: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૬૯ :
બંધાયેલો છું’ એવા ભ્રમને કાપી નાંખે છે. સ્વતંત્રતાની શ્રદ્ધાના જોર વિના કદી સ્વતંત્રતા પ્રગટે નહીં,
પરાધીનતા ટળે નહીં અને મુક્તિ થાય નહીં.
‘હું બંધાયેલો નથી, મારા સ્વરૂપમાં બંધન છે જ નહીં’ એમ જેને તત્ત્વની નિર્બંધદ્રષ્ટિ છે તે અવસ્થામાં
ક્રમેક્રમે નિર્જરા કરી મુક્ત થઈ જશે. પ્રથમ શ્રદ્ધા જોઈએ, ધ્રુવસ્વરૂપના જોર વડે આઠે કર્મોનો નાશ કરી સહજાનંદ
પરમાત્મા (જેવો અંદર પડ્યો છે તેવો) પ્રગટ થઈ જાય છે.
શુભાશુભ વૃત્તિ આત્માનું સ્વરૂપ નથી. આત્મા તે શુભાશુભ ભાવ જેટલો નથી. દયાદિની વૃત્તિ તે
ક્ષણેક્ષણે નવી થાય છે. તે વૃત્તિ વખતે અજ્ઞાનીને ‘આ મારા સ્વરૂપમાં છે’ એવી માન્યતાના કારણે બંધન થાય
છે; અને જ્ઞાની ‘મારા સ્વભાવમાં બંધન–ભાવ નથી, વિકાર નથી, અવસ્થામાં નબળાઈના કારણે આ વૃત્તિ
આવી જાય છે’ એવા ભાનમાં પરનો (શુભાશુભ લાગણીઓનો) ધણી થતો નથી તેથી તેને નિર્જરા થાય છે.
દ્રષ્ટિમાં પરિપૂર્ણ સ્વભાવનું જોર પુરુષાર્થની નબળાઈનું ધણી પણું થવા દેતું નથી.
મારા સ્વભાવમાં ઊણપ કે વિકાર નથી, પુરુષાર્થની નબળાઈ પણ મારા સ્વભાવમાં નથી, ફક્ત
અવસ્થામાં જે નબળાઈ દેખાય છે તે વર્તમાન પુરુષાર્થની નબળાઈ છે એમ જ્ઞાની જાણે છે.
જ્ઞાનીને ટંકોત્કિર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે–કર્મબંધ સંબંધી શંકા કરનાર અર્થાત્ કર્મવડે
બંધાયેલો છું એવો ભય (સંદેહ) ઉત્પન્ન કરનાર મિથ્યાત્વ આદિ ભ્રાંતિ ભાવોનો અભાવ હોવાથી–તે નિઃશંક
છે; એટલે ‘હું પરથી બંધાઉં’ એવો શંકાકૃત બંધ તેને (જ્ઞાનીને) નથી, પણ નિર્જરા જ છે.
પ્રશ્નોત્તરી
રજાુ કરનાર: – રામજીભાઈ માણેકચંદ દોશી.
પ્રશ્ન–જીવાદિ તત્તવો સમજવા માટે આ કાળે કોણ લાયક છે?
ઉત્તર–પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ (જ્ઞાનનો
ઉઘાડ) તો સર્વ સંજ્ઞી પંચેંદ્રિય જીવોને થયો હોય છે, માટે તે લાયક છે.
પ્રશ્ન–તો પછી સર્વ સંજ્ઞી પંચેંદ્રિય જીવોને જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કેમ થતું નથી.
ઉત્તર–જે જે સંજ્ઞી જીવો પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવા માટે પોતાના જ્ઞાનમાં
પુરુષાર્થ કરે છે તેને સાચી શ્રદ્ધા થાય છે, અને જે જે સંજ્ઞી જીવો પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ
નિર્ણય કરવા માટે પોતાના જ્ઞાનમાં પુરુષાર્થ કરતા નથી, પણ પર જ્ઞેયોને જાણવામાં તે જ્ઞાનને રોકવામાં
અસત્યાર્થ પુરુષાર્થ કરે છે તેને પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું શ્રધ્ધાન થતું નથી.
ક્ષયોપશમ જ્ઞાન જ્યાં લાગે ત્યાં એક જ્ઞેયમાં લાગે. જો પોતાના સ્વરૂપને જાણવા તરફ તે જ્ઞાનને
લગાડે તો તેનું જ્ઞાન થાય, અને જો પર જ્ઞેયને જાણવા તરફ પોતે પોતાના જ્ઞાનને લગાડે તો પર જ્ઞેય
જ્ઞાનમાં લાગે. પરદ્રવ્યો અનંતાનંત છે, એક જ્ઞેયમાં રોકે તો કદીપણ તેને બરાબર જાણે નહીં. સ્વને
યથાર્થપણે જાણ્યા વગર પરનું યથાર્થ જ્ઞાન થતું નથી, તેથી જે સંજ્ઞી જીવો પોતાનો પુરુષાર્થ પોતા તરફ
વાળતા નથી તેને યથાર્થ શ્રદ્ધા અને યથાર્થ જ્ઞાન થતાં નથી.
પ્રશ્ન–ધર્મના ઉપદેશમાં મુખ્યતા શેની જોઈએ?
ઉત્તર–મિથ્યાત્વ જે પાપ છે તેની પ્રવૃત્તિ છોડાવવાની મુખ્યતા જોઈએ. કેટલીક બાબતોમાં હિંસા
બતાવી તે છોડાવવાની મુખ્યતા કરવી એ ક્રમભંગ ઉપદેશ છે. જેઓ દયાના કેટલાક અંગ યોગ્ય પાળે છે,
હરિત કાય આદિનો ત્યાગ કરે છે, જળ થોડું વાપરે છે તેનો નિષેધ ન સમજવો. અંહી તો મિથ્યાત્વનું મહાપાપ
છોડાવવાની પ્રવૃત્તિની મુખ્યતા જોઈએ એ બતાવવાનું છે. જો તેની મુખ્યતા નહીં કરવામાં આવે તો તે જીવો
દયાના કેટલાક અંગો પાળવામાં આખી જિદગી વ્યતીત કરશે, અને ધર્મની શરૂઆતરૂપ સમ્યગ્દર્શન પામશે
નહીં. એ રીતે તેમનું અમુલ્ય મનુષ્ય જીવન અફળ જશે, અને તેમનું સંસારચક્ર ચાલુ રહેશે.