Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 17

background image
: ૧૪૮ : આત્મધર્મ ૨૦૦૦ : શ્રાવણ :
પરમ પૂજ્ય સદ્ગુરુદેવનું વ્યાખ્યાન. અક્ષયત્રીજ તા. ૨૫ – ૪ – ૪
કારણ પરમાત્મા ને કાર્ય પરમાત્મા
નિયમસાર ગાથા ૭ મી અરિહંત દેવના સ્વરૂપનું વર્ણન
ભગવાન અરિહંતદેવ કાર્ય પરમાત્મા છે. કાર્ય એટલે આત્માની સ્વતંત્ર પૂર્ણાનંદ દશા પ્રગટી તે કાર્ય,
અર્થાત્ અવસ્થા તે કાર્ય છે અને તેનું કારણ દ્રવ્ય પોતે જ છે. દ્રવ્યમાં ત્રણકાળમાં આવરણ નથી, આત્માને કોઈ
કર્મના આવરણનો પડદો પરમાર્થે નથી. વર્તમાન અવસ્થાદ્રષ્ટિએ જોતાં એક સમય પૂરતી અવસ્થામાં આવરણ
દેખાય છે, પણ વસ્તુમાં આવરણ નથી.
પ્રશ્ન:– વસ્તુ દ્રષ્ટિથી જોતાં આવરણ નથી દેખાતું, તો શું આવરણ સર્વથા નથી?
ઉત્તર:– વસ્તુને આવરણ કદી હોય નહીં, એક સમય પૂરતી વિકારી અવસ્થામાં ભાવબંધન છે, અરિહંત
ભગવાનને તે ભાવબંધન ટળી ગયું છે તેથી ‘કાર્ય પરમાત્મા’ છે; કેમકે પૂર્ણદશારૂપી કાર્ય તેમને પ્રગટ છે. તે
કાર્યનું કારણ વસ્તુ પોતે જ છે. વસ્તુ ત્રણેકાળ સંપૂર્ણ આવરણ રહિત છે.
વસ્તુને આવરણ હોઈ શકે નહીં; આવરણ કહ્યું ત્યાં અવસ્થાનું લક્ષ થયું. આત્મા તો અનંતગુણની
શક્તિનો પિંડ છે, તે વસ્તુ કે વસ્તુના ગુણમાં કદી આવરણ નથી; પણ એક સમયની અવસ્થાને જુએ તો એક
સમય પૂરતું આવરણ પર્યાયમાં છે.
પ્રશ્ન:– પર્યાય એક જ સમયની કેમ? એક પર્યાય સાથે બીજી જોડાઈને લાંબી કેમ નહીં?
ઉત્તર:– બે સમયની પર્યાય કદી ભેગી થતી જ નથી. એક સમયની પર્યાય ગઈ ત્યારે બીજા સમયની
પર્યાય આવી છે. પહેલા સમયની પર્યાય રહીને બીજા સમયની પર્યાય આવતી નથી, માટે પર્યાય એક જ સમય
પૂરતી છે.
પ્રશ્ન:– ભૂત–ભવિષ્યની પર્યાય વર્તમાનમાં મેળવીએ તો પર્યાય લાંબી થાય ને?
ઉત્તર:– પર્યાય કોઈ રીતે એક સમય કરતાં વધારે લાંબી હોય નહીં. ભૂત–ભવિષ્યની પર્યાય તો દ્રવ્યની
શક્તિ અર્થાત્ ગુણ છે. વળી ભવિષ્યની પર્યાય વર્તમાન સાથે મળી જ શકે નહીં કેમકે જ્યારે ભવિષ્યની પર્યાય
થશે ત્યારે તો વર્તમાન પર્યાયનો વ્યય થઈ ગયો હશે. વર્તમાન પર્યાય જશે ત્યારે નવી આવશે.
દ્રષ્ટાંત:– પાણીનો ત્રિકાળી સ્વભાવ ઠંડો છે, વર્તમાનઅવસ્થા ઉષ્ણ છે–તે ઉષ્ણતા એક સમય પૂરતી જ
છે. જો ઉષ્ણતા વર્તમાન પૂરતી ન હોત તો ઠરત નહીં. એક સમય બદલીને બીજે સમયે પાણી ભલે ઊનું હોય તો
પણ બીજા સમયનું ઉષ્ણપણું નથી; પહેલા સમયની ઉષ્ણતા બદલીને બીજે સમયે જે ઉષ્ણતા છે તે નવી છે એટલે
કે પહેલા સમયની નથી.
દ્રષ્ટાંતનો સિદ્ધાંત:– પાણીના દ્રષ્ટાંતે આત્મા પણ ત્રિકાળી શુદ્ધ છે, તેમાં સંસારની મલિનતા એક સમય
પૂરતી જ છે. [બારમા ગુણસ્થાનના છેલ્લા સમયે ચાર ઘાતી કર્મોનો સર્વથા નાશ થતાં કેવળજ્ઞાન પ્રગટ્યું.]
વસ્તુમાં સંસાર નથી પણ એક સમય પૂરતી અવસ્થામાં છે. વસ્તુ કદી પણ અશુદ્ધ થતી નથી, વસ્તુમાં નિમિત્ત
નથી, આવરણ નથી, કોઈની અપેક્ષા નથી, વસ્તુ તો ત્રિકાળ એકરૂપ નિરપેક્ષ છે, ભંગ–ભેદની બધી જાળ
પર્યાયમાં છે. વિકાર એક સમય પૂરતો જ છે. સમય સમય કરતાં (પોતે વિકાર કરીને) લાંબુ કરી મૂકયું છે,
સંસાર તો એક સમયનો છે તેને પલટતાં વાર લાગતી નથી.
[ચૌદમા ગુણસ્થાનનો છેલ્લો સમય તે હજી સંસાર
દશા છે અને તે સમયનો નાશ થતાં ત્યાર પછીના સમયમાં સંસાર નથી.]
વસ્તુ ત્રણેકાળ પૂર્ણ નિરાવરણ છે. તેમાં કાળનો ભેદ નથી. જેમ દીવો તો દીવો જ છે, સળગતી જ્યોત જ
છે, તેમાં જે પડદો છે તે વર્તમાન પૂરતો છે. આખા દીવાને જો પડદો હોય તો દીવો જ ન રહે, દીવાનો અભાવ
ઠરે; પણ પડદો વર્તમાન પૂરતો છે. તે ટળી શકે છે. તે ટળ્‌યો કે દીવો તો દીવો જ છે. પડદા વખતે પણ દીવો જ
હતો. પડદો દૂર થતાં પણ દીવો જ છે. તેમ આત્મા તો ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય જ્યોત જ છે; અવસ્થા પૂરતું આવરણ