથી નિર્વિકલ્પ; અકૃત્રિમ,
એક વિજ્ઞાનધન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે.
જ્ઞાનીની ઉપર કહી તેવી દશા અવિરત સમ્યગ્દ્રષ્ટિથી શરૂ થાય છે.